Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

ક્રોનિક કિડની ફેલ્યર અને તેના કારણો

કિડનીના રોગોમાં ક્રોનિક કિડની ફેલ્યર અત્યંત ગંભીર રોગ છે, કારણકે હાલના તબક્કે તબીબી વિજ્ઞાન પાસે આ રોગ મટાડવાની કોઈ દવા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી આ રોગના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસ, લોહીનું દબાણ, ધૂમ્રપાન, કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો પથરી વગેરે રોગોનું વધતું જતું પ્રમાણઆ માટે મહદ્અંશે જવાબદાર છે.

ક્રોનિક કિડની ફેલ્યર શું છે?

આ પ્રકારના કિડની ફેલ્યરમાં કિડની બગડવાની પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે કે જે મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. લાંબા સમય બાદ મોટા ભાગના દર્દીઓમાં બંને કિડની સંકોચાઈને સાવનાની થઈ કાયમ માટે કામ કરતી બંધ થઈ જાય છે કે જે કોઈ પણ દવા, ઓપરેશન કે ડાયાલિસિસ દ્વારા ફરી સુધરી શકતી નથી.

ક્રોનિક કિડની ફેલ્યરની શરૂઆતના તબક્કાની સારવાર યોગ્ય દવા અને પરેજી દ્વારા કરવામાં આવે છે. સી.કે.ડી.ના મોટા ભાગના દર્દીઓમાં કિડનીની કાર્યક્ષમતામાં હળવો કે મધ્યમ ઘટાડો જોવા મળે છે. પરંતુ બંને કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ નથી હોતી.

એન્ડ સ્ટેજ કિડની (રીનલ) ડિસીઝ (ESKD or ESRD) એટલે શું?

ક્રોનિક કિડની ફેલ્યરમાં સમય સાથે બંને કિડની ધીમેધીમે વધુ ને વધુ બગડતી જાય છે. જે તબક્કે બંને કિડની મહદ્અંશે (૯૦% કરતાં વધારે) અથવા સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ જાય તેને એન્ડ સ્ટેજ રીનલ ડિસીઝ કે સંપૂર્ણ કિડની ફેલ્યર કહેવાય છે.

આ તબક્કે યોગ્ય દવા અને પરેજી છતાં દર્દીની તબિયત ધીમેધીમે બગડતી જાય છે અને દર્દીને બચાવવા માટે હંમેશ માટે નિયમિત રીતે ડાયાલિસિસ કરાવવાની કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવાની જરૂર પડે છે.

ક્રોનિક કિડની ફેલ્યરમાં કિડની ધીમેધીમે, ફરીથી સુધરી ના શકે તે રીતે નુકસાન પામે છે.

ક્રોનિક કિડની ફેલ્યરના મુખ્ય કારણો કયા છે?

કોઈ પણ ઉપાયથી ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડવા માટે ૭૦% દર્દીઓમાં ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ કારણરૂપ છે. સી.કે.ડી.ના અગત્યના કારણો નીચે મુજબ છે :

૧. ડાયાબિટીસ : તમને એ જાણીને નવાઈ તથા દુ:ખ થશે કે ક્રોનિક કિડની ફેલ્યરના ૩૦થી ૪૦ ટકા દર્દીઓ એટલે કે દર ત્રણ દર્દીએ એક દર્દીમાં ડાયાબિટીસને લીધે કિડની બગડે છે. ડાયાબિટીસ ક્રોનિક કિડની ફેલ્યરનું સૌથી અગત્યનું તથા ગંભીર કારણ હોઈ, ડાયાબિટીસના તમામ દર્દીઓમાં સૌથી પહેલાં આ રોગ પર યોગ્ય કાબૂ રાખવો અત્યંત જરૂરી છે.

૨. લોહીનું ઊંચું દબાણ : લાંબા સમય માટે વધારે રહેતું લોહીનું દબાણ ક્રોનિક કિડની ફેલ્યર કરી શકે છે.

૩. ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઈટીસ : આ પ્રકારના કિડનીના રોગમાં મોં-પગ પર સોજા અને લોહીનું ઊંચું દબાણ જોવા મળે છે અને બંને કિડની ધીમેધીમે કામ કરતી બંધ થઈ જાય છે.

૪. વારસાગત રોગો (પોલિસિસ્ટક કિડની ડિસીઝ અને આલ્પ્રોટ સિન્ડ્રોમ).

૫. પથરીની બીમારી : કિડની તથા મૂત્રમાર્ગમાં બંને તરફ અવરોધ અને તેની સમયસરની યોગ્ય સારવાર લેવામાં દાખવેલી બેદરકારી.

૬. લાંબા સમય માટે લેવામાં આવેલી કેટલીક દવાઓ (જેવી કે દર્દશામક દવાઓ, ભસ્મ વગેરે)ની કિડની પર આડઅસર.

૭. બાળકોમાં થતો વારંવાર કિડની અને મૂત્રમાર્ગનો ચેપ.

૮. બાળકોમાં જન્મજાત મૂત્રમાર્ગની ખામીઓ (Vesico Ureteric Reflux, Posterior Urethral Valve) વગેરે.

ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ ક્રોનિક કિડની ફેલ્યરના સૌથી મહત્ત્વના કારણો છે.