Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

એક્યુટ કિડની ફેલ્યર

એક્યુટ કિડની ફેલ્યર

એક્યુટ કિડની ફેલ્યર એટલે શું?

સંપૂર્ણપણે કામ કરતી બંને કિડની અમુક કારણસર એકાએક નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે તેને એક્યુટ કિડની ફેલ્યર અથવા એક્યુટ કિડની ઈન્જરી અથવા એક્યુટ રીનલ ફેલ્યર-એ.આર.એફ. કહે છે.

એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણો કયા છે?

એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણો નીચે મુજબ છે :

૧. કિડનીને લોહી ઓછું મળવું, વધુ પડતું લોહી વહી જવું અથવા લોહીના દબાણમાં કોઈ કારણસર એકાએક ઘટાડો થવો.

૨. લોહીમાં ભારે ચેપ (Septicemia) અથવા અમુક જીવલેણ બીમારી અને અમુક મોટા ઓપરેશન પછી.

૩. પથરીને કારણે મૂત્રમાર્ગમાં અવરોધ ઊભો થયો હોય.

૪. આ ઉપરાંત અન્ય કારણોમાં પેશાબનો ગંભીર ચેપ, ખાસ પ્રકારનો કિડનીનો સોજો (Glomerulonephritis). સ્ત્રીઓમાં સૂવાવડ વખતે લોહીનું ઊંચું દબાણકે વધુ પડતું લોહી વહી જવું, ઝેરી (ફેલ્સીફેરમ) મેલેરિયા, કેટલીક દવાની આડઅસર, સર્પદંશ, સ્નાયુને વધુ પડતા નુકસાનથી બનતા ઝેરી પદાર્થોની કિડની પર આડઅસર વગેરેનો સમાવેશ થાય છે.

૫. દવાના કારણે અમુક ખામીવાળા (G6PD Deficiency) રક્તકણો તૂટી ગયા હોય. આવી ખામી પારસી,ભણસાળી અને લોહાણા જ્ઞાતિમાં વધુ જોવા મળે છે.

એક્યુટ કિડની ફેલ્યરના ચિહ્નો :

એક્યુટ કિડની ફેલ્યરમાં કિડનીની કાર્યક્ષમતામાં ટૂંકા સમયમાં ઘટાડો થતા લોહીમાં બિનજરૂરી પદાર્થો અને પ્રવાહીની માત્રામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે અને ક્ષારની માત્રામાં ઝડપથી ફેરફાર થાય છે.

આ રોગમાં સંપૂર્ણ તંદુરસ્ત કિડનીની કાર્યક્ષમતામાં ઝડપથી, ટૂંકા સમય માટે ઘટાડો થાય છે.

ચિહનો

આ પ્રકારના કિડની ફેલ્યરમાં સંપૂર્ણ કામ કરતી કિડની ટૂંકા સમયમાં ઝડપથી બગડી જતા રોગના ચિહ્નો વહેલા અને વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ચિહ્નો જુદા જુદા દર્દીઓમાં અલગ અલગ પ્રકારના તથા વધારે કે ઓછી માત્રામાં હોઈ શકે છે.

૧. જે કારણસર કિડની બગડી હોય તેના ચિહ્નો પણ જોવા મળે છે (ઝેરી (ફેલ્સીફેરમ) મેલેરિયામાં તાવ, ટાઢ લાગવી, વધુ પડતું લોહી વહી જવું)

૨. પેશાબ ઓછો થઈ જાય કે બંધ થઈ જાય. આ રોગના અમુક દર્દીઓમાં પેશાબની માત્રા સામાન્ય હોય છે. શરીરમાં પ્રવાહીનું પ્રમાણવધી જતા મોં, પગ પર સોજા આવવા, વજનમાં વધારો થવો અને શ્વાસ વધવાની ફરિયાદ જોવા મળે છે.

૩. ભૂખ ઓછી લાગે, ઊલટી-ઉબકા થાય, હેડકી આવે, નબળાઈ આવે, ઘેન રહે, યાદશક્તિ ઘટી જાય.

૪. ગંભીર જીવલેણ ચિહ્નો જેમ કે શ્વાસ વધવો, છાતીમાં દુખાવો થવો, તાણ-આંચકી આવવી અથવા બેભાન થવું, લોહીની ઊલટી થવી અને પોટેશિયમના પ્રમાણમાં વધારાને કારણે એકાએક હૃદયનું કામ બંધ થઈ જવું.

૫. એક્યુટ કિડની ફેલ્યરના શરૂઆતના તબક્કામાં કેટલાક દર્દીઓમાં ચિહ્નો જોવા મળતા નથી અને લોહીની તપાસ કરાવતા અચાનક કિડની ઓછું કામ કરે છે તેવું નિદાન થાય છે.

એક્યુટ કિડની ફેલ્યરનું નિદાન :

જ્યારે દર્દીના રોગને કારણે કિડની બગડવાની શક્યતા હોય અને સાથેના ચિહ્નો પણ કિડની ફેલ્યરના હોવાની શંકા ઊભી કરે ત્યારે તરત લોહીની તપાસ કરાવી લેવી જોઈએ. લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું ઊંચું પ્રમાણ કિડની ફેલ્યર સૂચવે છે. આ ઉપરાંત પેશાબની, લોહીની અન્ય તપાસ તથા સોનોગ્રાફી વગેરે તપાસ દ્વારા કિડની ફેલ્યરના કારણ અને કિડની ફેલ્યરની અન્ય આડઅસર વિશે માહિતી મળી શકે છે.

કિડની બગડવાના જવાબદાર કારણો અને કિડની ફેલ્યર બંનેને કારણે દર્દીમાં ચિહ્નો જોવા મળે છે.

સારવાર

એક્યુટ કિડની ફેલ્યર અટકાવવાના ઉપાયો :

ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયા જેવા કિડની ફેલ્યર કરી શકે તેવા રોગોનું વહેલું નિદાન અને સારવાર.

આ રોગની તકલીફ હોય તેવા દર્દીએ

  • પાણી વધારે પીવું.
  • પેશાબ ઓછો થાય તો તરત જ ડૉક્ટરને જાણ કરવી.
  • કિડનીને નુકસાન કરી શકે તેવી દવા ન લેવી.

એક્યુટ કિડની ફેલ્યરમાં કિડની કેટલા સમયમાં ફરી કામ કરતી થઈ જાય છે?

યોગ્ય સારવારથી ફક્ત ૧થી ૪ અઠવાડિયામાં જ મોટા ભાગના દર્દીઓની કિડની ફરીથી સંપૂર્ણપણે રાબેતા મુજબ કામ કરતી થઈ જાય છે. આવા દર્દીઓને સારવાર પૂરી થયા બાદ કોઈ પણ દવા કે ડાયાલિસિસની જરૂર રહેતી નથી. પરંતુ એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં અયોગ્ય સારવાર અથવા સારવાર લેવામાં મોડું કરવું જીવલેણ બની શકે છે.

એક્યુટ કિડની ફેલ્યરની સારવાર :

આ રોગમાં સમયસરની યોગ્ય સારવાર નવું જીવન આપી શકે છે તો બીજી તરફ સારવાર ન મળે તો આવા દર્દી ટૂંકા ગાળામાં મૃત્યુ પણ પામી શકે છે.

એક્યુટ કિડની ફેલ્યરની સારવાર નીચે મુજબ છે :

૧. જવાબદાર રોગની સારવાર

૨. ખોરાકમાં પરેજી.

૩. દવા દ્વારા સારવાર.

૪. ડાયાલિસિસ.

આ રોગમાં બગડી ગયેલી બંને કિડની યોગ્ય સારવાર વડે સંપૂર્ણ રીતે કામ કરતી થઈ જાય છે.

૧. જવાબદાર રોગની સારવાર :

એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડની બગડવા માટે જવાબદાર રોગની સારવાર કરવી અત્યંત મહત્ત્વની છે.

  • કિડની ફેલ્યરના કારણ મુજબ ઝાડા-ઊલટી કે ઝેરી મેલેરિયાને કાબૂમાં લેવા યોગ્ય દવા, રક્તકણો તૂટી ગયા હોય ત્યારે નવું લોહી અને લોહીમાંના ચેપને કાબૂમાં લેવા ખાસ એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે.
  • પથરીને કારણે પેશાબના માર્ગમાં અવરોધ હોય ત્યારે દૂરબીન દ્વારા કે ઓપરેશન દ્વારા જરૂરી સારવાર કરી અવરોધ દૂર કરવામાં આવે છે.
  • આ પ્રકારની યોગ્ય સારવારથી નુકસાન પામેલી કિડનીને વધુ નુકસાન થતું અટકાવી શકાય અને કિડની ફરીથી કામ કરતી થઈ શકે છે.

૨. દવા દ્વારા સારવાર :

દવા દ્વારા સારવારનો હેતુ કિડની વધુ બગડતી અટકાવવી, બગડેલી કિડની સુધારવી અને કિડની બગડવાને કારણે થઈ શકતી તકલીફોને અટકાવવાનો અને સુધારવાનો છે.

  • ચેપની સારવાર
  • કિડનીને નુકસાન કરી શકે તેવી દવાઓ (ખાસ કરીને દર્દશામક દવાઓ-NSAIDs) ન લેવી.
  • પેશાબ વધારવાની દવા : પેશાબ ઓછો થવાને કારણે થતા સોજા, શ્વાસ વગેરે પ્રશ્નને અટકાવવા અને તેની સારવાર માટે આ દવા મદદરૂપ બને છે.
  • ઊલટી-ઍસિડીટીની દવાઓ : કિડની ફેલ્યરને કારણે થતા ઊલટી-ઉબકા અને હેડકીને કાબૂમાં લેવા માટે આ દવાઓ ઉપયોગી થાય છે.
  • અન્ય દવાઓ કે જે શ્વાસ, આંચકી, લોહીની ઊલટી જેવી ગંભીર તકલીફમાં રાહત આપે.
આ રોગમાં યોગ્ય દવા દ્વારા વહેલી સારવારથી ડાયાલિસિસ વગર પણ કિડની સુધરી શકે છે.

અટકાવવાના સૂચનો

૩. ખોરાકમાં પરેજી

  • કિડની કામ ન કરવાથી જે આડઅસર અને તકલીફ થાય છે તેમાં રાહત માટે યોગ્ય પરેજી જરૂરી છે.
  • પેશાબની માત્રાને ધ્યાનમાં લઈ પ્રવાહી ઓછું લેવું કે જેથી સોજા, શ્વાસ જેવી તકલીફ થતી અટકાવી શકાય.
  • પોટેશિયમ ન વધે તે માટે ફળોના રસ, નારિયેળ પાણી, સૂકામેવા વગેરે ન લેવા. પોટેશિયમ વધે તો તે કોઈ વાર હૃદય પર જીવલેણ આડઅસર કરી શકે છે.
  • મીઠું (નમક-Salt) ઘટાડવાથી સોજા, શ્વાસ, વધારે તરસ, લોહીના દબાણમાં વધારો જેવા પ્રશ્નો કાબૂમાં લઈ શકાય છે.

૪. ડાયાલિસિસ :

એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં જ્યાં સુધી કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હોય ત્યાં સુધી જરૂર મુજબ ડાયાલિસિસ કરવું જરૂરી છે. દર્દીની કિડની અને પેશાબની માત્રામાં સુધારો થવા લાગે અને કિડની ફેલ્યરના કારણે થતી તકલીફો અને જોખમોમાં ઘટાડો થાય ત્યારે ડાયાલિસિસની જરૂરિયાતમાં ઘટાડો થતો જાય છે. અને કિડનીમાં સુધારા સાથે થોડા સમય બાદ ડાયાલિસિસની જરૂર રહેતી નથી.

ડાયાલિસિસ એટલે શું?

કિડની કામ ન કરવાને કારણે શરીરમાં ભેગા થતાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થોઅને વધારાના પ્રવાહી, ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધીકરણની પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. બંને કિડની સંપૂર્ણ બગડી ગઈ હોય ત્યારે આશીર્વાદરૂપ ડાયાલિસિસની મદદથી દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે.

ડાયાલિસિસના બે પ્રકાર છે. - પેરિટોનીઅલ અને હિમોડાયલિસિસ. ડાયાલિસિસ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા પ્રકરણનં.૧૩માં કરવામાં આવી છે.

આ રોગમાં ડાયાલિસિસનો વિલંબ જીવલેણ અને સમયસરનું ડાયાલિસિસ જીવનદાન આપી શકે છે.

એકયુટ કિડની ફેલ્યરમાં ડાયાલિસિસની જરૂરિયાત ક્યારે પડે છે?

એક્યુટ કિડની ફેલ્યરના બધા દર્દીઓની સારવાર દવા તથા પરેજી દ્વારા કરવામાં આવે છે. પરંતુ જ્યારે કિડનીને વધુ નુકસાન થયું હોય ત્યારે આ બધી જ સારવાર કરવા છતાં રોગના ચિહ્નો વધતા જાય છે જે જીવલેણ પણ બની શકે છે. શરીરમાં સોજા ખૂબ જ વધી જવા, શ્વાસ ચડવો, ઊલટી-ઉબકા થવા, લોહીમાં પોટેશિયમની માત્રામાં જોખમી વધારો થવો વગેરે સંજોગોમાં સામાન્ય રીતે ડાયાલિસિસ કરવું જરૂરી બને છે. આવા દર્દીઓમાં સમયસર ડાયાલિસિસની સારવાર નવું જીવન બક્ષી શકે છે.

એક્યુટ કિડની ફેલ્યરમાં ડાયાલિસિસ કેટલી વખત કરાવવું પડે?

  • જ્યાં સુધી દર્દીની પોતાની કિડની ફરીથી કામ કરતી ન થાય ત્યાં સુધી ડાયાલિસિસ-કૃત્રિમ કિડની તરીકે કામ કરી દર્દીની તબિયત સારી થવામાં મદદ કરે છે.
  • કિડની સુધારવામાં ૧થી ૪ અઠવાડિયાનો સમય લાગે છે. તે દરમિયાન સામાન્ય રીતે અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે.
  • એકવાર ડાયાલિસિસ કરાવવાથી વારંવાર કે હમેશા ડાયાલિસિસ કરાવવું પડે છે, તેવી ખોટી માન્યતા ઘણા લોકોમાં હોય છે. આ બીકને કારણે ઘણા દર્દીઓ સારવારમાં મોડા પડતા હોય છે. કેટલીકવાર એવું બને છે કે રોગની ગંભીરતા વધી ગઈ હોય તો ડૉક્ટર કોઈ પણ સારવાર કરી શકે તે પહેલાં જ દર્દી મૃત્યુ પામે છે.

એક્યુટ કિડની ફેલ્યર થતા અટકાવવાના સૂચનો :

  • જે કારણોસર કિડની બગડવાની શક્યતા રહે છે તેની વહેલી અને યોગ્ય સારવાર કરવી અને આવી તકલીફ હોય ત્યારે લોહીની ક્રીએટીનીનની તપાસ કરાવવી.
  • બીપી ઘટતું અટકાવવું અને બીપી ઓછું થાય ત્યારે તે વધે તે માટે ઝડપથી પગલાં લેવા.
  • કિડનીને નુકસાન કરે તેવી દવાઓ ન લેવી.
  • કોઈ પણ ચેપની યોગ્ય સારવાર વહેલાસર કરવી.
આ રોગમાં ડાયાલિસિસની જરૂરિયાત થોડા દિવસ માટે જ પડે છે.