Prevention and Care of Common Kidney Diseases at Single Clickકિડની ફેલ્યરનુ પ્રમાણ ખુબ ઝડપ થી વધી રહ્યું છે, ચાલો આપણે સાથે મળી કિડની ના રોગો અટકાવીએ...

« Table of Contents

કિડની બગડતી અટકાવવાના ઉપાયો

Topics
 • સામાન્ય વ્યક્તિ માટે સૂચનો
 • રોગની હાજરીમાં જરૂરી કાળજી

કિડની ના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડની ની કાર્યક્ષમતા માં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્ય બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લાં તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫-૧૦ % દર્દીઓને જ આ સારવાર પરવડે છે. જયારે બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઈચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સે.કે.ડી.માં કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કાને દુર ઠેલી શકાય છે.

આ કારણસર “Prevention is better than cure” કહેવતને અનુસરવું ખુબ જ જરૂરી છે.

કિડની બગડતી અટકાવવાના સુચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂરી છે, જેની ચર્ચાના મુખ્ય બે ભાગ છે :

 • સામાન્ય વ્યક્તિ માટે સૂચનો
 • રોગની હાજરીમાં જરૂરી કાળજી

 • સામાન્ય વ્યક્તિ માટે સૂચનો :

કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો :-

૧. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

 1. પોષ્ટિક ખોરાક લેવો.

  ખોરાક મા નમક (મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસા વાળા ખોરાક નું પ્રમાણ વધારે રાખવું. મીઠું(નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉમર બાદ ખોરાકમા નમક(મીઠું)ના પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.

 2. યોગ્ય વજન જાળવવું.

  સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.

 3. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો.

  ધુમ્રપાન ને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.

 4. દુખાવાની દવાઓ થી ચેતો.

  ઘણા લોકો નાના મોટા દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર દુખાવા ની દવા લેતા હોય છે. જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે.

 5. પાણી વધારે પીવું.

  તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨-લીટર (૧૦-૧૨ ગ્લાસ) થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષાર ને દુર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઇ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટર થી વધારે પ્રવાહી લેવું જોઈએ.

૭. રૂટીન હેલ્થ ચેકઅપ :-

૪૦ વર્ષ પછી કોઈપણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ નો ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ ડાયાબિટીસ, કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહનો ન હોય તે તબક્કે વહેલાસર થઇ શકે છે. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિએ એક કે બે વર્ષે ચેકઅપ કરાવી લેવું અગત્યનું છે. આ પ્રકારના રોગ ની વહેલાસર યોગ્ય સારવાર થી કિડનીને ભવિષ્યમાં નુકશાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે.

રોગની હાજરીમાં જરૂરી કાળજી :
૧. કિડનીના રોગ વિશે સજાગતા અને વહેલું નિદાન :

મો-પગ પર સોજા, ખોરાકમાં અરુચિ, ઊલટી-ઊબકા, લોહીમાં ફિક્કાશ, લાંબા સમયથી નબળાઈ, રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમાં તકલીફ હોવી વગેરે ચિહનો કિડનીના રોગને કારણે હોઈ શકે છે. આવી તકલીફ ધરાવતી વ્યક્તિઓએ તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવી, કિડનીની તકલીફ તો નથી તે નિદાન કરાવી લેવું જોઈએ. કિડનીના રોગનું વહેલું નિદાન રોગને મટાડવા, અટકાવવા કે કાબુમાં લેવા માટે અત્યંત મહત્વનું છે. કોઈ પણ ચિહનોની ગેરહાજરીમાં પણ પેશાબમાં પ્રોટીન જવું કે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધવું તે કિડનીના રોગની હાજરી સુચવી શકે છે.

૨. ડાયાબિટીસના દર્દીઓમાં જરૂરી કાળજી :

ડાયાલિસિસ માટે આવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની ફેલ્યર માટે ડાયાબિટીસ કારણભુત હોય છે. આવા ગંભીર પ્રશ્નને અટકાવવા દરેક ડાયાબિટીસના દર્દીમાં, હંમેશા માટે ડાયાબિટીસ યોગ્ય રીતે કાબુમાં હોય તે જરૂરી છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કા ના ૪૫% દર્દીઓમાં દર્દીઓમાં રોગ નું કારણ ડાયાબિટીસ હોય છે.

ડાયાબિટીસના દરેક દર્દીએ કિડની પરની અસરના વહેલા નિદાન માટે દર ૩ મહીને લોહીના દબાણ પેશાબમાં પ્રોટીનની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું, સોજા આવવા, વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી કે ડાયાબિટીસ માટે લેવામાં આવતા ઇન્જેક્શન કે દવાની માત્રામાં ઘટાડો થવો વગેરે ડાયાબિટીસની કારણે કિડની બગડવાની નિશાની સૂચવે છે. જે દર્દીને ડાયાબિટીસની કારણે આંખમાં તકલીફ માટે લેસરની સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા ખુબ જ વધારે હોય છે. તેથી આવા દરેક દર્દીએ કિડની માટે નિયમિતપણે તપાસ કરાવતા રહેવી અત્યંત જરૂરી છે.

કિડની બગડતી અટકી શકે તે તબક્કાના સૌથી વહેલા નિદાન માટે શ્રેષ્ઠ અને એકમાત્ર એવી ખાસ તપાસ, તે પેશાબની “માઈક્રોઆલ્બ્યુંમિનયુરિયા” ની તપાસ છે. કિડનીના રોગોને અટકાવવા માટે દરેક દર્દીઓ એ ડાયાબિટીસ ની નિયમિત તપાસ અને લોહીનું દબાણ ૧૩૦/૮૦ મી.મી.કરતા ઓછું જાળવવું જોઈએ અને ખોરાક મા પ્રોટીન અને ચરબી વાળા ખોરાક ની માત્રા ઓછી લેવી જોઈએ.

૩. લોહીના ઊંચા દબાણના દર્દીઓમાં જરૂરી કાળજી :

લોહીનું ઊંચુ દબાણ ક્રોનિક કિડની ફેલ્યરનું અગત્યનું કારણ છે. લોહીના ઊંચા દબાણના ચિહનો મોટા ભાગના દર્દીઓમાં નહીવત્ હોવાથી કેટલાક દર્દીઓ બી.પી. માટેની દવા અનિયમિત રીતે લે છે કે બંધ પણ કરી દે છે. લાંબા ગાળે આવા દર્દીઓમાં લોહીના ઊંચા દબાણને કારણે કિડની બગડવાનો ભય રહે છે. લોહીનું ઊંચુ દબાણ લાંબા સમય માટે રેહવા થી ક્રોનિક કિડની ફેલ્યર, હૃદય નો હુમલો અને સ્ટ્રોકની તકલીફ કરી શકે તેવો ભય રહે છે. આથી લોહીનું ઊંચુ દબાણ ધરાવતા દર્દીઓએ લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો અને તેની કિડની પરની અસરના વહેલા નિદાન માટે વર્ષમાં એક વખત પેશાબની અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કરાવવી સલાહભરી છે. કિડનીના રોગોને અટકાવવા માટે બધાજ લોહીના દબાણ વાળા દર્દીઓ એ નિયમિત રીતે બીપી મપાવતા રહેવું, ખોરાક મા મીઠું ઓછું લેવું અને ખોરાક નિયમિત અને સમતોલ લેવો જરૂરી હોય છે. આ ઉપરાંત સારવાર હેતુ લોહીનું દબાણ ૧૩૦/૮૦ મી.મી. કરતા ઓછું જાળવી રાખવું જરૂરી બની જાય છે.

૪. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં જરૂરી કાળજી :

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડનીને નુકસાન થતું અટકાવવા માટે સૌથી મહત્વની સારવાર લોહીના દબાણ પર યોગ્ય કાબુ છે. આ માટે ઉતમ પદ્ધતિ રોજ દિવસમાં ૨-૩ વખત ઘરે બી.પી. માપી નોંધ રાખવી અને આ બી.પી. ના ચાર્ટને ધ્યાનમાં લઇ ડોક્ટર દ્વારા બી.પી.ની દવામાં યોગ્ય ફેરફાર કરવો તે છે. લોહીનું દબાણ હંમેશા ૧૪૦/૮૪થી ઓછુ હોવું ફાયદાકારક છે.

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી, પેશાબનો કે અન્ય ચેપ, શરીરમાં પાણી ઘટી જવું (ડિહાઈડ્રેશન) વગેરેની સમયસરની યોગ્ય સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

૫. વારસાગત રોગ પી.કે.ડી.નું વહેલું નિદાન અને સારવાર :

પોલિસિસ્ટિક કિડની ડીસીઝ (પી.કે.ડી.) એ વારસાગત રોગ છે જે ડાયાલિસિસ કરાવતા ૬-૮% દર્દીઓમાં જોવા મળે છે. આ કારણસર કુટુંબમાં જો કોઈ એક વ્યક્તિને આ રોગ (પી.કે.ડી.) હોય તો, ડોક્ટરની સલાહ મુજબ કુટુંબની અન્ય વ્યક્તિઓમાં આ રોગની તકલીફ તો નથી ને તે નિદાન કરવી લેવું જરૂરી છે. વહેલા નિદાન બાદ ખોરાકમાં પરેજી, લોહીના દબાણ પર કાબુ અને પેશાબના ચેપની તથા અન્ય સારવારની મદદથી કિડની બગડવાની ઝડપ ધીમી પાડી શકાય છે.

૬. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની યોગ્ય સારવાર :

બાળકને વારંવાર તાવ આવતો હોય અને વજન વધતું ન હોય તો તે માટે મૂત્રમાર્ગનો ચેપ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર મહત્વના હોવાનું કારણ અલગ તથા ચિંતાજનક છે. જો મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને સારવાર મોડા થાય તો બાળકની વિકાસ પામી રહેલી કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઇ શકે છે.

આ પ્રકારના નુકસાનને કારણે વર્ષો બાદ ધીમે-ધીમે કિડની બગડી જાય તેવો ભય રહે છે (પુખ્તવયે મૂત્રમાર્ગમાં ચેપને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન સમાન્ય રીતે થતું નથી.) આ ઉપરાંત પેશાબનો ચેપ થતો હોય તેવા નાની ઉમરના બાળકોમાંથી અર્ધા જેટલા બાળકોમાં ચેપ થવાં માટે જ્ન્મજાત ખોડ કે અડચણ જવાબદાર હોય છે. આ પ્રશ્નોમાં સમયસરની યોગ્ય સારવારના અભાવે કિડની બગડવાનો ભય રહે છે. સામાન્ય રીતે ૫૦% બાળકોમાં ચેપ લાગવાનું કારણ વસાઈકો-યુરેટ્રલ રિફલ્સ હોઈ શકે છે.

ટૂંકમાં, બાળકોમાં કિડની બગડતી અટકાવવા માટે મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન તથા સારવાર અને ચેપ થવા માટેના કારણનું નિદાન અને સારવાર ખુબ જ જરૂરી છે.

૭. પુખ્તવયે વારંવાર પેશાબના ચેપની યોગ્ય સારવાર :

કોઈ પણ ઉમરે પેશાબનો ચેપ વારંવાર થતો હોય કે દવાથી કાબુમા આવતો ન હોય તો તે માટેનું કારણ શોધવું જરૂરી છે. આ કારણો(જેમ કે મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી વગેરે) ની સમયસરની યોગ્ય સારવાર કિડનીને સંભવિત નુકસાન થતું અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

૮. પથરી અને બી.પી.એચ.ની યોગ્ય સારવાર :

ઘણી વખત કિડની કે મૂત્રમાર્ગમાં પથરીનું નિદાન થયા બાદ પણ તેને કારણે ખાસ તકલીફ થતી ન હોવાથી દર્દી તેની સારવાર પ્રત્યે બેદરકારી સેવે છે. આ જ રીતે મોટી ઉમરે થતા પ્રોસ્ટેટની તકલીફ બી.પી.એચ. ને કારણે જોવા મળતા ચિહનો પ્રત્યે દર્દી કાળજી દાખવતા નથી. આવા દર્દીઓમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાનો ભય રહેતો હોવાથી ડોક્ટરની વહેલાસર સલાહ લેવી અને તે મુજબ સારવાર લેવી જરૂરી છે.

૯. નાની ઉમરે લોહીના ઊંચા દબાણ માટે તપાસ :

સામાન્ય રીતે ૩૦ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિમાં લોહીનું ઊંચુ દબાણ જોવા મળતું નથી. નાની ઉમરે લોહીના વધારે ઊંચા દબાણનું સૌથી મહત્વનું કારણ કિડનીના રોગ છે, તેથી આવી દરેક વ્યક્તિઓએ કિડનીની તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે.

૧૦. એક્યુટ કિડની ફેલ્યરના કારણોની વહેલાસરની સરવાર :

એકાએક કિડની બગડી જવાના મુખ્ય કારણોમાં ઝાડા, ઊલટી, ઝેરી મેલેરિયા, બહુ રક્તસ્ત્રાવ, લોહીમાં ગંભીર ચેપ, મૂત્રમાર્ગમાં અડચણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પ્રશ્નોની વહેલી, યોગ્ય અને પુરતી સારવાર કિડનીને બગડતી અટકાવી શકે છે.

૧૧. ડોક્ટરની સલાહ મુજબ જ દવાનો ઉપયોગ :

સામાન્ય રીતે લેવામાં આવતી દવાઓમાંની કેટલીક દવાઓ (જેમ કે દુઃખાવાની દવાઓ) લાંબો સમય લેવાથી કિડનીને નુકસાન થવાનો ભય રહે છે. તેથી બિનજરૂરી દવા લેવાનું ટાળવું જોઈએ અને જરૂરી દવાં ડોક્ટરની સલાહ મુજબના ડોઝ અને સમય માટે જ લેવી હિતાવહ છે. માથા અને શરીર મા દુખાવા માટે પોતાની મેળે દવાઓ લેવાની ટાળવી. બધી આર્યુવેદિક દવાઓ સલામત છે તે ખોટી માન્યતા છે. કેટલીક ભારે ધાતુઓ ધરાવતી ભસ્મો કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે.

૧૨. એક જ કિડની ધરાવતી વ્યક્તિઓમાં કાળજી :

એક જ કિડની ધરાવતા વ્યક્તિઓ પણ સામાન્ય જીવન જીવી શકે છે.પરંતુ તેઓને અમુક કાળજી રાખવી હિતાવહ છે. આવી વ્યક્તિઓએ પાણી વધારે લેવું, પેશાબ કે અન્ય ચેપની વહેલી યોગ્ય સારવાર કરાવવી અને નિયમિત રીતે ડોક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.

Free Download
Read Online
Kidney book in Gujarati
Kidney Guide in Gujarati Kidney Website Received
48
Million
Hits
wikipedia
Indian Society of Nephrology
nkf
Kidney India
http://nefros.net
magyar nephrological tarsasag