Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે તબીબી વિજ્ઞાનની અપ્રતિમ સિદ્ધિ છે. ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારનો આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીનું જીવન અન્ય સામાન્ય વ્યક્તિ જેટલું સ્વસ્થ, રાબેતા મુજબનું થઈ શકે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વિશેની ચર્ચા આપણે ચાર ભાગમાં કરીશું :

૧. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલાં જાણવા જેવી માહિતી.

૨. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપરેશનની માહિતી.

૩. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ જાણવા જેવી જરૂરી માહિતી.

૪. કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલાં જાણવા જેવી જરૂરી માહિતી

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?

ક્રોનિક કિડની ફેલ્યર હોય તેવી વ્યક્તિમાં, અન્ય વ્યક્તિ (જીવિત અથવા મૃત)માંથી મેળવેલી, એક તંદુરસ્ત કિડની ગોઠવી દેવાના ઓપરેશનને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.

કિડની બેસાડવાની જરૂર ક્યારે ન પડે?

કોઈ વ્યક્તિની બેમાંથી એકજ કિડની બગડી ગઈ હોય તો શરીર માટે જરૂરી બધું કામ બીજી કિડનીની મદદથી ચાલી શકે છે. એક્યુટ કિડની ફેલ્યરમાં દવા (અને કેટલીક વખત ડાયાલિસિસ)ની સારવારથી કિડની ફરી સંપૂર્ણપણે હમેશ માટે કાર્યકરતી થઈ જાય છે. આવા દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડતી નથી.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર ક્યારે પડે?

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દી જ્યારે અને કિડની બગડવાથી એન્ડ સ્ટેજ કિડની ફેલ્યરના તબક્કે પહોંચે (કિડની ૮૫% કરતાં વધુ બગડી જાય) ત્યારે નવી કિડની બેસાડવાની અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની શોધ કિડની ફેલ્યરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે?

જ્યારે કિડની સંપૂર્ણપણે કે મહદ્અંશે કામ કરતી બંધ થઈ જાય ત્યારે ડાયાલિસિસ અને દવાથી દર્દીને રાહત મળે છે પણ કાયમી સુધારો થઈ શકતો નથી. સફળતાપૂર્વક કરવામાં આવેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ઉત્તમ કક્ષાના જીવન માટેનો એકમાત્ર સંપૂર્ણ અને અસરકારક ઉપાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ફાયદા કયા કયા છે? સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ફાયદા નીચે મુજબ છે :

૧. જીવનની ઉચ્ચ ગુણવત્તા, દર્દી અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે છે, રોજિંદું કામ કરી શકે છે.

૨. ડાયાલિસિસના બંધનથી મુક્તિ મળે છે.

૩. ખોરાકમાં ઓછી પરેજી રાખવી પડે છે.

૪. ડાયાલિસિસની સરખામણીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ લાંબું જીવે છે.

૫. દર્દી શારીરિક રીતે સક્ષમ અને માનસિક રીતે સ્વસ્થ રહે છે.

૬. પુરુષોમાં જાતીય સમાગમને લગતી મુશ્કેલી રહેતી નથી, તો સ્ત્રી દર્દી બાળકને જન્મ આપી શકે છે.

૭. પહેલા વર્ષ બાદ સારવારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ જાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ગેરફાયદા કયા છે?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના મુખ્ય ગેરફાયદાઓ નીચે મુજબ છે :

૧. મોટા ઓપરેશનની જરૂર પડે છે, પરંતુ તે સંપૂર્ણ સલામત હોય છે.

૨. રિજેક્શનનું જોખમ : ટ્રાન્સપ્લાન્ટ કરેલ કિડની મોટા ભાગના દર્દીઓમાં યોગ્ય રીતે કામ કરે, પરંતુ બધા જ દર્દીઓમાં કિડની સફળતાપૂર્વક કામ કરશે તેની સંપૂર્ણ ખાતરી આપી શકાય નહીં. તબીબી વિજ્ઞાનના વિકાસ સાથે રિજેક્શન અને ચેપની સારવાર માટે વધુ સારી દવાઓની ઉપલબ્ધિ સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટના પરિણામમાં પહેલાં કરતાં સુધારો થયો છે. મોટા ભાગે સફળતા મળવા છતાં, થોડા દર્દીઓમાં કિડની ફરીથી બગડવાની શક્યતા રહે છે.

સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ક્રોનિક કિડની ફેલ્યરની અંતિમ તબક્કાની સારવારનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

૩. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચોકસાઈપૂર્વક રોજ દવા લેવાની જરૂર પડે છે. આ દવા મોંઘી હોય છે અને તે ટૂંકા ગાળા માટે બંધ થાય તોપણ નવી મૂકેલી કિડની ફેલ થઈ શકે છે.

૪. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચેપ, દવાની આડઅસર વગેરે તકલીફોનું જોખમ નોંધપાત્ર રહે છે.

૫. માનસિક તણાવ : કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનની સફળતા અને સંપૂર્ણ કામ કરતી ટ્રાન્સપ્લાન્ટેડ કિડની બગડી જવાનું જોખમ આ બધા પ્રશ્નોને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન પહેલાં અને પછી દર્દીઓમાં માનસિક તણાવ રહે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્યારે સલાહભર્યું નથી?

દર્દીની મોટી ઉંમર હોય, એઇડ્સ, કૅન્સર, ગંભીર પ્રકારનો ચેપ કે માનસિક રોગો હોય કે ગંભીર હૃદય રોગ થયેલો હોય તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જરૂરી હોવા છતાં કરવામાં આવતું નથી.

ભારતમાં બાળકોમાં ખૂબ ઓછા પ્રમાણમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

કઈ ઉંમરે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું હિતાવહ છે?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા માંગતા દર્દીની કોઈ ચોક્કસ ઉંમર હોતી નથી પરંતુ દર્દીની ઉંમર ૧૮થી ૫૫ સુધી હોય તેવું સલાહભર્યું હોય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની ક્યાંથી મળી શકે?

સામાન્ય રીતે ૧૮થી ૫૫ વર્ષના દાતા પાસેથી કિડની મેળવવામાં આવે છે. પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે. જોડિયા ભાઈ-બહેન કિડની દાતા તરીકે આદર્શ ગણાય. પરંતુ આવા દાતા મેળવવાનું જવલ્લે જ શક્ય બને છે તેથી દર્દીના માતાપિતા કે ભાઈ-બહેનને સામાન્ય રીતે દાતા તરીકે પસંદ કરવામાં આવે છે. આ દાતા પાસેથી કિડની મળી શકે તેમ ન હોય તો જેની સાથે લોહીનો સંબંધ છે એવા કાકા, મામા, માસી કે ફઈની કિડની મેળવી શકાય. આ શક્ય ન હોય તો પતિ કે પત્નીની કિડની માફક આવશે કે નહિ તેની શક્યતા તપાસી શકાય. વિકસિત દેશોમાં કુટુંબમાંથી કિડની મળી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં “બ્રેઈન ડેથ” થયેલ હોય તેવી વ્યક્તિની કિડની (કેડેવર) ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

એઇડ્સ, કૅન્સર જેવા ગંભીર રોગની હાજરીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવતું નથી.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં કોની કિડની પસંદ કરવામાં આવે છે?

કિડની ફેલ્યરના દર્દીને કોઈ પણ વ્યક્તિની કિડની માફક આવે તેવું નથી. સૌપ્રથમ કિડની મેળવનાર (દર્દી) બ્લડગ્રુપને ધ્યાનમાં લઈ ક્યા ગ્રુપ ધરાવનાર વ્યક્તિઓ તેને માટે કિડની દાતા બની શકે તે નક્કી કરવામાં આવે છે.

કિડની દાતા (આપનાર) અને કિડની મેળવનારના બ્લડગ્રુપમાં સામ્ય હોવું જોઈએ. આ ઉપરાંત બંનેના લોહીમાંના શ્વેતકણોમાં આવેલા પદાર્થો એચ.એલ.એ. (Human Leukocytes Antigen-HLA)માં સામ્યતાનું પ્રમાણ વધુ હોવું જોઈએ. HLAનું સમય ટીસ્યુ ટાઈપિંગ નામની તપાસથી જાણી શકાય છે.

કોણ કિડની આપી શકે છે?

કિડની દાતાએ કિડની આપતા પહેલા જરૂરી લેબોરેટરી અને રેડીયોલોજીકલ તપાસ અને માનસિક તપાસ કરાવી લેવી જોઈએ. આ તપાસનો હેતુ કિડની દાન કિડની દાતા અને કિડની મેળવનાર બન્ને માટે સલામત છે તે નક્કી કરવું તે છે. જે વ્યક્તિને ડાયાબિટીસ, બી.પી. વધુ હોવું, કિડનીના રોગો કૅન્સર, એઇડ્સ(HIV) કે અન્ય કોઈ બીમારી કે માનસિક બીમારી હોય તેવા વ્યક્તિઓ કિડની દાતા બની શકતા નથી.

કિડની દાતાને કિડની આપ્યા બાદ તકલીફ પડે ખરી?

કિડની કાઢતા પહેલાં દાતાની શારીરિક તપાસ કરી ખાતરી કરવામાં આવે છે કે તેની બંને કિડની તંદુરસ્ત છે અને એક કિડની આપવાથી તેને કોઈ તકલીફ પડશે નહિ. એક કિડની આપી દીધા પછી દાતાને સામાન્ય રીતે કોઈ પ્રકારની તકલીફ પડતી નથી. તે પોતાની બધી જીવનચર્યા રાબેતા મુજબ ચલાવી શકે છે. ઓપરેશન પછી પૂરતો આરામ કર્યા બાદ તે જરૂરી પરિશ્રમ પણ કરી શકે છે, તેના વૈવાહિક જીવનમાં પણ કંઈ વાંધો આવતો નથી. તેની બીજી કિડની બંને કિડનીનું બધું કામ સંભાળી લે છે.

સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કુટુંબીજનોમાંથી મેળવેલી કિડની શ્રેષ્ઠ છે.

પરસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન અથવા ડાયાલિસિસ કરતા જીવિત કિડની દાતા ટ્રાન્સપ્લાન્ટેશનના વધુ ફાયદાઓ જોવા મળે છે. એન્ડ સ્ટેજ કિડની ડિસીઝમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઇચ્છતા કેટલાક દર્દીઓને કિડની આપવા દાતા ઉપલબ્ધ હોય છે પરંતુ બ્લડ ગ્રુપ કે ટીસ્યુ ટાઇપિંગ મેચ ન થવાને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય બનતું નથી.

પરસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન (કિડની દાતાની કિડની એક્બીજા કુટુંબમાં બદલી કરી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવું) તે કુટુંબમાંથી દાતાનું મેચ ન થાય ત્યારે કરવામાં આવે છે. આ પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં બે કે તેનાથી વધુ કુટુંબના દાતાઓ પોતાના કુટુંબીજન સિવાયના દર્દીને કિડની દાન કરી અન્ય કુટુંબમાંથી યોગ્ય કિડની પોતાના સ્વજન માટે મેળવે છે. આ રીતે કુટુંબમાં કિડની લાગુ ન પડતી હોય ત્યારે બે કુટુંબને યોગ્ય કિડની મળી શકે છે અને સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે છે. પહેલા કુટુંબના દર્દીને બીજા કુટુંબના દાતાની કિડની લાગુ પડતી હોય અને બીજા કુટુંબના દર્દી માટે પહેલા કુટુંબના દાતાની કિડની યોગ્ય હોય ત્યારે અરસપરસ કિડની આપી ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.

વહેલાસરનું (Pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?

સામાન્ય રીતે બન્ને કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે પહેલાં ડાયાલિસિસ દ્વારા સારવાર શરૂ કરવામાં આવે છે અને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે સલાહ આપવામાં આવે છે. પરંતુ જો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ડાયાલિસિસની જરૂર પડે તે પહેલા જ તબક્કામાં કરવામાં આવે તો તેને વહેલાસર (Pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય છે. જે દર્દીઓમાં શક્ય હોય તેવા દર્દીઓ માટે આ પ્રકારનું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સારવારનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. ડાયાલિસિસ બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સરખામણીમાં વહેલાસરના કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના મુખ્ય ફાયદાઓ ઓછો ખર્ચ, ઓછું જોખમ, ડાયાલિસિસની હાલાકીથી બચાવ અને કિડની બદલ્યા બાદ નવી કિડનીની વધુ લાંબી અને સારી કાર્યક્ષમતા છે.

કિડની દાન સલામતછે અને સી.કે.ડી.ના દર્દીને જીવનદાન આપે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપરેશન પહેલાં દર્દીની તપાસ :

ઓપરેશન પહેલાં કિડની ફેલ્યરના દર્દીની અનેક પ્રકારની શારીરિક તપાસ કરવામાં આવે છે. આ તપાસનો હેતુ દર્દીને ઓપરેશનમાં વિઘ્નરૂપ થાય તેવા રોગ નથી અને તેનું શરીર ઓપરેશન માટે તૈયાર છે તેની ખાતરી કરવાનો હોય છે.

kidney transplantation surgery

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપેરશન

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનની માહિતી

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ઓપરેશનમાં શું કરવામાં આવે છે?

  • કિડની દાતા અને દર્દીના બ્લડગ્રુપ અને એચ.એલ.એ.ની સામ્યતા તપાસ કરીને સંતોષકારક છે તેની ખાતરી કરી ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવે છે.
  • ઓપરેશન પહેલાં દર્દીના સગાની તથા દાતાની સંમતિ મેળવવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન એક ટીમવર્ક છે. યુરોલોજિસ્ટ (કિડની સર્જન), નેફ્રોલોજિસ્ટ (કિડનીના ફિઝિશિયન), પેથોલોજિસ્ટ અને અન્ય તાલીમ પામેલા મદદનીશોના સંયુક્ત પ્રયાસથી આ ઓપરેશન કરવામાં આવે છે.
  • દર્દી અને દાતાનું ઓપરેશન સાથે સાથે જ થાય છે.
  • ઓપરેશન સામાન્ય રીતે ત્રણથી ચાર કલાક ચાલે છે, જે જનરલ એનેસ્થેસિયા આપીને કરવામાં આવે છે.
  • દાતાના શરીરમાંથી ઓપરેશન દ્વારા કિડની કાઢી લઈ તેને ખાસ પ્રકારના ઠંડા પ્રવાહીથી સંપૂર્ણ રીતે સાફ કરી દર્દીના પેટમાં આગળની બાજુએ નીચેના ભાગમાં (પેડુમાં) ગોઠવવામાં આવે છે.
  • સામાન્ય રીતે દર્દીની બગડી ગયેલી કિડની કાઢી નાખવામાં આવતી નથી સિવાય કે તેનાથી શરીરને નુકસાન પહોંચે તેમ હોય.
  • જ્યારે કિડની જીવિત દાતા પાસેથી મેળવવામાં આવે છે ત્યારે કિડની બદલવાનું ઓપરેશન પૂરું થાય પછી તરત કિડની કાર્યરત થઈ જાય છે, પરંતુ કેડેવર દાતામાંથી મેળવેલ કિડનીને કાર્યરત થતા દિવસોનો સમય લાગી શકે છે. કિડની મેળવનાર દર્દીએ જ્યાં સુધી ટ્રાન્સપ્લાન્ટેડ કિડની કાર્યરત થાય ત્યા સુધી નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે.
  • ઓપરેશન બાદની કાળજી અને સારવારનું કાર્ય નેફ્રોલોજિસ્ટ સંભાળે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં જૂની કિડની યથાવત રાખી નવી કિડની પેટમાં આગળ તરફ નીચેના ભાગમાં ગોઠવવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ જાણવી જરૂરી માહિતીઓ

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ જાણવા જેવી જરૂરી માહિતી

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ સંભવિત જોખમોમાં રિજેક્શન, ચેપ, દવાની આડઅસર અને ઓપરેશન સંબંધિત જોખમોનો સમાવેશ થાય છે.

ટ્રાન્સપ્લાન્ટેશન બાદ મુખ્ય સૂચનો જે ધ્યાનમાં રાખવા જરૂરી છે :

૧. ટ્રાન્સપ્લાન્ટેડ નવી કિડની યોગ્ય કાર્ય કરે તે માટે દવા દ્વારા સારવાર.

૨. નવી કિડનીની કાળજી માટે સામાન્ય સૂચનો.

૩. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ચેપ ન લાગે તેની કાળજી.

દવા દ્વારા સારવાર અને કિડની રિજેકશન

સામાન્ય રીતે અન્ય ઓપરેશનો બાદ દર્દીએ માત્ર ૭થી ૧૦ દિવસ જ દવા લેવી પડે છે, પરંતુ બીજા ઓપરેશનની જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન સફળ થઈ જાય એટલે કામ પૂરું થઈ જતું નથી.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ કિડની રિજેકશન અટકાવવા હંમેશા માટે, આજીવન દવા લેવી અને યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.

કિડની રિજેક્શન એટલે શું?

આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ પ્રકારની હોય છે કે એ શરીર બહારના અન્ય જીવાણુ જેમ કે બેક્ટેરિયા અથવા વાઈરસ જે શરીરને હાનિ પહોંચાડી શકે તેનો નાશ કરે છે.

દર્દીના લોહીમાંના શ્વેતકણોમાંના રોગ પ્રતિકારક પદાર્થોઆ નવી બેસાડેલી કિડનીને શરીરની બહારની - પારકી ગણી તેની સામે લડી તેને નકામી બનાવી દે તેવી શક્યતા રહે છે, જેને તબીબી ભાષામાં કિડની રિજેક્શન કહેવામાં આવે છે.

કિડની રિજેકશન ક્યારે થઈ શકે અને તેને કારણે શું તકલીફ થાય?

કિડની રિજેક્શન ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન બાદ ગમેત્યારે થઈ શકે પરંતુ આરંભના છ મહિનામાં થવાની શક્યતા વધુ હોય છે. કિડની રિજેક્શનની તીવ્રતા દરેક દર્દીમાં અલગ અલગ હોય છે. કિડની રિજેક્શનનો પ્રશ્ન હળવો હોય ત્યારે લોહીની તપાસમાં ક્રીએટીનીનનો વધારો થોડો જોવા મળે છે. જ્યારે અતિ ભારે રિજેક્શનને કારણે નવી કિડની સંપૂર્ણ બગડી જાય તેવું પણ બની શકે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદના મુખ્યજોખમો કિડની રિજેક્શન, ચેપ અને દવાની આડઅસર છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ રિજેક્શનની શક્યતા ઘટાડવા માટે ક્યા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે?

  • શરીરની પ્રતિકારક શક્તિને કારણે નવી મૂકેલી કિડનીને રિજેક્શનનો ભય રહે છે.
  • જો દવાથી પ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવે તો રિજેક્શનનો ભય રહેતો નથી પણ દર્દીને જીવલેણ ચેપ લાગવાનો ભય રહે છે.
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પછી એવી ખાસ જાતની દવા આપવામાં આવે છે જે ચેપ સામે લડવાની પ્રતિકારક શક્તિ જાળવી રાખે છે પણ રિજેક્શન કરવાની ક્ષમતા ઘટાડી દે છે. (Selective Immunosuppression)
  • આ જાતની દવાઓ ઈમ્યુનોસપ્રેસેન્ટ (Immunosuppressant) તરીકે ઓળખાય છે. પ્રેડનીસોલોન, એઝાથાયોપ્રીમ, સાયક્લોસ્પોરીન, ટેક્રોલીમસ અને એમ.એમ.એફ. (MMF) એ આ પ્રકારની મુખ્ય દવાઓ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઈમ્યુનોસપ્રેસેન્ટ દવા ક્યાં સુધી લેવી જરૂરી છે?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઈમ્યુનોસપ્રેસેન્ટ દવાઓ હમેશ માટે - આજીવન લેવાની હોય છે. શરૂઆતમાં દવાનો ડોઝ (તેમજ ખર્ચ પણ) વધારે હોય છે, જેમાં સમય સાથે ધીમેધીમે ઘટાડો થાય છે.

ટ્રાન્સપ્લાન્ટેડ કિડની જો સંપૂર્ણ બગડી જાય તો શું કરી શકાય?

જ્યારે ટ્રાન્સપ્લાન્ટેડ કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે ફરી ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવું - આ સારવારના બે વિકલ્પો રહે છે.

રિજેક્શન અટકાવવા ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દવા આજીવન લેવી જરૂરી છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ અન્ય કોઈ દવા લેવાની જરૂર પડે છે?

હા, જરૂરિયાત મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીઓ દ્વારા લેવામાં આવતી અન્ય દવાઓમાં બ્લડપ્રેશરની દવાઓ, કૅલ્શિયમ, વિટામિન્સ, એન્ટિબાયોટીક્સ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય બીમારી માટે દવા લેવાની જરૂર પડે તો નવા ડૉક્ટરને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલ છે અને હાલમાં લેવામાં આવતી દવા વિશે માહિતગાર કરવા જરૂરી છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ કાળજી માટે સૂચનાઓ

સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ સામાન્ય વ્યક્તિની જેમ તંદુરસ્ત અને સ્વતંત્ર જીવન વિતાવી શકે છે. પરંતુ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દવા, આહાર અને જીવનશૈલીમાં હંમેશ માટે નિયમિતતા અને કાળજી જાળવવી જરૂરી છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીઓને આપવામાં આવતી અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે :

  • સૂચના મુજબ નિયમિત દવા લેવી અત્યંત આવશ્યક છે. અનિયમિત સારવારને કારણે નવી કિડની ગુમાવવી પડે.
  • શરૂઆતના તબક્કામાં દર્દીએ બ્લડપ્રેશર, પેશાબનું પ્રમાણ અને વજનની નિયમિત રીતે ડાયરીમાં નોંધ રાખવી.
  • સલાહ મુજબ નિયમિત રીતે લેબોરેટરી તપાસ કરાવવી અને નેફ્રોલોજિસ્ટને જ તબિયત બતાવવી.
  • લોહી-પેશાબની તપાસ વિશ્વાસપાત્ર લેબોરેટરીમાં જ કરાવવી. રિપોર્ટ ખરાબ આવે તો લેબોરેટરી બદલવાને બદલે નેફ્રોલોજિસ્ટને વહેલાસર બતાવવામાં શાણપણ રહેલું છે.
  • તાત્કાલિક સારવાર માટે તમારી બીમારીથી પરિચિત ન હોય એવા ડૉક્ટરને બતાવવું જરૂરી હોય ત્યારે તેમને તમારા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને તે માટે ચાલતી દવા અંગે માહિતગાર કરવા.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદની સફળતા માટે સાવચેતી અને નિયમિતતા અત્યંત જરૂરી છે.

  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ખોરાકમાં ખાસ પરેજી રાખવી નથી પડતી. પરંતુ હંમેશા સમતોલ આહાર લેવો, નિયમિત સમયસર ખોરાક લેવાનો અને પ્રોટીનવાળો ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત મીઠું, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો જોઈએ. રોજ ૩ લિટર કરતાં વધુ પાણી લેવું જોઈએ.
  • સિગરેટ, બીડી, દારૂનું સેવન ન કરવું.
  • નિયમિત કસરત કરવી અને વજન પર નિયંત્રણ રાખવો.
  • તાવ, પેટમાં દુખાવો, પેશાબમાં ઘટાડો, એકાએક વજનમાં વધારો કે અન્ય કોઈ નોંધપાત્ર તકલીફ થાય તો તરત જ નેફ્રોલોજિસ્ટનો સંપર્ક કરવો.

ચેપ ન લાગે તે માટે જરૂરી સૂચનાઓ

  • શરૂઆતના તબક્કામાં ચેપ ન લાગે તે માટે સ્વચ્છ જંતુરહિત માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે, જે રોજ બદલવો જરૂરી છે.
  • રોજ સ્વચ્છ પાણીથી સ્નાન કરી, તડકામાં સૂકવેલ કે ઈસ્ત્રી કરેલ સ્વચ્છ પોશાક પહેરવો.
  • ઘરમાં સ્વચ્છતા જાળવવી.
  • દરરોજ જમતા પહેલાં, દવા લેતા પહેલાં અને બાથરૂમ/સંડાસ ગયા પછી સાબુથી સારી રીતે હાથ ધોવા જરૂરી હોય છે.
  • દિવસમાં બે વખત બ્રશ કરી દાંત ચોખ્ખા રાખવા.
  • શરીરમાં ક્યાંય પણ ઈજા થઈ હોય કે છોલાઈ ગયું હોય તો બેદરકારી ન રાખવી અને તુરંત સ્વચ્છ ડ્રેસિંગ કરવું.
  • બીમાર વ્યક્તિથી દૂર રહેવું, પ્રદૂષણવાળી, ભીડવાળી જગ્યા, મેળા વગેરેમાં ન જવું.
  • હમેશાં ઉકાળીને ઠરેલું પાણી, ગાળ્યા બાદ પીવું.
  • બહારનો ખોરાકના લેવો.
  • હમેશાં ઘરમાં રાંધેલો ખોરાક સ્વચ્છ વાસણમાં લેવો.
ટ્રાન્સપ્લાન્ટેડ કિડનીની સલામતી માટે કોઈ પણ નવી બિમારી માટે ડૉક્ટરનો તુરંત સંપર્ક કરવો.

  • ખોરાક અંગેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?

નીચે મુજબની તકલીફ થાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો :

  • જ્યારે તાવ ૧૦૦ ડિગ્રી કરતાં વધુ હોય અને ઠંડી લાગે, કળતર થાય અથવા માથું દુખે.
  • ટ્રાન્સપ્લાન્ટેડ કિડનીની જગ્યાની ચામડી પાસે લાલાશ થવી અથવા દુખાવો થવો.
  • પેશાબનું પ્રમાણ ઘટી જવું કે સોજા ચડવા અથવા વજનમાં ઝડપી વધારો થવો (દરરોજ લગભગ ૧ કિ.ગ્રા. જેટલો વધારો)
  • પેશાબમાં લોહી પડવું કે બળતરા થવી.
  • ઉધરસ, શ્વાસની તકલીફ, ઝાડા કે ઊલટી થવી.
  • અન્ય કોઈ ચિંતાજનક ચિહ્નો જોવા મળે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો અલ્પ ઉપયોગ :

કિડની ફેલ્યરના બધા દર્દીઓ શા માટે ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી શકતા નથી?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અસરકારક અને ઉત્તમ પ્રકારની સારવાર હોવા છતાં બધા દર્દીઓ તે કરાવી શકતા નથી તેના ત્રણ મુખ્ય કારણો છે :

૧. કિડની ઉપલબ્ધ ન થાય :

કિડની બદલવા માંગતા બધા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટેશન માટે કુટુંબમાંથી માફક આવે તેવી કિડની કે કેડેવર કિડની મળી શકતી નથી.

૨. ખર્ચાળ સારવાર :

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ખર્ચાળ સારવાર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલાં, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન દરમિયાન ઓપરેશન, દાખલ થવા અને દવા વગેરેનો ખર્ચ અને હૉસ્પિટલમાંથી રજા આપ્યા બાદ નિયમિત દવાનો ખર્ચ ઘણો વધારે થતો હોય છે. કિડની બદલ્યા બાદ જરૂરી દવા આજીવન લેવી પડે છે. આ ખર્ચ કરવો ઓછા કુટુંબને પરવડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો ખર્ચ હૃદય રોગ માટે કરવામાં આવતી બાયપાસ સર્જરી કરતાં પણ ઘણો વધારે હોય.

૩. સુવિધાનો અભાવ :

ઘણા વિકાસશીલ દેશોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે તેવી હૉસ્પિટલો એકંદરે ઓછી સંખ્યામાં હોય છે. નજીકમાં આ સુવિધાને અભાવે ઘણી વખત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું શક્ય બનતું નથી.

ટ્રાન્સપ્લાન્ટેડ કિડની બગડી જાય ત્યારે સારવારના બે વિકલ્પો ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે.

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?

“બ્રેઈન ડેથ” - મગજનું મૃત્યુ થયું હોય તેવી વ્યક્તિના શરીરમાંથી તંદુરસ્ત કિડની મેળવી, કિડની ફેલ્યરના દર્દીમાં પ્રતિરોપણ કરવામાં આવે તે માટેના ઓપરેશનને કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન શા માટે જરૂરી છે?

જ્યારે કોઈ વ્યક્તિની બંને કિડની હંમેશા માટે બંધ થઈ જાય ત્યારે સારવારના ફક્ત બે વિકલ્પો છે - ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન. સફળ કિડની ટ્રાન્સ્પ્લાન્ટેશન બાદ ઓછી પરેજી, વધુ સ્વતંત્રતા, સામાન્ય વ્યક્તિ જેવી જ જીવનશૈલી વગેરે ફાયદાને લીધે સી.કે.ડી.ના દર્દીને જીવનની વધુ સારી ગુણવત્તા મળે છે. આ કારણસર સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ડાયાલિસિસ કરતાં વધુ સારી સારવારનો વિકલ્પ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઇચ્છતા હોય તેમ છતાં કિડની ન મળવાને કારણે ડાયાલિસિસ કરાવવું પડતું હોય તેવા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે. આવા દર્દીઓ માટે કેડેવર કિડની એકમાત્ર આશા છે. મૃત્યુબાદ કિડની નાશ પામે તેને બદલે કિડની બીજી વ્યક્તિને આપી તેને નવું જીવન આપી શકાય તેનાથી વિશેષ સારું શું હોય શકે?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કુટુંબમાંથી કિડની ન મળે ત્યારે એકમાત્ર આશા કિડની કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન છે.

“બ્રેઈન ડેથ - મગજનું મૃત્યુ” એટલે શું?

સામાન્ય સમજણ મુજબ મૃત્યુ એટલે હૃદય બંધ થઈ જવું. બ્રેઈન ડેથ - મગજનું મૃત્યુએ તબીબો દ્વારા કરવામાં આવતું નિદાન છે. ગંભીર નુકસાનને કારણે મગજ સુધારીના શકાય તે રીતે સંપૂર્ણપણે કાર્ય કરતું બંધ થયું હોય તેવા દર્દીઓમાં કોઈ પણ વેન્ટિલેટર અને ઘનિષ્ઠ સારવારની મદદથી શ્વાસ અને હૃદય ચાલુ હોય છે અને શરીરમાં બધે લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું હોય છે. આ પ્રકારના મૃત્યુને “બ્રેઈન ડેથ (મગજનું મૃત્યુ)” કહે છે.

“બ્રેઈન ડેથ” અને “બેભાન અવસ્થા” વચ્ચે શું તફાવત છે?

બેભાન દર્દીમાં મગજને થયેલું નુકસાન ફરીથી સુધરી શકે તે પ્રકારનું હોય છે. આવા દર્દીમાં સામાન્ય રીતે વેન્ટિલેટર વગર હૃદય અને શ્વાસ ચાલુ હોય છે અને મગજના અન્ય કાર્યો યથાવત્ હોય છે. આવા દર્દી યોગ્ય સારવારથી ફરી ભાનમાં આવી શકે છે.

જ્યારે “બ્રેઈન ડેથ”માં મગજને ન સુધરી શકે તે પ્રકારનું ગંભીર નુકસાન થયેલું હોય છે. આવા દર્દીમાં વેન્ટિલેટર બંધ કરવા સાથે જ શ્વાસ અને હૃદય બંધ થઈ જાય છે અને દર્દી મૃત્યુ પામે છે.

શું કોઈ પણ વ્યક્તિ મૃત્યુ બાદ કિડનીનું દાન કરી શકે છે?

ના, મૃત્યુબાદ ચક્ષુદાનની જેમ કિડની દાન શક્ય નથી. હૃદય બંધ થતાં જ કિડનીને લોહી ના પહોંચવાથી કિડની કામ કરવાનું બંધ કરી દે છે, જેથી તેનો ઉપયોગ થઈ શકતો નથી.

બ્રેઈન ડેથ થવાના મુખ્ય કારણો કયા છે?

સામાન્ય રીતે નીચે મુજબના કારણોને લીધે થતું જોવા મળે છે :

  • અકસ્માતથી માથામાં ઈજા થવી.
  • લોહીના ઊંચા દબાણ કે ધમની ફાટી જવાને કારણે બ્રેઈન હેમરેજ થવું.
  • મગજને લોહી પહોંચાડતી નળીમાં લોહી જામી જવાથી મગજને લોહી ન પહોંચવું (Brain Infarct).
  • મગજમાં કૅન્સરની ગાંઠ (Brain Tumor)ને કારણે મગજને ગંભીર નુકસાન થવું.
બ્રેઈન ડેથ થયા બાદ કોઈ પણ દર્દીમાં સુધારો થવાની શક્યતા જરા પણ રહેતી નથી.

બ્રેઈન ડેથનું નિદાન ક્યારે, કોણ અને કઈ રીતે કરે છે?

જ્યારે પૂરતા સમય માટે નિષ્ણાત ડૉક્ટરની સારવાર છતાં દર્દીનું મગજ કાર્ય ન કરે અને સંપૂર્ણ બેભાન દર્દીની વેન્ટિલેટર દ્વારા સારવાર ચાલુ રહે ત્યારે દર્દીનું બ્રેઈન ડેથ થયું છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સાથે સંકળાયેલા ન હોય તેવા ડૉક્ટરની ટીમ દ્વારા બ્રેઈન ડેથનું નિદાન કરવામાં આવે છે. આ ડૉક્ટરની ટીમમાં દર્દીની સારવાર કરતા ફિઝિશિયન, ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જન વગેરેનો સમાવેશ થાય છે.

જરૂરી તબીબી તપાસ, ઘણા લેબોરેટરી રિપોર્ટ, મગજની ખાસ તપાસ ઈ.ઈ.જી. અને શક્ય અન્ય જરૂરી તપાસની મદદથી દર્દીના મગજના સુધારાની દરેક શક્યતા તપાસવામાં આવે છે. બધી જ જરૂરી તપાસ બાદ ટીમના બધા જ ડૉક્ટરોને દર્દીનું મગજ ફરીથી કામ કરવાની કોઈ પણ નિશાની કે શક્યતા ન લાગે ત્યારે જ બ્રેઈન ડેથ થયું છે એવું નિદાન કરવામાં આવે છે.

દાતાને ક્યા પ્રકારની તકલીફ હોય તો કેડેવર કિડની સ્વીકારી શકાતી નથી?

  • જો સંભવિત દાતાને લોહીમાં ચેપની અસર હોય,
  • કૅન્સરની બીમારી હોય (મગજ સિવાયના)
  • કિડની કામ ન કરતી હોય કે તેને લાંબા સમયની કિડનીની તકલીફ હોય,
  • લોહીના રિપોર્ટમાં એઈડ્સ કે કમળાનું નિદાન થયું હોય, દર્દીને લાંબા સમયથી ડાયાબિટીસ કે લોહીનું ઊંચું દબાણ હોય.
  • ઉંમર ૧૦ વર્ષથી ઓછી કે ૭૦ વર્ષથી વધારે હોય.

આવા સંજોગોમાં કેડેવર કિડની સ્વીકારી શકાતી નથી.

સાદી ભાષામાં બ્રેઈન ડેથ એટલે વેન્ટિલેટરની મદદથી મૃતદેહમાં શ્વાસ-હૃદય અને શરીરમાં લોહી ફરતું ચાલુ રાખવું.

કેડેવર દાતા કયા અંગોના દાન દ્વારા અન્ય દર્દીઓને નવું જીવન આપી શકે છે?

કેડેવર દાતાની બંને કિડની દાનમાં લઈ શકાય છે. જેના દ્વારા કિડની ફેલ્યરના બે દર્દીઓને નવું જીવન મળી શકે છે.

કિડની ઉપરાંત કેડેવર દાતા દ્વારા દાન કરી શકાય તેવા અન્ય અંગોમાં હૃદય, લીવર, પેન્ક્રિઆઝ, આંખ વગેરે અંગોનો સમાવેશ થાય છે.

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના આયોજનમાં કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય છે?

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના સફળ આયોજન માટે ટીમવર્કની જરૂર પડે છે જેમાં -

  • કેડેવર કિડનીના દાન માટે મંજૂરી આપનાર કેડેવર દાતાના કુટુંબીજનો,
  • દર્દીની સારવાર કરતા ફિઝિશિયન
  • કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે પ્રેરણા અને સમજણ આપતા ટ્રાન્સપ્લાન્ટેશન કોર્ડિનેટર,
  • બ્રેઈન ડેથનું નિદાન કરતા ન્યુરોલોજિસ્ટ અને
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરતા નેફ્રોલોજિસ્ટ તથા યુરોલોજિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કઈ રીતે કરવામાં આવે છે?

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે :

  • બ્રેઈનનું યોગ્ય નિદાન થયેલુ હોવું જોઈએ.
  • દાતાની અને તેની કિડનીની પૂરતી તપાસ બાદ કિડની તંદુરસ્ત છે તેની ચોક્કસપણે ખાતરી થયેલી હોવી જોઈએ.
  • કિડની દાન માટે દાતાના કુટુંબની મંજૂરી લેવી જોઈએ.
એક કેડેવરમાંથી મળેલ બે કિડની દ્વારા બે વ્યક્તિઓને નવજીવન મળી શકે છે.

  • દાતાના શરીરમાંથી કિડની બહાર કાઢવાનું ઓપરેશન પૂરું થાય ત્યાં સુધી વેન્ટિલેટર અને અન્ય સારવારની મદદથી હૃદય, શ્વાસ ચાલુ રાખવામાં આવે છે અને લોહીનું દબાણ યોગ્ય પ્રમાણમાં જાળવવામાં આવે છે.
  • દાતાના બ્લડગ્રુપ અને ટિસ્યુટાઈપિંગની માહિતીને ધ્યાનમાં રાખી, કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે ઇચ્છુક દર્દીઓની યાદીમાંથી કયા દર્દીને કિડની વધુ સારી રીતે અનુકૂળ પડશે તે નક્કી કરવામાં આવે છે.
  • યોગ્ય તૈયારી બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન બને તેટલું વહેલું કરવું ફાયદાકારક છે.
  • ઓપરેશન દ્વારા કેડેવર કે કુટુંબમાંથી મળેલી કિડની મૂકવાની પ્રક્રિયા બધા દર્દીઓ માટે એકસમાન છે.
  • એક દાતાના શરીરમાંથી બે કેડેવર કિડની મળી શકે છે. તેથી એકસાથે બે દર્દીઓમાંથી કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.
  • આ સમય દરમિયાન કિડનીને બરફની ઠંડી લાગે છે અને લોહી ન મળવાને કારણે પોષણતથા પ્રાણવાયુ પહોંચતા નથી.
  • આ પ્રકારે થયેલ નુકસાનને કારણે કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઘણા દર્દીઓમાં કેડેવર કિડનીને કાર્યરત થતા થોડા દિવસ લાગી શકે છે અને આ દરમિયાન દર્દીને ડાયાલિસિસની જરૂર પડી શકે છે.

કેડેવર કિડનીનું દાન આપનારને શું ફાયદો મળે?

કેડેવર કિડની દાતાના કુટુંબીજનોને કોઈ પૈસા મળતા નથી અને કિડની સ્વીકારનાર દર્દીને કિડની માટે કોઈ પૈસા ચૂકવવા પડતા નથી. પરંતુ મૃત્યુબાદ કિડની નાશ પામે તેને બદલે કિડની દ્વારા કોઈ વ્યક્તિને નવું જીવન મળે તો તેની કિંમત અમૂલ્ય છે. આ દાનથી પીડિત અને દુ:ખી દર્દીને મદદ કર્યાનો સંતોષ અને આનંદ મળે છે, જેની કિંમત કોઈ પણ આર્થિક ફાયદા કરતાં વધુ છે.

આ રીતે કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ કશું ગુમાવ્યા વગર અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકે તેનાથી મોટો ફાયદો અન્ય શું હોઈ શકે?

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દી સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી, બધા કાર્યો કરી શકે છે.

કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા કયા સ્થળોએ ઉપલબ્ધ છે?

રાજ્યઅને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તે હૉસ્પિટલમાં જ કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે છે.

ભારતના ઘણા મોટા શહેરો (જેમ કે મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ વગેરે)માં આ સારવાર ઉપલબ્ધ છે.

મૃત્યુબાદ અંગોનું દાન કરી અન્ય વ્યક્તિને નવું જીવન આપવા જેવું માનવતાનું કામ અન્ય કોઈ નથી.