Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

વારસાગત અને પોલિસિસ્ટિક કિડની ડીસીઝ

વારસાગત કિડનીના રોગોમાં પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (પી.કે.ડી.) સૌથી વધુ જોવા મળતો રોગ છે. આ રોગમાં મુખ્ય અસર કિડની પર થાય છે અને બંને કિડનીમાં સિસ્ટ (પ્રવાહી ભરેલા પરપોટા) જોવા મળે છે. ક્રોનિક કિડની ફેલ્યરના અગત્યના કારણોમાં એક કારણ પી.કે.ડી. પણ છે. કિડની ઉપરાંત કેટલાક દર્દીઓમાં સિસ્ટ લીવર, બરોળ, આંતરડા અને મગજની નળી પર પણ જોવા મળે છે.

pkd

પી.કે.ડી. રોગનું પ્રમાણ :

પી.કે.ડી.નું પ્રમાણ સ્ત્રી-પુરુષ અને અલગ અલગ જાતિ અને દેશના લોકોમાં એકસમાન જોવા મળે છે. આશરે ૧૦૦૦ વ્યક્તિઓમાં એક વ્યક્તિમાં આ રોગ જોવા મળે છે. અંદાજિત ૫% ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓ, કે જેમાં ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે તેનું કારણ પી.કે.ડી. હોય છે.

પી.કે.ડી. રોગ કોને થઈ શકે છે?

પુખ્તવયે જોવા મળતો પી.કે.ડી. રોગ ઓટોઝોમલ ડોમિનન્ટ પ્રકારનો વારસાગત રોગ છે, જેમાં દર્દીના ૫૦% એટલે કે કુલ સંતાનોમાંથી અર્ધા સંતાનોને આ રોગ થવાની શક્યતા રહે છે.

પી.કે.ડી. રોગનું પ્રમાણ કેમ ઘટાડી શકાતું નથી?

સામાન્ય રીતે પી.કે.ડી. રોગનું નિદાન થાય ત્યારે દર્દીની ઉંમર ૩૫થી ૫૫ વર્ષની આસપાસ હોય છે. મોટાભાગના પી.કે.ડી.ના દર્દીઓમાં આ ઉંમર પહેલાં જ બાળકો થઈ ગયા હોવાથી કમનસીબે આવનારી ભવિષ્યની પેઢીમાં આ રોગ થતો અટકાવી શકાતો નથી.

પી.કે.ડી. રોગની કિડની પર શું અસર થાય છે?

  • પી.કે.ડી. રોગમાં બંને કિડનીમાં ફુગ્ગા કે પરપોટા સાથે સરખાવી શકાય તેવા અસંખ્ય સિસ્ટ હોય છે.
  • આવા વિવિધ કદના સિસ્ટમાં નાના સિસ્ટ નરી આંખે જોઈ ન શકાય તેટલા નાના હોય છે અને મોટા સિસ્ટનું કદ ૧૦ સે.મી. કરતાં વધારે વ્યાસનું પણ હોઈ શકે છે.
  • સમય સાથે આવા નાના-મોટા સિસ્ટનું કદ વધતું જાય છે, જેને કારણે કિડનીના કદમાં વધારો થાય છે.
  • આ વધતા જતા સિસ્ટના કદને કારણે કિડનીના કાર્યકરી રહેલા ભાગો પર દબાણ આવે છે, જેને લીધે લોહીના દબાણમાં વધારો અને કિડનીની કાર્યક્ષમતામાં ક્રમશ: ઘટાડો જોવા મળે છે.
  • વર્ષો બાદ ઘણા દર્દીઓની બંને કિડની સાવ બગડી જાય છે.
કિડનીના વારસાગત રોગમાં આ રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે.

ચિહ્નો

પી.કે.ડી.ના ચિહ્નો કયા છે?

સામાન્ય રીતે ૩૦-૪૦ વર્ષની ઉંમર સુધી મોટા ભાગના દર્દીઓમાં કોઈ ચિહ્નો દેખાતા નથી. ત્યારબાદ જોવા મળતા ચિહ્નો નીચે મુજબ છે :

  • લોહીના દબાણમાં વધારો થાય.
  • પેટમાં દુખાવો થવો, પેટમાં ગાંઠ હોવી, પેટ મોટું થાય.
  • પેશાબમાં લોહી જાય.
  • પેશાબમાં વારંવાર ચેપ થાય, પથરી થાય.
  • રોગ વધવા સાથે ક્રોનિક કિડની ફેલ્યરના ચિહ્નો જોવા મળે છે.
  • કિડનીનું કૅન્સર થવાની થોડી વધારે શક્યતા.
  • શરીરના અન્ય ભાગ જેમ કે લીવર, આંતરડા કે મગજમાં સિસ્ટ હોવાના ચિહ્નો.
  • પી.કે.ડી.ના દર્દીઓમાં બ્રેઈન, એન્યુરીઝ્મ સારણગાંઠ, લીવરમાં સિસ્ટનું ઈન્ફેકશન અને હૃદયમાં વાલ્વની તકલીફ જેવી ચિંતાજનક તકલીફો પણ થઈ શકે છે.

આશરે ૧૦% જેટલા પી.કે.ડી.ના દર્દીઓમાં બ્રેઈન એન્યુરીઝ્મ થાય છે, જેમાં મગજની લોહીની નળીઓ નબળી પડી જતા ફુલી જાય છે. બ્રેઈન એન્યુરીઝ્મમાં માથાનો દુખાવો રહે છે, અને લોહીની નબળી પડી ફુલી ગયેલી નળીઓ તૂટવાનું જોખમ રહે છે જેને કારણે પક્ષાઘાત (Stroke) અને મૃત્યુ પણ થઈ શકે છે.

શું પી.કે.ડી. નિદાન થાય તે બધા જ વ્યક્તિઓમાં કિડની ફેલ્યર થાય છે?

ના, પી.કે.ડી.નું નિદાન થાય તે બધા દર્દીઓમાં કિડની બગડતી નથી. પી.કે.ડી.ના દર્દીઓમાં કિડની ફેલ્યરનું પ્રમાણ ૬૦ વર્ષની ઉંમરે ૫૦% અને ૭૦ વર્ષની ઉંમરે ૬૦% જોવા મળે છે. પી.કે.ડી.માં સી.કે.ડી. થવાની વધુ શક્યતા સૂચવતા કારણો નાની ઉંમરે શરૂઆત, પુરુષોમાં રોગ થવો, લોહીનું દબાણ વધારે હોવું, પેશાબમાં પ્રોટીન વધારે જવું અને બન્ને કિડનીનું કદ વધારે હોવું વગેરે છે.

૪૦ વર્ષની ઉંમરે જોવા મળતા આ રોગમાં દર્દીઓ સારણગાંઠ અને પેશાબમાં લોહી આવવાની ફરિયાદ માટે ડૉક્ટરને મળે છે.

નિદાન

પી.કે.ડી.નું નિદાન કઈ રીતે થાય છે?

૧. કિડનીની સોનોગ્રાફી : સોનોગ્રાફીની મદદથી પી.કે.ડી.નું નિદાન સરળ રીતે, ઓછા ખર્ચે અને ચોક્કસપણે કરી શકાય છે.

૨. સીટીસ્કેન : પી.કે.ડી.ના રોગમાં જો સિસ્ટનું કદ ખૂબ જ નાનું હોય તો સોનોગ્રાફીની તપાસમાં કોઈ તકલીફ જણાતી નથી. આ તબક્કે પી.કે.ડી.નું વહેલું નિદાન સીટીસ્કેન દ્વારા થઈ શકે છે.

૩. કૌટુંબિક માહિતી : જો કુટુંબમાં કોઈ એક વ્યક્તિનું પી.કે.ડી.નું નિદાન થાય તો કુટુંબના અન્ય સભ્યોમાં પણ પી.કે.ડી. હોવાની શક્યતા રહે છે.

૪. કિડની પરની અસર જાણવા માટે તપાસ : પેશાબની તપાસ : પેશાબના ચેપ અને લોહીની હાજરી જાણવા માટે.

૫. આકસ્મિક નિદાન : સામાન્ય હેલ્થ ચેકઅપ દરમિયાન કે બીજા કોઈ કારણોસર સોનોગ્રાફી કરતા આકસ્મિક રીતે પી.કે.ડી.નું નિદાન થવું.

૬. લોહીની તપાસ : લોહીમાં યુરિયા, ક્રીએટીનીનનું પ્રમાણ કિડનીની કાર્યક્ષમતા વિશેની માહિતી માટે જરૂરી છે.

૭. જિનેટીક્સની તપાસ : શરીરનું બંધારણ, જીન એટલે કે રંગસૂત્રો નક્કી કરે છે. અમુક રંગસૂત્રોની ખામીને કારણે પી.કે.ડી. રોગ થાય છે. ભવિષ્યમાં આ રંગસૂત્રોની હાજરીનું નિદાન ખાસ તપાસ દ્વારા થઈ શકશે, તેથી નાની ઉંમરની વ્યક્તિમાં પણભવિષ્યમાં પી.કે.ડી. રોગ જોવા મળશે કે નહિ તેનું સચોટ નિદાન થઈ શકશે.

પી.કે.ડી.ને કારણે થતા કિડની ફેલ્યરના પ્રશ્નો કઈ રીતે ઘટાડી શકાય?

  • પી.કે.ડી. વારસાગત રોગ છે, જેને કાયમ માટે મટાડવા કે અટકાવવાની કોઈ સારવાર હાલમાં ઉપલબ્ધ નથી.
  • જો કુટુંબની કોઈ એક વ્યક્તિમાં પી.કે.ડી.નું નિદાન થાય તો આ રોગ વારસાગત હોવાને કારણે, ડૉક્ટરની સલાહ મુજબ અન્ય સભ્યોમાં સોનોગ્રાફી કરી આ રોગ છે કે નહિ તેની તપાસ કરી લેવી આવશ્યક છે.
  • વહેલા નિદાન સાથે એક મોટો ગેરફાયદો એ છે કે કોઈ પણ ચિહ્નો ન હોય કે સારવારની જરૂર ન હોય તે તબક્કાએ પણ દર્દી આ રોગને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે.
પી.કે.ડી. વારસાગત રોગ હોઈ કુટુંબના અન્ય સભ્યોની કિડનીની તપાસ કરાવવી જરૂરી છે.

સારવાર

પી.કે.ડી.ની સારવાર :

પી.કે.ડી. રોગ મટી શકે તેમ નથી છતાં શું આ રોગની સારવાર જરૂરી છે? શા માટે?

હા, સારવારથી રોગ મટતો નથી તેમ છતાં યોગ્ય સારવાર જરૂરી છે. વહેલાસરની યોગ્ય સારવારથી કિડનીને થતું નુકસાન અટકાવવામાં અને કિડની બગડવાની ઝડપ ઘટાડવામાં મદદ ચોક્કસ મળે છે.

મુખ્ય સારવાર :

નિદાન પછી શરૂઆતના વર્ષોમાં પી.કે.ડી.ના દર્દીઓને કોઈ ચિહ્નો જોવા મળતા નથી જેથી સારવારની પણ જરૂરત હોતી નથી. પરંતુ આવા દર્દીઓનું અમુક સમયાંતરે જરૂરી તપાસ અને નિયમિત ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી હોય છે.

  • લોહીના દબાણનો યોગ્ય કાબૂ કિડનીને થતું નુકસાન અટકાવવામાં અને કિડની બગડવાની ઝડપ ઘટાડવામાં મદદ કરે છે.
  • મૂત્રમાર્ગનો ચેપ અને પથરીની તરત અને યોગ્ય સારવાર.
  • સોજા ન હોય તે દર્દીઓએ વધારે પાણી પીવું, જે પેશાબના ચેપ, પથરી અને લાલ પેશાબ વગેરે પ્રશ્નો ઘટાડવામાં મદદરૂપ થાય છે.
  • પેટમાં દુખાવો થાય ત્યારે કિડનીને નુકસાન ન કરે તે પ્રકારની દવા દ્વારા સારવાર. જેમ કે એસ્પિરિન, એસીટોમીનોફેન વગેરે. પી.કે.ડી.ના દર્દીઓમાં વારંવાર પેટનો દુખાવો સિસ્ટ વધવાને કારણે જોવા મળે છે.
પી.કે.ડી. રોગનું જેટલું વહેલું નિદાન તેટલો વધુ સારવારનો ફાયદો.

  • કિડની બગડે ત્યારે આ પુસ્તકમાં ‘કિડની ફેલ્યરની સારવાર’, એ વિભાગમાં કરવામાં આવેલ ચર્ચા અનુસાર પરેજી પાળવી અને સારવાર લેવી અત્યંત આવશ્યક છે.
  • પેટનો દુખાવો, ચેપ લાગવો અથવા પેશાબમાં અવરોધ થતા ખૂબ જ ઓછા દર્દીઓમાં સિસ્ટની સર્જરી અથવા રેડિયોલૉજિક્લ ડ્રેનેજ કરવાની સલાહ આપવામાં આવે છે.
પી.કે.ડી.ના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?

નીચે મુજબની તકલીફો થાય ત્યારે પી.કે.ડી.ના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો.

  • તાવ, અચાનક પેટનો દુખાવો કે લાલ પેશાબ આવે.
  • વારંવાર માથાનો દુખાવો થાય જે અસહ્ય હોય.
  • મોટા કદની કિડનીને અકસ્માતથી ઈજા થવી.
  • છાતીમાં દુખાવો, ભૂખ ન લાગવી, ખૂબ જ ઊલટીઓ થવી, ખૂબ જ નબળાઈ લાગવી, યાદશક્તિમાં ફેરફાર થવો, બેભાન થવું કે આંચકી આવવી.
સારવારનો હેતુ કિડની વધુ બગડતી અટકાવવી અને મૂત્રમાર્ગનો ચેપ, પથરી અને પેટમાં દુખાવાની સારવાર છે.