Read Online
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી

બાળકોમાં કિડની અને મૂત્રમાર્ગનો ચેપ

બાળકોમાં કિડની અને મૂત્રમાર્ગનો ચેપ

મૂત્રમાર્ગ નો ચેપ તે અગત્ય અને સામાન્ય રીતે જોવા મળતી બીમારી છે. અને તેને કારણે ટુકા અને લાંબા સમય ના સ્વાસ્થ ના પ્રશ્નો થઇ શકે છે.

પુખ્તવયની વ્યક્તિઓ કરતાં બાળકોમાં આ પ્રશ્ન શા માટે વધારે અગત્યનો છે ?

 • બાળકોમાં વારંવાર તાવ આવે તે માટેના કારણોમાં કિડની તથા મુત્રમાર્ગનો ચેપ અગત્યનું કારણ છે. બાળકો માં શ્વાસ ની તકલીફ અને ઝાળા (diarrhoea) પછી સામાન્ય રીતે લાંગતા ચેપો માં મૂત્રમાર્ગ નો ચેપ ત્રીજા નંબરે છે.
 • નાની ઉમંરના બાળકોમાં કિડની તથા મૂત્રમાર્ગના ચેપની મોડી અથવા અપૂરતી સારવાર ને કારણે કિડનીને ન સુધરી શકે તેવું નુકસાન થઈ શકે છે અને કેટલીક વાર કિડની સાવ જ બગડી જાય તેવો ભય પણ રહે છે.
 • આ કારણસર બાળકોમાં પેશાબમાં ચેપનું વહેલું નિદાન, તે માટેના કારણોની તપાસ અને તેની યોગ્ય સારવાર કિડનીને થતું નુકસાન અટકાવવા માટે અત્યંત જરૂરી બને છે.

બાળકોમાં ક્યારે પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે ?

બાળકોમાં ચેપ વધુ લાગવાના નીચે મુજબનાં કારણો છે :

 1. છોકરીઓની મૂત્રનલિકાની લંબાઈ નાની હોવાને કારણે ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે. આ ઉપરાંત મૂત્રનલિકા અને ઝાડો ઊતરવાની જગ્યા પાસેપાસે હોવાથી બેકટેરીયા મૂત્રનલિકામાં સરળતાથી જઈ શકે છે અને ચેપ લાગી શકે છે.
 2. ઝાડા કર્યા બાદ સાફ કરવાની ક્રિયામાં પાછળથી આગળ તરફ ધોવાની ટેવને કારણે આ ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે.
બાળકોમાં વારંવાર તાવ આવવાનું કારણ મૂત્રમાર્ગનો ચેપ હોઈ શકે છે.

ચિહનો

 1. જન્મજાત ખોડને કારણે પેશાબ ઊંધી તરફ મુત્રાશયમાંથી મુત્રવાહિની અને કિડની તરફ જતો જાય(Vesicoureteric reflux).
 2. કિડનીની અંદર ની બાજુ આવેલા, નીચે જતો ભાગ પેલ્વીસ અને મુત્રવાહિની જોડતો ભાગ સંકોચાવાથી પેશાબમાં અવરોધ થતો હોય(Pelvi ureteric junction – PUJ Obstruction).
 3. મૂત્રનલિકામાં વાલ્વ(Posterior Urethral Valve)ને કારણે નાના છોકરાઓને પેશાબ ઊતરવામાં તકલીફ પડતી હોય.
 4. મૂત્રમાર્ગમાં પથરી હોય.
 5. અન્ય કારણો : કબજીયાત, સ્વચ્છતા નો અભાવ, લાંબા સમય થી પેશાબ ની નળી મુકેલી હોય અથવા મૂત્રમાર્ગ માં ચેપ થવાનો પ્રશ્ન કુટુંબ માં હોય.

પેશાબના ચેપનાં ચિહનો:

 • સામાન્ય રીતે ચાર થી પાંચ વર્ષ કરતાં મોટા બાળકો પેશાબમાં તકલીફની ફરિયાદ જાતે કરી શકે છે. પેશાબમાં ચેપનાં ચિહનોની વિગતવાર ચર્ચા પ્રકરણ નં. ૧૮ માં કરી છે.
 • નાની ઉમંરના બાળકો પેશાબની ફરિયાદ કરી શકતા નથી. પેશાબ કરતી વખતે બાળક રડે, પેશાબ ઊતરવામાં તકલીફ પડે કે વારંવાર તાવ માટે પેશાબની તપાસમાં આકસ્મિક રીતે ચેપની હાજરી, મુત્રમાર્ગનો ચેપ સૂચવે છે.
 • ભૂખ ન લાગવી, વજન ન વધવું કે ગંભીર ચેપ હોય તો વધુ તાવ સાથે પેટ ફૂલી જવું, ઊલટી,ઝાડા, કમળો થવો જેવાં અન્ય ચિહનો પણ મૂત્રમાર્ગના ચેપને કારણે નાનાં બાળકોમાં જોવા મળે છે.

મૂત્રમાર્ગના ચેપનું નિદાન :

કિડની તથા મુત્રમાર્ગના ચેપનાં નિદાન માટે જરૂરી મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય.

બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનાં મુખ્ય ચિહનો વારંવાર તાવ, વજન ન વધે તે અને પેશાબની તકલીફ છે.

નિદાન

૧.મૂત્રમાર્ગના ચેપનું નિદાન :

મુત્રમાર્ગના ચેપનાં માટે સામાન્ય તપાસ:
મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન અને સારવાર ના નિયમન માટે પેશાબ ની તપાસ અત્યંત મહત્વની છે. પેશાબની તપાસ જેમાં રસીની હાજરી મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે. જે અંગે વધુ વિગત વાર ચર્ચા પ્રકરણ ૧૮ માં કરેલી છે.

મુત્રમાર્ગના ચેપનાં નિદાન માટે:
મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન અને સારવાર ના માર્ગદર્શન માટે પેશાબ ની કલ્ચરની તપાસ કરવામાં આવે છે. યૂરિન કલ્ચર નો રીપોર્ટ આવતા ૪૮ થી ૭૨ કલાક લાગે છે. ચેપ માટે કારણભૂત બેક્ટેરિયા ના પ્રકાર, ચેપ ની તીવ્રતા અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે સચોટ માહિતી આપે છે.

લોહી ની તપાસ:
ડોક્ટર દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી તપાસો માં હિમોગ્લોબીન, શ્વેતકણ, બ્લડ યુરીયા, સીરમ ક્રિએટિનિન બ્લડ શુગર અને સી.આર.પી. નો સમાવેશ થાય છે.

૨.મૂત્રમાર્ગનો ચેપ થવાના કારણનું નિદાન :

 • રેડીયોલોજીકલ તપાસો :-
  કિડની અને મૂત્રાશય ની સોનોગ્રાફી, પેટ નો એક્સ-રે, વી.સી.યુ.જી (V.C.U.G.), પેટ નો સી.ટી. સ્કેન અથવા એમ.આર.આઈ. (M.R.I.) અને આઈ.વી.યુ (Intravenous Urolography - IVU).
 • કિડની માં નુકસાન જોવા માટે તપાસ:- ચેપ ને કારણે કિડની ના કયા ભાગમાં અને કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે ની શ્રેષ્ઠ પદ્ધતિ તે ડી.એમ.એસ.એ. સ્કેન તરીકે ઓડખાતી ખાસ પ્રકાર ની રેડિયોન્યુક્લીઅર તપાસ છે.
 • ડી.એમ.એસ.એ.(D.M.S.A. – Dimercaptosuccunic acid) સ્કેન સામાન્ય રીતે મૂત્રમાર્ગ ના ચેપ થયા પછી ૩ થી ૬ મહીને કરવામાં આવે છે.
 • મૂત્રાશય ની કાર્યક્ષમતા જાણવા માટે યુરોડાઈનામીક સ્ટડી કરવામાં આવે છે.
મૂત્રમાર્ગના ચેપ થવાના કારણોના નિદાન માટે સોનોરગ્રાફી, એક્સ-રે, વી.સી.યૂ.જી. અને આઈ.વી.પી. કરવામાં આવે છે.

સારવાર

મોટા ભાગે બાળકોમાં પેશાબમાં ચેપનાં કારણોના નિદાન માટે કરવામાં આવતી વી.સી.યૂ.જી. તપાસ કઈ રીતે કરવામાં આવે છે ? તે શા માટે અગત્યની છે ?

વૉઇડિગ સિસ્ટોયુરેથ્રોગ્રામ જે બાળકોમાં મુત્રમાર્ગના ચેપ અને વસાઈકો યુરેટેરિક રીફલકસ ના નિદાન માટે કરાતી ખૂબ જ અગત્ય ની ઍક્સરે દ્વારા થતી તપાસ છે. આ તપાસ ૨ વર્ષ ની નાની ઉમર ના બાળકો માં મૂત્રમાર્ગ ના ચેપ બાદ કરાવવી જરૂરી હોય છે.

મૂત્રમાર્ગ ના ચેપ ના એક અઠવાડિયા ની સારવાર બાદ આ તપાસ કરવામાં આવે છે.

વૉઇડિગ સિસ્ટોયુરેથ્રોગ્રામ (મીક્ચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ-Micturating Cysto Urethrogram M.C.U. તરીકે ઓળખાતી) તપાસમાં ખાસ જાતના આયોડિનયુક્ત પ્રવાહીને કેથેટર દ્વારા મૂત્રાશયમાં ભરવામાં આવે છે.

ત્યાર બાદ બાળકોને પેશાબ કરવાનું કહેવામાં આવે છે. પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન મૂત્રાશય અને મૂત્રનલીકાના એક્સ-રે પાડવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી તરફ મુત્રવાહિની અને કિડની તરફ જતો હોય, મૂત્રાશયમાં કોઈ ક્ષતી હોય અથવા મૂત્રાશયમાંથી મૂત્રનલિકા દ્વારા પેશાબ બહાર નીકળવાના માર્ગમાં અવરોધ હોય તો તે વિશે અગત્યની માહિતી મળે છે.

ઇન્ટ્રોવીનસ પાયલોગ્રાફી(IVP) ક્યારે અને શા માટે કરવામાં આવે છે ?

૩ વર્ષથી વધુ ઉમરના બાળકોમાં જ્યારે વારંવાર પેશાબનો ચેપ જોવા મળે ત્યારે પેટના એક્સ-રે અને સોનોગ્રાફી તપાસ પણ જરૂરી જણાય ત્યારે આ તપાસ કરવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબ ચેપ માટે કારણભૂત કોઈ જન્મજાત ક્ષતિ અથવા પેશાબ માર્ગમાં અવરોધ વિશે માહિતી મળી શકે છે.

પેશાબની તપાસ રોગના નિદાન અને સારવારના નિયમન માટે જરૂરી છે.

મૂત્રમાર્ગના ચેપ ની સારવાર :

સામાન્ય કાળજી :
 • બાળકોને દિવસમાં બને તેટલું વધારે અને રાત્રીના પણ ૨-૩ વખત પાણી-પ્રવાહી આપવું.
 • કબજિયાત ન થવા દેવી અને નિયમિત સંડાસ અને થોડા થોડા સમયના અંતરે પેશાબ કરવાની ટેવ રાખવી જરૂરી છે.
 • સંડાસ અને પેશાબના ભાગની અને આજુબાજુના ભાગની પૂરતી સ્વચ્છતા રાખવી જરૂરી છે.
 • સંડાસ કર્યા બાદ વધુ પાણી વડે અને આગળથી પાછળના ભાગ તરફ એ રીતે સાફ કરવાથી પેશાબનો ચેપ લાગવાની શક્યતા ઘટાડી શકાય છે.
 • બાળકને સામાન્ય ખોરાક લેવાની છુટ આપવામાં આવે છે.
 • બાળકને તાવ હોય તો તે માટે જરૂર મુજબ તાવ ઉતારવાની દવા આપવામાં આવે છે.
 • પેશાબના ચેપની સારવાર પૂરી થયા બાદ તરત સંપૂર્ણ રીતે નાબુદ થઈ ગયો છે તે નક્કી કરવા પેશાબની તપાસ જરૂરી છે.
 • ચેપ ફરી નથી લાગ્યો તે નક્કી કરવા સારવાર પૂરી થયા બાદ સાત દિવસ બાદ અને ત્યાર બાદ જરૂર મુજબ પેશાબની તપાસ કરવી જરૂરી છે.
દવા દ્વારા સારવાર :
 • પેશાબના ચેપનાં નિદાન બાદ તેના કાબુ માટે બાળકના ચેપનાં ચિહનો, તેની ગંભીરતા અને બાળકની ઉમંર ધ્યાનમાં લઈ અન્ટીબાયોટિક્સ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ સારવાર શરૂ કરતાં પહેલા પેશાબના કલ્ચર ની તપાસ કરાવવી હિતાવહ છે.
 • કલ્ચર નો રીપોર્ટ આવે ત્યારે તેના આધારે શરૂ કરેલી દવાની તબિયત પર અસર સંતોષજનક ન હોય તો દવામાં ફેરફાર કરવામાં આવે છે.
પેશાબ કલ્ચર ની તપાસ દ્વારા અન્ટીબાયોટિક્સની યોગ્ય પસંદગી થઈ શકે છે.
 • નાની ઉમંરના બાળકોમાં અને ચેપ ગંભીર પ્રકારનો હોય ત્યારે અન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન આપવાં જરૂરી બને છે.
 • સામાન્ય રીતે વપરાતી અન્ટીબાયોટિક્સમાં એમોક્ક્ષીસીલીન, એમાઈનોગ્લાઈકોસાઈડ્સ, સીફેલોસ્પોરીન, કોટ્રાઈમેક્ક્ષેઝોલ, નાઈટ્રોફ્યુરેનટોઈન વગેરેનો સમાવેશ થાય છે.
 • ૩- ૬ મહિના કરતા વધુ ઉમર ના બાળકો માં સારવાર સામાન્ય રીતે એન્ટીબાયોટિક ગોળી દ્વારા કરવામાં આવે છે.
 • આ જાતની સારવાર સામાન્ય રીતે ૭ થી ૧૦ દિવસ માટે આપવામાં આવે છે. ચેપની સારવાર સાથે તેના કારણ જાણવા માટે કરેલી તપાસમાં મળેલી માહિતી મુજબ આગળની સારવારનો નિર્ણય લેવામાં આવે છે.
 • સારવાર થી રોગ ના ચિહ્નો ઓછા થાય અથવા મટી જાય તેમ છતાં ડોક્ટર ની સલાહ મુજબ યોગ્ય સમય માટે સારવાર ચાલુ રાખવી જરૂરી છે.

મૂત્રમાર્ગમાં વારંવાર ચેપની સારવાર :

દવા દ્વારા સારવાર :

જે દર્દીને વર્ષમાં ત્રણથી વધુ વખત પેશાબનો ચેપ થયો હોય એવા દર્દીને કેટલીક ખાસ જાતની દવાઓ ઓછા ડોઝમાં પણ રાત્રે એક વખતે, એમ લાંબા સમય(૩ મહિનાથી માંડી બે વર્ષ કે તેના કરતાં વધુ સમય).

માટે લેવાની સૂચના આપવામાં આવે છે. કેટલો લાંબો સમય આ દવા લેવી તે દર્દીની તકલીફ, ચેપનાં પ્રમાણ વગેરેને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.

ઓછા ડોઝમાં લાંબો સમય લેવામાં આવતી દવા દ્વારા વારંવાર થતો પેશાબનો ચેપ અટકાવી શકાય છે, પરંતુ દવાની કોઈ નોંધપાત્ર આડ અસર જોવા મળતી નથી.

બાળકોમાં પેશાબ માં વારંવાર ચેપ ની તકલીફ જોવા મળે ત્યારે સોનોગ્રાફી, વી.સી.યુ.જી. (V.C.U.G.) અને જરૂરીયાત મુજબ ડી.એમ.એસ.એ. (D.M.S.A.) તપાસ કરવામાં આવે છે.

બાળકો માં પેશાબ ચેપના કારણો વી.યુ.આર. અને મૂત્રનલિકામાં વાલ્વ ના સચોટ નિદાન માટે ની તપાસ વી.સી.યુ.જી. છે.

પેલ્વી યુરેટેરિક જંકશન ઓબસ્ટ્રકશન

વારવાર મૂત્રમાર્ગ ના ચેપ માટે કારણભૂત અને સારવાર થી સુધરી શકે તેવા ત્રણ મુખ્ય કારણો વી.યુ.આર. (V.U.R.), પોસ્ટીરીયર યુરેથ્રલ વાલ્વ અને પથરી છે. બાળકોમાં પેશાબ ના ચેપ માટે જવાબદાર કારણ ને ધ્યાન માં રાખી જરૂરી દવા અને ચેપ ફરી ના થાય તે માટે ની સારવાર તથા કાળજી નું આયોજન કરવામાં આવે છે.

મૂત્રમાર્ગના ચેપ માટે કારણભૂત રોગો ની સારવાર કિડની ફીજીશીયન- નેફ્રોલોજીસ્ટ, કિડની સર્જન- યુરોલોજીસ્ટ અથવા બાળકોના સર્જન દ્વારા નક્કી કરવામાં આવે છે.

૧. પેલ્વી યુરેટેરિક જંકશન ઓબસ્ટ્રકશન(P.U.J.Obstruction) શું છે ? આ જન્મજાત તકલીફમાં શું થાય છે ?

આ જન્મજાત ક્ષતિમાં કિડનીના ભાગ પેલ્વીસ (જે કિડનીના અંદરના ભાગમાં આવેલા છે અને કિડનીમાં બનેલા પેશાબને નીચે તરફ મુત્રવાહિનીમાં મોકલે છે.) અને મૂત્રવાહીનીને જોડતી જગ્યા સંકોચાઈ જવાથી પેશાબના માર્ગમાં અવરોધ થાય છે. આ અવરોધને કારણે કિડની ફૂલી જાય, વારંવાર પેશાબમાં ચેપ થાય કે ચેપને કાબુમાં લેવામાં તકલીફ પડે એવા પ્રશ્નો ઊભા થાય છે. સમયસર સારવાર કરાવવામાં ન આવે તો લાંબા સમય-વર્ષો બાદ ફૂલેલી કિડની ક્રમશ: નબળી પડી ફેઈલ થઈ જાય છે.

સારવાર:

આ તકલીફ માટે ‘પાયલોપ્લાસ્ટી’ તરીકે ઓળખાતા ઓપરેશન દ્વારા પેશાબ માર્ગમાંનો અવરોધ દૂર કરવામાં આવે છે.

૨. મૂત્રનલિકામાં વાલ્વ (Posterior Uretheral Valve) આ જન્મજાત તકલીફમાં શું થાયછે?

આ તકલીફ જન્મજાત હોય છે જે ફક્ત બાળકો માં જોવા મળે છે.
આ પ્રશ્નમાં મૂત્રનલિકામાં આવેલા વાલ્વને કારણે અવરોધ થતા પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે અને જોર કરવું પડે છે. પેશાબના માર્ગમાં નોંધપાત્ર અવરોધ મૂત્રાશયની દિવાલ જાડી થાય છે અને કદ વધી જાય છે, મૂત્રાશયમાંથી પેશાબનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પેશાબ ભરાઈ રહે છે.

બાળકોમાં જન્મજાત ક્ષતિને કારણે મૂત્રમાર્ગનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે.

વધુ પેશાબ ભેગો થવાથી મૂત્રાશયમાં દબાણ વધે છે, જેની વિપરીત અસર થઈ મુત્રવાહિની અને કિડની પણ ફૂલી શકે છે. જો આ તબક્કે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળે કિડનીને નુકસાન થઈ શકે છે.

મુત્રનલિકામાં વાલ્વ હોય તેવા બાળકો માંથી આશરે ૨૫-૩૦% બાળકો માં ક્રોનિક કિડની ફેલ્યર થવાની શક્યતા હોય છે.

રોગ ના ચિહ્નો:

સામાન્ય રીતે જોવા મળતા ચિહ્નોમાં પેશાબ ને ધાર પાતળી આવવી, પેશાબ ટીપે-ટીપે ઉતરવો, પેશાબ કરવામાં જોર કરવું પડવું, પથારી માં પેશાબ થઇ જવો, મૂત્રાશયમાં પેશાબ વધુ એકઠ્ઠો થવાથી પેડુ માં દુખાવો થવો અને પેશાબ માં ચેપ લાગવો વગેરે નો સમાવેશ થાય છે.

રોગ નું નિદાન:

આ રોગ નું નિદાન ક્યારેક સગર્ભાવસ્થામાં છેલ્લા મહિના માં કરવામાં આવતી સોનોગ્રાફી ની તપાસ માં અથવા જન્મ બાદ પહેલા મહિના માં કરવામાં આવતી સોનોગ્રાફી દ્વારા થાય છે. પરંતુ સચોટ નિદાન જન્મ બાદ કરવામાં આવતી વી.સી.યુ.જી. તપાસ દ્વારા થાય છે.

રોગ ની સારવાર:

આ પ્રશ્નની સારવારમાં ઓપરેશનની જરૂર પડે છે. કિડની ના ફિઝીશીયન - નેફ્રોલોજીસ્ટ અને સર્જન - યુરોલોજીસ્ટ સાથે મળી ને મુત્રનાલિકા માં વાલ્વ ની સારવાર કરે છે.

 • તાત્કાલિક રાહત માટે મુત્રનાલિકા માં અથવા પેડુ ના નીચે ના ભાગમાં પેશાબ ની નળી મૂકી મૂત્રાશય માં ભરેલા પેશાબ નો નિકાલ કરવામાં આવે છે.
 • આ તકલીફ ને લીધે થતા પ્રશ્નો પેશાબમાં ચેપ, લોહી ની ફિક્કાશ, કિડની ફેલ્યર, શરીર માં ક્ષાર અને પ્રવાહી માં અસંતુલન વગેરે ની યોગ્ય અને સમયસર સારવાર પણ જરૂરી છે.
મૂત્રનલિકામાં વાલ્વ ની યોગ્ય સારવાર ન થાઈ તો તે છોકરાઓ લાંબા ગાળે સી.કે.ડી કરી શકે છે.

વસાઈકો યુરેટેરિક રીફલકસ

 • મુત્રનાલિકામાં વાલ્વ ની તકલીફ ની લાંબાગાળા ની યોગ્ય સારવાર માં ઓપરેશન ની જરૂર પડે છે. આ સારવાર માં જરૂર મુજબ વાલ્વ, ઓપરેશન દ્વારા દુર કરવો, મૂત્રાશય માંથી પેડુ ના ભાગમાં કાણું પાડી પેશાબ સીધો બહાર આવે તેવી ગોઠવણ કરવી વગેરે નો સમાવેશ થાય છે.
 • મુત્રનાલિકા ના વાલ્વ ની યોગ્ય સારવાર છતાં કેટલાક બાળકો લાંબાગાળે (વર્ષોપછી) લોહી નું દબાણ વધવું, કિડની બગડવી, પેશાબનો ચેપ, શરીર નો અપૂરતો વિકાસ, તેવા પ્રશ્નો થવાની શક્યતા હોય છે. આ કારણસર મુત્રનલિકામાં વાલ્વ ની તકલીફ હોય તેવા બાળકો એ યોગ્ય સમયાંતરે બતાવતા રહેવું અને સલાહ મુજબ સારવાર લેવી જરૂરી છે.
૩. પથરી:

નાનાં બાળકોને થતી પથરીના પ્રશ્નની સારવાર માટે તેનું સ્થાન, કદ, પ્રકાર વગેરે ધ્યાનમાં લઈ જરૂર મુજબ દૂરબીન દ્વારા, ઓપરેશન દ્વારા કે લીથોટ્રીપ્સી દ્વારા પથરીનો ભૂકો કરી પથરી દૂર કરવામાં આવે છે. આ રીતે દૂર કરાયેલી પથરીના લેબોરેટરીમાં કરવામાં આવતા પૃથક્કરણ બાદ તે ફરી ન થાય તે માટે દવા અને સૂચના આપવામાં આવે છે.

૪. વી.યુ.આર. :

આ રોગ વસાઈકો યુરેટેરિક રીફલકસ – V.U.R.(Vesicoureteric Reflux) તરીકે ઓળખાય છે.
બાળકોમાં પેશાબના ચેપ માટે આ બધાં કારણો કરતાં વધુ અગત્યનું કારણ પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી દિશામાં મુત્રવાહિનીમાં જાય તે છે.

વસાઈકો યુરેટેરિક રીફલકસ – વી.યુ.આર.ની ચર્ચા શા માટે અગત્યની છે ?

આ રોગ બાળકોમાં પેશાબના ચેપ,ઊંચા લોહીનું દબાણ અને ક્રોનિક કિડની ફેલ્યર માટેનું સૌથી વધુ અગત્યનું કારણ છે.

બાળકો માં પેશાબ માં ચેપ ની તકલીફ માટે જવાબદાર કારણો માં વી.યુ.આર. સૌથી વધુ જોવા મળતું અગત્ય નું કારણ છે.

બાળકોમાં મૂત્રમાર્ગનો ચેપ અને ક્રોનિક કિડની ફેલ્યરનું મુખ્ય કારણ જન્મજાત ક્ષતિ વી.યુ.અર. છે.

મૂત્રમાર્ગના ચેપ ના કારણે તાવ હોય તેવા બાળકોમાંથી ૩૦-૪૦% બાળકો માં તે માટે નું કારણ વી.યુ.આર. છે. અમુક બાળકો માં વી.યુ.આર. ને કારણે લાંબા ગાળે (મહિનાઓ કે વર્ષો બાદ) કિડની નો કેટલોક ભાગ ન સુધરી શકે તે રીતે નુકસાન પામે છે (scarring of kidney). આ નુકસાન (scarring) ના કારણે લોહી નું ઉચું દબાણ સગર્ભાવસ્થામાં માં લોહી નું ઉચું દબાણ, સોજા તથા ક્રોનિક કિડની ડીસીસ થવાની શક્યતા રહે છે. પરિવાર જનો માં જો કોઈ ને આ રોગ હોય તો વારસા માં અન્ય સભ્યને થવાની શક્યતા રહે અને આ પ્રશ્ન છોકરા કરતા છોકરીઓ માં વધુ જોવા મળે છે.

Vesicoureteral Reflux (VUR)

વી.યુ.આર.માં શું થાય છે ?

સામાન્ય રીતે મૂત્રાશયમાં વધારે દબાણ હોવા છતાં મુત્રવાહિની અને મૂત્રાશય વચ્ચે આવેલો વાલ્વ પેશાબને મુત્રવાહિનીમાં જતો અટકાવે છે અને પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન પેશાબ મૂત્રાશયમાંથી એક જ તરફ, મૂત્રનલિકા દ્વારા બહાર નીકળે છે. જન્મજાત આ રોગ વી.યુ.આર.માં આ વાલ્વની રચનામાં ખામી હોઈ વધુ પેશાબ મૂત્રાશયમાં ભેગો થાય અથવા તો પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન પેશાબ ઊંધી તરફ મૂત્રાશયમાંથી એક અથવા બંને મુત્રવાહિની તરફ પણ જાય છે.

પેશાબ કેટલી માત્રા માં ઉંધી તરફ જાય છે તેના આધારે રોગ ની તીવ્રતા હળવી થી અતિ ગંભીર હોય શકે છે (ગ્રેડ૧ થી ૫ સુધી).

વી.યુ.આર. કયા કારણસર થાય છે:

વી.યુ.આર. થવાના કારણો ના મુખ્ય ભાગ પ્રાઈમરી વી.યુ.આર. અને સેકેન્ડરી વી.યુ.આર. છે. પ્રાઈમરી વી.યુ.આર. માં જન્મ થી વાલ્વ ની રચના માં ખામી હોય છે જ્યારે સેકેન્ડરી વી.યુ.આર. કોઈપણ ઉમરે થઇ શકે છે. તે થવાના મુખ્ય કારણો માં મુત્રનલીકા અથવા મૂત્રાશય ના માર્ગ માં અડચણ, મૂત્રાશય ની કાર્યક્ષમતા માં તકલીફ, મૂત્રાશય દ્વારા પેશાબ ના નિકાલ ની પ્રક્રિયા યોગ્ય રીતે ન થવી અને મૂત્રાશય માં ચેપ લાગવો વગેરે છે.

વી.યુ.આર. ના ચિહ્નો:

વી.યુ.આર. ના કોઈ વિશિષ્ટ ચિહ્નો જોવા મળતા નથી પરંતુ મોટાભાગ ના બાળકો મૂત્રમાર્ગના ચેપ ના ચિહ્નો સાથે આવે છે. જે બાળકો માં વી.યુ.આર. રોગ વધારે તીવ્ર (ગ્રેડ૪-૫) હોય અને સમયસર યોગ્ય સારવાર ન મળી હોય તેવા બાળકો માં લાંબાગાળે (મહિના કે વર્ષો બાદ) લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું અને કિડની બગડવી જેવા પ્રશ્નો જોવા મળે છે.

વી.યુ.આર. નું નિદાન કઈ રીતે થાય છે?

વી.યુ.આર. માટે કરવામાં આવતી તપાસ નીચે મુજબ છે:

૧. નિદાન માટે ની મુખ્ય તપાસો:

વી.સી.યુ.જી. (એમ.સી.યુ .)
વી.યુ.આર ના નિદાન અને તેની તીવ્રતા જાણવા માટે સૌથી મહત્વ ની તપાસ વી.સી.યુ.જી. છે. આ તપાસ દ્વારા વી.યુ.આર. ની તીવ્રતા ૧ થી ૫ ગ્રેડ માં કરવામાં આવેલ છે. આ ગ્રેડ ઉપર થી પેશાબ કેટલા પ્રમાણ માં મૂત્રાશય માંથી ઉંધી દિશા માં મુત્રવાહીની માં જાય છે તેની માહિતી મળે છે. આ ગ્રેડ દ્વારા કિડની ને નુકસાન થવાનું જોખમ અને રોગ ની યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે છે.

વધારે ગંભીર વી.યુ.આર કે એન્ટીબાયોટીક્સ સારવાર નિષ્ફળ નીવડે ત્યારે ઓપરેશન કે દુરબીન દ્વારા સારવાર જરૂરી છે.

અન્ય જરૂરી તપાસો:-
પેશાબ ની કલ્ચર ની તપાસ :- પેશાબ ના ચેપ ના પાકા નિદાન અને ચેપ માટે કારણભૂત બેકટીરિયા ના પ્રકાર ની અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે સચોટ માહિતી આપે છે.

લોહી માં હિમોગ્લોબીન ની તપાસ સ્વેતકણ અને ક્રિએટીનીન ની તપાસ. કિડની ની સોનોગ્રાફી દ્વારા કિડની નું કદ, આકાર, કિડની કેટલી ફૂલી છે વગેરે ઘણા પ્રશ્નો અંગે મહત્વ ની માહિતી મળે છે. પરંતુ સોનોગ્રાફી દ્વારા વી.યુ.આર. નું નિદાન થઇ શકતું નથી.

ડી.એમ.એસ.એ.સ્કેન:- કિડની ની ખાસ તપાસ ડી.એમ.એસ.એ. સ્કેન દ્વારા કિડની ના કેટલાક ભાગ ને નુકસાન થયું છે તે માહિતી મળેછે.

વી.યુ.આર.માં કઈ જાતની તકલીફ થઈ શકે ?

આ રોગને કારણે થતી તકલીફ આ રોગ કેટલો ગંભીર છે તેના પર આધાર રાખે છે. ઓછા ગંભીર પ્રકારના રોગમાં ઊંધી તરફ જતો પેશાબ ઓછી માત્રામાં અને ફક્ત મુત્રવાહિની અને કિડનીના પેલ્વીસના ભાગ સુધી જ જાય છે. આવાં બાળકોમાં વારંવાર પેશાબમાં ચેપ સિવાય અન્ય પ્રશ્નો જોવા મળતા નથી.

રોગ જ્યારે વધુ ગંભીર હોય ત્યારે પેશાબ વધુ માત્રામાં ઊંધી જવાને કારણે કિડની ખુબ ફૂલી જાય છે અને પેશાબના દબાણને કારણે ધીરે ધીરે લાંબા સમયે કિડનીને નુકસાન થતું જાય છે. આ પ્રશ્નો ની જો સમયસર યોગ્ય સારવાર ન કરવામાં આવે તો કિડની સાવ બગડી જાય તેવું પણ બની શકે છે.

વી.યુ.આર ના દર્દીઓમા બી.પી, શારીરિક વિકાસ અને પેશાબ મા ચેપ ના નિયમન માટે નિયમિત ચેકઅપ કરાવવુ.
વી.યુ.આર.ની સારવાર :

પેશાબમાં ચેપ અને કિડની ને નુકસાન થતું અટકાવવા માટે વી.યુ.આર. ની સમયસર ની યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે.

આ રોગની સારવાર રોગનાં ચિહનો, તેની માત્રા તથા બાળકોની ઉમંરને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.

વી.યુ.આર ની સારવાર ના ત્રણ મુખ્ય વિકલ્પ- દવા દ્વારા સારવાર, ઓપરેશન અને એન્ડોસ્કોપી દ્વારા સારવાર છે.

ઓછા ગંભીર પ્રકાર ના વી.યુ.આર ની સારવાર

 • આ પ્રકારની તકલીફમાં પેશાબ ઊંધો જતો હોય તે તકલીફ ધીરે ધીરે ઘટી કોઈ પણ ઓપરેશન વગર સંપૂર્ણ રીતે મટી જાય છે. આ દરમિયાન પેશાબમાં ચેપ ન લાગે તે માટે જરૂરી દવા આપવામાં આવે છે.
 • પેશાબમાં ચેપ નો કાબુ દર્દીની સારવારનો સૌથી મહત્વનો ભાગ છે.
 • ચેપનાં કાબુ માટે યોગ્ય એન્ટીબાયોટીક્સ આપવી જરૂરી છે. કઈ એન્ટીબાયોટીક્સ વધુ અસરકારક રહેશે તે નક્કી કરવામાં પેશાબના કલ્ચર ની તપાસ મદદરૂપ બને છે. આ દવા ૭ થી ૧૦ દિવસ માટે આપવામાં આવે છે.
વી.યુ.આર.ની.સારવારમાં એન્ટીબાયોટીક્સ નિયમિતપણે રાત્રે લાંબા સમય- વર્ષો સુધી લેવી જરૂરી છે.
 • દવાથી ચેપમાં સંપૂર્ણ કાબુ આવી જાય ત્યાર પછી બાળકને ફરી ચેપ ન લાગે તે માટે ઓછી માત્રામાં, રાત્રે સુતી વખતે એક વખત એન્ટીબાયોટીક્સ લાંબા સમય (૨થી ૩ વર્ષ ) માટે આપવામાં આવે છે. આ દરમ્યાન દર મહીને અને જરૂર પડે તો તે પહેલાં પણ પેશાબની તપાસ કરી ચેપ પૂરતા પ્રમાણમાં કાબુમાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે અને તે મુજબ જરૂર પ્રમાણે દવામાં ફેરફાર કરવામાં આવે છે.
 • રોગ ઓછો ગંભીર પ્રકારનો હોય ત્યારે આશરે ૧થી ૩ વર્ષ આ રીતે સારવાર કરવાથી આ રોગ નાબુદ થઈ જાય છે. સારવાર દરમ્યાન દર ૧ થી ૨ વર્ષ ઊંધી તરફ મુત્રવાહિનીમાં જતા પેશાબના પ્રમાણમાં કેટલો ફેરફાર થયો છે તે જાણવા વી.સી.યુ.જી. તપાસ કરવામાં આવે છે.

વધારે ગંભીર પ્રકાર ના વી.યુ.આર ની સારવાર

 • જ્યારે વધારે માત્રામાં પેશાબ ઊંધી તરફ જતો હોય અને તેને કારણે મુત્રવાહિની અને કિડની પહોળી થઈ ફૂલી ગયાં હોય તેવા સંજોગોમાં ઓપરેશન જરૂરી હોય છે.
 • ઓપરેશન વગર આ તકલીફ મટી જતી નથી.
 • આ ઓપરેશન નો હેતુ મુત્રવાહિની અને મૂત્રાશય વચ્ચે વાલ્વ જેવી વ્યવસ્થા ગોઠવાઈ જાઇ અને પેશાબ ઉંધી તરફ મુત્રવાહિની મા જતો અટકી જાઇ તે હોય છે.
 • જે બાળકોમાં પેશાબ વધારે માત્રામાં ઊંધી તરફ જતો હોય ત્યારે જો ઓપરેશન યોગ્ય સમયે ન કરવામાં આવે તો કિડનીને હંમેશાં માટે નુકસાન થઈ શકે છે
 • આ અત્યંત નાજુક એવું ઓપરેશન પીડીયાટ્રીક સર્જન અથવા યુરોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે.
વી.યુ.આર.ની સારવારમાં હળવા પ્રશ્ન માટે એન્ટીબાયોટીક્સ અને ગંભીર પ્રશ્ન માટે ઓપરેશનની જરૂર પડે છે.

મૂત્રમાર્ગમાં ચેપ ના બાળકો એ ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક ક્યારે કરવો જોઈએ?

નીચે મુજબ ની તકલીફો માં મૂત્રમાર્ગ ના ચેપ ના બાળકો એ ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક કરવો:-

 • તાવ આવવો, ઠંડી લાગવી, પેશાબમાં બળતરા થવી, પેડુમાં દુખાવો થવો.
 • પેશાબમાં દુર્ગંધ આવવી અથવા પેશાબ માં લોહી પડવું.
 • ઉલ્ટી ઉબકા ને કારણે દવા લેવા માં તકલીફ થવી કે શરીર માં પ્રવાહી ઘટી જવું.
 • ચિડીયાપણુ, ખોરાકમાં અરુચિ અને બાળક સતત માંદુ રહેવું.
બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની અયોગ્ય સારવારને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઈ શકે છે.