કિડની ના રોગોમાં ક્રોનિક કિડની ફેલ્યર અત્યંત ગંભીર રોગ છે. કારણકે હાલના તબક્કે તબીબી વિજ્ઞાન પાસે આ રોગ મટાડવાની કોઈ દવા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી આ રોગ ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળે છે. ડાયાબિટીસ, લોહીનું દબાણ, ધ્રુમપાન, કોલેસ્ટેરોલ ની માત્રામાં વધારો પથરી વગેરે રોગોનું વધતું જતું પ્રમાણ અને કિડનીના રોગોના નિદાન માટે વધુ સહેલાઈથી ઉપલબ્ધ સુવિધા આ માટે મહદઅંશે જવાબદાર છે.
ક્રોનિક કિડની ફેલ્યર શું છે?
આ પ્રકારના કિડની ફેલ્યરમાં કિડની બગડવાની પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે કે જે મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. લાંબા સમય બાદ મોટા ભાગના દર્દીઓમાં બંને કિડની સંકોચાઈને સાવ નાની થઇ કાયમ માટે કામ કરતી બંધ થઇ જાય છે કે જે કોઈ પણ દવા, ઓપરેશન કે ડાયાલિસિસ દ્વારા ફરી સુધરી શક્તી નથી.
ક્રોનિક કિડની ફેલ્યરની શરૂઆતના તબક્કાની સારવાર યોગ્ય દવા અને પરેજી દ્વારા કરવામાં આવે છે. સી.કે.ડી.ના મોટા ભાગના દર્દીઓમાં કિડનીની કાર્યક્ષમતામા હળવો કે મધ્યમ ઘટાડો જોવા મળે છે. પરંતુ બંને કિડની સાવ ફેઈલ(બંધ) થઇ નથી હોતી.
એન્ડ સ્ટેજ કિડની (રીનલ) ડિસિઝ (ESKD or ESRD) એટલે શું?
ક્રોનિક કિડની ફેલ્યરમાં સમય સાથે બંને કિડની ધીરે-ધીરે વધુ ને વધુ બગડતી જાય છે. જે તબક્કે બંને કિડની મહદઅંશે (૯૦% કરતા વધારે) અથવા સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઇ જાય તેને એન્ડ સ્ટેજ રીનલ ડિસિઝ કે સંપૂર્ણ કિડની ફેલ્યર કહેવાય છે.
આ તબક્કે યોગ્ય દવા અને પરેજી છતાં દર્દીની તબિયત ધીરે-ધીરે બગડતી જાય છે અને દર્દીને બચાવવા માટે હંમેશ માટે નિયમિત રીતે ડાયાલિસિસ કરાવવાની કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવાની જરૂર પડે છે.
ક્રોનિક કિડની ફેલ્યરમાં કિડની ધીમે-ધીમે, ફરીથી સુધરી
ન શકે તે રીતે નુકસાન પામે છે.
ક્રોનિક કિડની ફેલ્યર ના મુખ્ય કારણો ક્યાં છે?
કોઇપણ ઉપાય થી ન સુધરી શકે તે રીતે બંને કિડની બગાડવા માટે ૭૦% દર્દીઓમાં ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ કારણભૂત છે. સી.કે.ડી. ના અગત્યના કારણો નીચે મુજબ છે.
- ડાયાબિટીસ : તમને એ જાણીને નવાઈ તથા દુખ થશે કે ક્રોનિક કિડની ફેલ્યરના ૩૦ થી ૪૦% દર્દીઓ એટલે કે દર ત્રણ દર્દીએ એક દર્દીમાં કિડની ડાયાબિટીસને લીધે બગડે છે. ડાયાબિટીસ ક્રોનિક કિડની ફેલ્યરનું સૌથી અગત્યનું તથા ગંભીર કારણ હોઈ, ડાયાબિટીસના તમામ દર્દીઓમાં રોગ પર યોગ્ય કાબુ રાખવો અત્યંત જરૂરી છે.
- લોહીનું ઊંચું દબાણ : લાંબા સમય માટે વધારે રહેતું લોહીનું દબાણ ક્રોંનિક કિડની ફેલ્યર કરી શકે છે.
- ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઈટીસ : આ પ્રકારના કિડનીના રોગમાં મોં-પગ પર સોજા અને લોહીનું ઊંચું દબાણ જોવા મળે છે અને બને કિડની ધીમે-ધીમે કામ કરતી બંધ થઇ જાય છે.
- વારસાગત રોગો (પોલિસિસ્ટક કિડની ડિસિઝ અને આલ્પ્રોટ સિન્ડ્રોમ).
- પથરીની બીમારી : કિડની તથા મુત્રમાર્ગમાં બંને તરફ અવરોધ અને તેની સમયસરની યોગ્ય સારવાર લેવામાં દાખવેલી બેદરકારી.
- લાંબા સમય માટે લેવામાં આવેલી કેટલીક દવાઓ (જેવી કે દર્દશામક દવાઓ, ભસ્મ વગેરે) ની કિડની પર આડઅસર.
- બાળકોમાં થતો વારંવાર કિડની અને મુત્રમાર્ગનો ચેપ.
- બાળકોમાં જન્મજાત મૂત્રમાર્ગની ખામીઓ (Vesicoureteral Reflux, Posterior Urethral Valve વગેરે).
ડાયાબિટીસ અને લોહીનું ઊંચુ દબાણ ક્રોનિક કિડની ફેલ્યરના
સૌથી મહત્વના કારણો છે.