Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

કિડનીના રોગો વિશે ખોટી માન્યતાઓ અને હકીકત

ખોટી માન્યતા : કિડનીના બધા રોગો ગંભીર હોય છે.

હકીકત : ના, કિડનીના બધા રોગો ગંભીર હોતા નથી. વહેલા નિદાન અને યોગ્ય સારવાર બાદ કિડનીના ઘણા રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે. ઘણા દર્દીમાં યોગ્ય સારવારથી કિડની વધુ બગડતી અટકે છે અથવા કિડની બગડવાની ઝડપ ઘટી જાય છે.

ખોટી માન્યતા : કિડની ફેલ્યરમાં એક કિડની બગડે છે કે બંને?

હકીકત : બંને. સામાન્ય રીતે કોઈ દર્દીની એક કિડની સાવ બગડી જાય તોપણ દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની અને યુરિયાની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે બન્ને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી, જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યરનું નિદાન થાય છે.

ખોટી માન્યતા : કિડનીના કોઈ પણ રોગમાં સોજા આવવા તે કિડની ફેલ્યર સૂચવે છે.

હકીકત : ના. કિડનીના કેટલાક રોગોમાં કિડનીની કાર્યક્ષમતા સંપૂર્ણ રીતે સામાન્ય હોવા છતાં દર્દીઓમાં સોજા જોવા મળે છે, જેમ કે, નેફ્રોટિક સિન્ડ્રોમ.

ખોટી માન્યતા : કિડની ફેલ્યરના બધા જ દર્દીઓમાં સોજા જોવા મળે છે.

હકીકત : ના, કેટલાક દર્દીઓની બંને કિડની બગડી ગયેલી હોય અને દર્દી ડાયાલિસિસ કરાવતા હોય તેમ છતાં સોજા ન હોય તેવું શક્ય છે. ટૂંકમાં, કિડની ફેલ્યરના મોટા ભાગના દર્દીઓમાં સોજા જોવા મળે છે પરંતુ બધા જ દર્દીઓમાં નહીં.

ખોટી માન્યતા : કિડનીના દર્દીઓએ વધુ માત્રામાં પાણી લેવું જોઈએ.

હકીકત : ના, પેશાબનું પ્રમાણ ઘટવાથી સોજા ચડવા તે કિડનીના ઘણા રોગોનું મુખ્ય ચિહ્ન છે. આવા દર્દીઓને પાણી એકંદરે ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે પેશાબમાં રસી અથવા પથરીની તકલીફવાળા દર્દીઓમાં કિડની સામાન્ય કાર્ય કરતી હોય ત્યારે વધુ પાણી લેવાની સલાહ આપવામાં આવે છે.

ખોટી માન્યતા : મારી તબિયત સારી છે, એટલે મને કિડનીનો રોગ ન જ હોય.

હકીકત : ક્રોનિક કિડની ફેલ્યર રોગમાં શરૂઆતના તબક્કે સામાન્ય રીતે મોટા ભાગના દર્દીઓમાં કોઈ ફરિયાદ હોતી નથી. આ તબક્કે લોહીની તપાસમાં ક્રીએટીનીનની માત્રામાં વધારો હોવો તે આ રોગનું એકમાત્ર ચિહ્ન હોઈ શકે છે.

ખોટી માન્યતા : હવે મારી કિડની સારી છે. મારે દવા લેવાની જરૂર નથી.

હકીકત : કિડની ફેલ્યરના કેટલાક દર્દીઓમાં દવાથી તબિયતમાં સુધારો થવાને કારણે દર્દીઓ પોતાની મેળે જ દવા બંધ કરી દે છે, જે અત્યંત જોખમી બની શકે છે. દવા અને પરેજીના અભાવે કિડની ઝડપથી બગડે અને ટૂંકા ગાળામાં જ ડાયાલિસિસની જરૂર પડે તે તબક્કો આવી જાય તેવો ભય રહે છે.

ખોટી માન્યતા : લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ થોડું વધારે હોય પણ તબિયત સારી હોય તે માટે ચિંતા કે ખાસ સારવારની જરૂર નથી.

હકીકત : લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ થોડું પણ વધવું તે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે તે સૂચવે છે અને તે માટે ખાસ કાળજી જરૂરી છે. વિવિધ રોગોને કારણે કિડની પર અસર થાય ત્યારે વહેલાસર કિડની નિષ્ણાત (નેફ્રોલોજિસ્ટ)ને બતાવવું ફાયદાકારક છે.

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં ક્રીએટીનીનના પ્રમાણમાં થોડો વધારો ત્યારે જ જોવા મળે છે કે જ્યારે બન્ને કિડનીની કાર્યક્ષમતામાં ૫૦% કરતાં વધુ ઘટાડો થાય. જ્યારે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ૧.૬ મિ.ગ્રા.% કરતાં વધારે હોય ત્યારે બંને કિડની ૫૦% કરતાં વધુ બગડી છે તેમ કહી શકાય. આ તબક્કો યોગ્યકાળજી, દવા અને પરેજી દ્વારા આપવામાં આવતી સારવારથી મળતા ફાયદા માટે ઉત્તમ ગણાય. આ તબક્કે નેફ્રોલોજિસ્ટ દ્વારા આપવામાં આવતી સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવી રાખવા ખૂબ જ મદદરૂપ બની શકે છે.

સામાન્ય રીતે જ્યારે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ૫.૦ મિ.ગ્રા.% થાય ત્યારે બંને કિડની આશરે ૮૦% જેટલી ફેલ થઈ ગઈ છે તેમ કહી શકાય. આ તબક્કે કિડનીને નોંધપાત્ર નુકસાન થઈ ગયું હોય છે. આ તબક્કે યોગ્ય સારવારથી ફાયદો જરૂર થાય છે, પરંતુ સર્વોત્તમ ફાયદો મેળવવા માટે આપણે મોડા પડ્યા છીએ એ ખ્યાલમાં રાખવું જોઈએ.

જ્યારે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ૮.૦થી ૧૦.૦ મિ.ગ્રા.% કરતાં વધે ત્યારે બન્ને કિડનીને ઘણું જ વધારે નુકસાન થઈ ગયું હોય છે. આ તબક્કે દવા પરેજી દ્વારા સારવારથી ફાયદો મેળવવાની યોગ્ય તક આપણે લગભગ ગુમાવી દીધી છે તેમ કહી શકાય. મોટા ભાગના દર્દીઓને આ તબક્કે ડાયાલિસિસની જરૂર પડે છે.

ખોટી માન્યતા : એક વખત ડાયાલિસિસ કરાવવાથી વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે.

હકીકત : ના, એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં થોડા ડાયાલિસિસ બાદ કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઈ જાય છે અને ફરી ડાયાલિસિસ કરાવવાની જરૂર રહેતી નથી. આવા દર્દીઓ ખોટી માન્યતાને કારણે ડાયાલિસિસ કરાવવામાં વિલંબ થાય તો દર્દી મૃત્યુ પામે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

હા, ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં નિયમિત ડાયાલિસિસ તબિયત સારી જાળવવા માટે અનિવાર્ય છે. સી.કે.ડી. રોગમાં કિડનીની કાર્યક્ષમતામાં ક્રમશઃ બગાડો થતો રહે છે અને તે ન સુધરી શકે તે પ્રકારનો રોગ છે.

ટૂંકમાં, કેટલી વખત ડાયાલિસિસ કરાવવાની જરૂર છે તે કિડની ફેલ્યરના પ્રકાર પર આધરિત છે.

ખોટી માન્યતા : ડાયાલિસિસથી કિડની ફેલ્યર મટી જાય છે.

હકીકત : ના, ડાયાલિસિસથી કિડની ફેલ્યર મટી નથી જતું. લોહીમાંના બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો દૂર કરવા, વધારાનું પાણી કાઢવું, પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવવું, વધઘટ થયેલા ક્ષારોનું પ્રમાણ યોગ્ય જાળવવું અને એકઠા થયેલા ઍસિડના વધારે પ્રમાણને ઘટાડી યોગ્ય પ્રમાણ જાળવવું એ ડાયાલિસિસના મુખ્ય કાર્યો છે. નિયમિત ડાયાલિસિસ બંને કિડની સંપૂર્ણ બગડી ગઈ હોય તેવા દર્દીઓને સ્વસ્થ તબિયત રાખવા માટે આવશ્યક છે.

ખોટી માન્યતા : કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને કિડની આપી ન શકે.

હકીકત : ના. સરખી રચનાને કારણે પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે.

ખોટી માન્યતા : કિડની આપવાથી તબિયત અને જાતીય સંબંધ પર વિપરીત અસર થાય છે.

હકીકત : ના. એક કિડની વડે સંપૂર્ણ સામાન્ય જીવન, કાર્યો અને જાતીય સંબંધ શક્ય છે.

ખોટી માન્યતા : કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની વેચાતી મળે છે.

હકીકત : ના કિડની ખરીદવી અને વેચવી બંને કાનૂની ગુનો છે. વળી, ખરીદેલી કિડની દ્વારા કરેલા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં નિષ્ફળતાનું જોખમ પણ વધારે રહે છે.

ખોટી માન્યતા : કિડની ફક્ત પુરુષોમાં જ હોય છે, જે બંને પગ વચ્ચેની કોથળીમાં આવેલ છે.

હકીકત : ના. પુરુષ અને સ્ત્રીબંનેમાં એકસમાન રચના અને કદ ધરાવતી કિડની, પેટના પાછળના અને ઉપરના ભાગમાં કરોડરજ્જુની બન્ને બાજુએ આવેલ હોય છે. પુરુષોમાં પગ વચ્ચે કોથળીમાં આવેલ ગોળી આકારનું અંગ તે પ્રજનન માટે અગત્યનું અંગ ટેસ્ટીઝ (વૃષણ) છે.

ખોટી માન્યતા : મારું લોહીનું દબાણ સામાન્ય છે, તેથી હવે મારે દવા લેવાની જરૂર નથી. મને કોઈ તકલીફ નથી તો મારે શા માટે દવા લેવી?

હકીકત : લોહીનું ઊંચું દબાણ ધરાવતા દર્દીઓમાં દવાથી લોહીનું દબાણ કાબૂમાં આવ્યા બાદ, તેનાથી સંતોષ પામી કેટલાક દર્દીઓ બ્લડપ્રેશરની દવા બંધ કરી દે છે. ઘણા દર્દીઓને લોહીનું ઊંચું દબાણ હોવા છતાં કોઈ પણ દેખીતી તકલીફ જણાતી નથી, તેથી તેઓ દવા લેવા માટે તૈયાર હોતા નથી. પરંતુ લોહીના ઊંચા દબાણને કારણે લાંબે ગાળે કિડની, હૃદય, મગજ વગેરે પર ગંભીર અસર થઈ શકે છે. આથી કોઈ પણ તકલીફ ન હોય તેમ છતાં આ આડઅસરોને અટકાવવા કાયમી દવા લેવી અત્યંત જરૂરી છે.