Prevention and Care of Common Kidney Diseases at Single Clickકિડની ફેલ્યરનુ પ્રમાણ ખુબ ઝડપ થી વધી રહ્યું છે, ચાલો આપણે સાથે મળી કિડની ના રોગો અટકાવીએ...

« Table of Contents

કિડનીની રચના અને કાર્ય

Topics
 • કિડની ની રચના
 • કિડની ના કાર્યો

કિડની શરીરનું એક બહુ જ અગત્યનું અંગ છે. કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવવાનું યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જટિલ છે.

કિડનીની રચના :

શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી કિડની પેશાબ બનાવે છે. તેનો શરીરમાંથી નિકાલ કરવાનું કામ મૂત્રવાહિની (Ureter), મૂત્રાશય (Urinary Bladder) અને મૂત્રનલિકા(Urethra) દ્વારા થાય છે.

 • સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે સ્વસ્થ કિડની આવેલ હોય છે.
 • કિડની પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ (પીઠના ભાગમાં), છાતીની પાંસળીઓની પાછળ સુરક્ષિત રીતે આવેલ હોય છે.
 • કિડનીનો આકાર કાજુ જેવો છે. પુખ્તવયમાં કિડની આશરે ૧૦ સે.મી. લાંબી, ૫ સે.મી. પહોળી અને ૪ સે.મી. જાડી હોય છે અને તેનું વજન એકંદરે ૧૫૦ થી ૧૭૦ ગ્રામ હોય છે.
 • કિડનીમાં બનતા પેશાબને મૂત્રાશય સુધી પહોંચાડતી નળીને મૂત્રવાહિની કહે છે, જે આશરે ૨૫ સે.મી. લાંબી હોય છે અને તે ખાસ જાતના સ્થિતિ-સ્થાપક સ્નાયુની બનેલી હોય છે.
 • મૂત્રાશય પેટના નીચેના ભાગમાં આગળ તરફ (પેડુમાં) ગોઠવાયેલી સ્નાયુની બનેલી કોથળી છે, જેમાં પેશાબ એકઠો થાય છે.
 • જ્યારે મૂત્રાશયમાં ૪૦૦ મિલીલિટર જેટલો પેશાબ એકઠો થાય ત્યારે પેશાબ કરવાની ઇચ્છા થાય છે.
 • મૂત્રનલિકા દ્વારા પેશાબનો નિકાલ શરીરની બહાર કરવામાં આવે છે.
સ્ત્રી તથા પુરુષ બંનેના શરીરમાં કિડનીનું સ્થાન, રચના અને કાર્ય એકસમાન હોય છે.
Kidney Location

કિડની ના કાર્યો :

કિડની ની જરૂરિયાત અને અગત્યતા શું છે ?

 • દરેક વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકના પ્રકાર અને તેની માત્રામાં હંમેશા ફેરફાર થતો રહે છે.
 • ખોરાકની વિવિધતાને કારણે તે સાથે શરીરમાં ઉમેરાતા પ્રવાહી, ક્ષાર અને જુદા જુદા ઍૅસિડિક તત્ત્વોની માત્રામાં પણ ફેરફાર થાય છે.
 • ખોરાકના પોષક તત્ત્વોના પાચન અને ઉપયોગ દરમિયાન કેટલાક બિનજરૂરી પદાર્થો શરીરમાં ઉત્પન્ન થાય છે.
 • શરીરમાં પ્રવાહી, ક્ષારો, રસાયણો અને ઉત્સર્ગ પદાર્થોમાં થતો વધારો કે ફેરફાર વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે.
 • કિડની પેશાબ દ્વારા બિનજરૂરી પ્રવાહી, ક્ષાર અને ઍૅસિડિક આલ્કલીનું નિયમન કરે છે. લોહીમાંના આ પદાર્થોની માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી કિડની શરીરને તંદુરસ્ત રાખે છે.
Kidney Functions

કિડનીના મુખ્ય કાર્યો નીચે મુજબ છે :

 1. લોહીનું શુધ્ધીકરણ :
  કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે.
 2. પ્રવાહીનું સંતુલન :
  કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ વાટે દુર કરે છે.
 3. ક્ષારનું નિયમન :
  કિડની શરીરમાં સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ વગેરેની માત્રા જાળવવાનું કાર્ય કરે છે. સોડિયમ ની વધઘટ મગજ પર અને પોટેશિયમ ની વધઘટ હૃદય અને સ્નાયુની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે.
 4. લોહીના દબાણ પર કાબુ :
  કિડની કેટલાક હોર્મોન (એન્જિયોટેન્સીન, આલ્ડોસ્ટીરોન, પ્રોસ્ટાગ્લેન્ડીન વગેરે) તથા પ્રવાહી અને ક્ષારના યોગ્ય નિયમનથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.
Urine Formation

૫.  રક્તકણના ઉત્પાદનમાં મદદ :

લોહીમાંના રક્તકણોનું ઉત્પાદન હાડકાંના પોલાણમાં થાય છે. આ ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરિથ્રોપોયેટીન કિડનીમાં બંને છે. કિડની ફેલ્યરમાં આ પદાર્થ ઓછા અથવા ન બનતા, રક્તકણનું ઉત્પાદન ઘટી જાય છે અને લોહીમાં ફિક્કાશ આવી જાય છે એટલે કે ઍનિમિયા થાય છે.

૬.  હાડકાંની તંદુરસ્તી:

કિડની સક્રિય વિટામિન-ડી બનાવવામાં મદદ કરે છે. આ વિટામિન-ડી શરીરમાંના કૅલ્શિયમ અને ફોસ્ફરસનું નિયત પ્રમાણ જાળવી હાડકાં તથા દાંતના વિકાસ અને તંદુરસ્તીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

કિડનીમાં લોહીનું શુદ્ધીકરણ થઈ પેશાબ કઈ રીતે બને છે?

કિડની જે રીતે જરૂરિયાતવાળા પદાર્થોને રાખી, વધારાના તથા બિનજરૂરી પદાર્થોનો પેશાબ રૂપે બહાર નિકાલ કરે છે તે પ્રક્રિયા આશ્ચર્ય થાય તેવી અદ્ભુત અને જટિલ છે.

 • શું તમે જાણો છો? બંને કિડનીમાં દર મિનિટે ૧૨૦૦ મિલીલિટર લોહી શુદ્ધીકરણ માટે આવે છે, જે હૃદય દ્વારા પૂરા પાડવામાં આવતા લોહીના ૨૦ ટકા જેટલું છે. એટલે કે ૨૪ કલાકમાં આશરે ૧૭૦૦ લિટર લોહીનું શુદ્ધીકરણ થાય છે.
 • લોહીનું શુદ્ધીકરણ કરી પેશાબ બનાવવાનું કામ કરતા કિડનીના સૌથી નાના યુનિટ (ભાગ)-બારીક ફિલ્ટરને નેફ્રોન કહે છે.
 • દરેક કિડનીમાં દસ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે. દરેક નેફ્રોન ગ્લોમેરૂલ્સ અને ટ્યુબ્યુલ્સનો બનેલો હોય છે.
 • તમને જાણીને નવાઈ લાગશે કે ગ્લોમેરૂલ્સ તરીકે ઓળખાતી ગળણી દ્વારા દર મિનિટે ૧૨૫ એમ.એલ. (મિલીલિટર) પ્રવાહી ગળાઈ, ૨૪ કલાકમાં પ્રાથમિક તબક્કે ૧૮૦ લિટર પેશાબ બને છે.
 • આ ૧૮૦ લિટર પેશાબમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો, ક્ષારો અને ઝેરી રસાયણો હોય છે. પણ સાથે શરીર માટે જરૂરી એવા ગ્લુકોઝ અને અન્ય પદાર્થો પણ હોય છે. શરીરને જરૂરી એવા રક્તકણો, શ્વેતકણો, ફેટ અને પ્રોટીન પેશાબમાં નીકળતા નથી.
 • ગ્લોમેરૂલ્સમાં બનતો ૧૮૦ લિટર પેશાબ ટ્યુબ્યુલ્સમાં આવે છે, જ્યાં તેમાંથી ૯૯ ટકા પ્રવાહીનું બુદ્ધિપૂર્વકનું શોષણ (Reabsorption) થાય છે.
 • બંને કિડનીની ટ્યુબ્યુલ્સની કુલ લંબાઈ જોઈએ તો તે ૧૦ કિલોમીટર થાય છે.
 • ટ્યુબ્યુલ્સમાં થતા શોષણને બુદ્ધિપૂર્વકનું કાર્ય કહ્યું છે, કારણ કે ૧૮૦ લિટર જેટલી મોટી માત્રામાં બનતા પેશાબમાંથી બધા જ જરૂરી પદાર્થો અને પાણી પાછા લઈ લેવામાં આવે છે. ફક્ત ૧થી ૨ લિટર પેશાબ દ્વારા બધો કચરો અને વધારાના ક્ષારો દૂર કરવામાં આવે છે. કેવી અદ્ભુત બુદ્ધિપૂર્વકની કામગીરી છે.
 • આ પ્રકારે કિડનીમાં ખૂબ જ ચોકસાઈપૂર્વક કરેલું શુદ્ધીકરણ અને ગાળણ તથા શોષણ બાદ બનેલો પેશાબ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રનલિકા દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે.
કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધીકરણ અને પ્રવાહી-ક્ષારનું નિયમન કરી પેશાબ બનાવવાનું છે.
શું તંદુરસ્ત કિડની ધરાવતી વ્યક્તિમાં પેશાબના પ્રમાણમાં વધઘટ થઈ શકે છે ?
 • હા, પેશાબનું પ્રમાણ આપણે કેટલું પાણી પીએ છીએ તથા વાતાવરણનું ઉષ્ણતામાન કેટલું છે તેના પર આધાર રાખે છે.
 • જો કોઈ વ્યક્તિ ઓછું પાણી પીએ તો ફક્ત અડધા લિટર (૫૦૦ મિ.લી.) જેટલો ઓછો પણ ઘાટો પેશાબ બને છે. જો કોઈ વ્યક્તિ વધુ પાણી પીએ તો વધારે પણ પાતળો પેશાબ પણ બની શકે છે. ઉનાળામાં વધુ પરસેવો થતા પેશાબનું પ્રમાણ ઘટે છે, જ્યારે શિયાળામાં પરસેવો ઘટતા પેશાબનું પ્રમાણ વધે છે.
 • સામાન્ય પ્રમાણમાં પાણી પીતી વ્યક્તિમાં જો પેશાબ ૫૦૦ એમ.એલ. (અડધો લિટર) કરતાં ઓછો અથવા ૩૦૦૦ એમ.એલ. (ત્રણ લિટર) કરતાં વધારે બને તો, તે કિડનીના રોગની મહત્ત્વની નિશાની છે.
પેશાબના પ્રમાણમાં અત્યંત ઘટાડો કે વધારો કિડનીની તકલીફ સૂચવે છે.
Free Download
Read Online
Kidney book in Gujarati
Kidney Guide in Gujarati Kidney Website Received
48
Million
Hits
wikipedia
Indian Society of Nephrology
nkf
Kidney India
http://nefros.net
magyar nephrological tarsasag
Kidney India