Read Online in Gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

કિડની બગડતી અટકાવવાના ઉપાયો

સામાન્ય વ્યક્તિ માટે સૂચનો

કિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્યની બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લા તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫-૧૦% દર્દીઓને જ આ સારવાર પર વડે છે. જ્યાં બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઇચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સી.કે.ડી.માં કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કાને દૂર ઠેલી શકાય છે.

આ કારણસર “Prevention is better than cure” કહેવતને અનુસરવું ખૂબ જ જરૂરી છે.

કિડની બગડતી અટકાવવાના સૂચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂરી છે, જેની ચર્ચાના મુખ્ય બે ભાગ છે :

  • સામાન્ય વ્યક્તિ માટે સૂચનો
  • રોગની હાજરીમાં જરૂરી કાળજી

સામાન્ય વ્યક્તિ માટે સૂચનો

કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો :

૧. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું :
નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

૨. પૌષ્ટિક ખોરાક લેવો :
ખોરાકમાં નમક(મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉંમર બાદ ખોરાકમાં નમક(મીઠું)નું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.

૩. યોગ્ય વજન જાળવવું :
સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.

૪. પાણી વધારે પીવું :
તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લિટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લિટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.

૫. ધૂમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો :
ધૂમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાઈ જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોંચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.

૬. દુખાવાની દવાઓથી દૂર રહો :
ઘણા લોકો સાંધા કે શરીરના દુખાવા માટે ડૉક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે.

૭. રૂટિન હેલ્થ ચેકઅપ :
૪૦ વર્ષ પછી કોઈ પણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે વહેલાસર થઈ શકે છે. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિએ દર એક કે બે વર્ષે ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. આ પ્રકારના રોગની વહેલાસર યોગ્ય સારવારથી કિડનીને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે.

રોગની હાજરીમાં જરૂરી કાળજી

રોગની હાજરીમાં જરૂરી કાળજી

૧. કિડનીના રોગ વિશે સજાગતા અને વહેલું નિદાન :
મોં-પગ પર સોજા, ખોરાકમાં અરુચિ, ઊલટી-ઊબકા, લોહીમાં ફિક્કાશ, લાંબા સમયથી નબળાઈ, રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમાં તકલીફ હોવી વગેરે ચિહ્નો કિડનીના રોગને કારણે હોઈ શકે છે.

આવી તકલીફ ધરાવતી વ્યક્તિઓએ તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવી, કિડનીની તકલીફ તો નથી તે નિદાન કરાવી લેવું જોઈએ. કિડનીના રોગનું વહેલું નિદાન રોગને મટાડવા, અટકાવવા કે કાબૂમાં લેવા માટે અત્યંત મહત્ત્વનું છે. કોઈ પણ ચિહ્નોની ગેરહાજરીમાં પણ પેશાબમાં પ્રોટીન જવું કે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધવું તે કિડનીના રોગની હાજરી સૂચવી શકે છે.

૨. ડાયાબિટીસના દર્દીઓમાં જરૂરી કાળજી :
ડાયાલિસિસ માટે આવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની ફેલ્યર માટે ડાયાબિટીસ કારણભૂત હોય છે. આવા ગંભીર પ્રશ્નને અટકાવવા દરેક ડાયાબિટીસના દર્દીમાં, હંમેશા માટે ડાયાબિટીસ યોગ્ય રીતે કાબૂમાં હોય તે જરૂરી છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કાના ૪૫% દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે.

ડાયાબિટીસના દરેક દર્દીએ કિડની પરની અસરના વહેલા નિદાન માટે દર ૩ મહિને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં પ્રોટીનની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું, સોજા આવવા, વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી કે ડાયાબિટીસ માટે લેવામાં આવતા ઈન્જેક્શન કે દવાની માત્રામાં ઘટાડો થવો વગેરે ડાયાબિટીસને કારણે કિડની બગડવાની નિશાની હોઈ શકે છે. જે દર્દીને ડાયાબિટીસને કારણે આંખમાં તકલીફ માટે લેસરની સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. તેથી આવા દરેક દર્દીએ કિડની માટે નિયમિતપણે તપાસ કરાવતા રહેવાનું અત્યંત જરૂરી છે.

કિડની બગડતી અટકી શકે તે તબક્કાના સૌથી વહેલા નિદાન માટે શ્રેષ્ઠ અને એકમાત્ર એવી ખાસ તપાસ, તે પેશાબની “માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા”ની તપાસ છે. ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સૂચના મુજબ દર વર્ષે પેશાબની આ ખાસ તપાસ કરાવવી તે કિડની રોગથી બચવા માટેનું ખૂબજ મહત્ત્વનું પગલું છે.

રોગોને અટકાવવા માટે બધા દર્દીઓએ ડાયાબિટીસની નિયમિત તપાસ તથા યોગ્યકાબુ અને લોહીનું દબાણ ૧૩૦/૮૦ મિ.મી. કરતાં ઓછું જાળવવું જોઈએ અને ખોરાકમાં પ્રોટીન અને ચરબીવાળા ખોરાકની માત્રા ઓછી લેવી જોઈએ.

૩. લોહીના ઊંચા દબાણના દર્દીઓમાં જરૂરી કાળજી :
લોહીનું ઊંચું દબાણ ક્રોનિક કિડની ફેલ્યરનું અગત્યનું કારણ છે. લોહીનાં ઊંચા દબાણના ચિહ્નો મોટા ભાગના દર્દીઓમાં નહીંવત્ હોવાથી કેટલાક દર્દીઓ બી.પી. માટેની દવા અનિયમિત રીતે લે છે કે બંધ પણ કરી દે છે. લાંબા ગાળે આવા દર્દીઓમાં લોહીના ઊંચા દબાણને કારણે કિડની બગડવાનો ભય રહે છે. લોહીનું ઊંચું દબાણ લાંબા સમય માટે રહેવાથી ક્રોનિક કિડની ફેલ્યર, હૃદયનો હુમલો અને સ્ટ્રોકની તકલીફ થઈ શકે તેવો ભય રહે છે. આથી લોહીનું ઊંચું દબાણ ધરાવતા દરેક દર્દીઓએ લોહીના દબાણનો યોગ્ય કાબૂ રાખવો અને કિડની પર તેની અસરના વહેલા નિદાન માટે વર્ષમાં એક વખત પેશાબની અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કરાવવી સલાહભર્યું છે. કિડનીના રોગોને અટકાવવા માટે લોહીના દબાણવાળા બધા જ દર્દીઓએ નિયમિત રીતે બીપી મપાવતા રહેવું, ખોરાકમાં મીઠું ઓછું લેવું અને ખોરાક નિયમિત અને સમતોલ લેવો જરૂરી હોય છે. આ સારવારનો હેતુ લોહીનું દબાણ હંમેશા ૧૩૦/૮૦ મિ.મી. કરતાં ઓછું જાળવી જાળવવું.

૪. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં જરૂરી કાળજી :
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડનીને નુકસાન થતું અટકાવવા માટે સૌથી મહત્ત્વની સારવાર લોહીનાં દબાણપર યોગ્ય કાબૂ છે. આ માટે ઉત્તમ પદ્ધતિ રોજ દિવસમાં ૨-૩ વખત ઘરે બી.પી. માપી નોંધ રાખવી અને આ બી.પી.ના ચાર્ટને ધ્યાનમાં લઈ ડૉક્ટર દ્વારા બી.પી.ની દવામાં યોગ્ય ફેરફાર કરવો તે છે. લોહીનું દબાણ હંમેશા ૧૪૦/૮૪થી ઓછું હોવું ફાયદાકારક છે.

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી, પેશાબનો કે અન્યચેપ, શરીરમાં પાણી ઘટી જવું (ડિહાઈડ્રેશન) વગેરેની સમયસર યોગ્ય સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવવા માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે.

૫. વારસાગત રોગ પી.કે.ડી.નું વહેલું નિદાન અને સારવાર :
પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (પી.કે.ડી.) એ વારસાગત રોગ છે જે ડાયાલિસિસ કરાવતા ૬-૮% દર્દીઓમાં જોવા મળે છે. આ કારણસર કુટુંબમાં જો કોઈ એક વ્યક્તિને આ રોગ (પી.કે.ડી.) હોય તો, ડૉક્ટરની સલાહ મુજબ કુટુંબની અન્ય વ્યક્તિઓમાં આ રોગની તકલીફ તો નથીને તે નિદાન કરાવી લેવું જરૂરી છે. વહેલા નિદાન બાદ ખોરાકમાં પરેજી, લોહીના દબાણ પર કાબૂ અને પેશાબના ચેપની તથા અન્ય સારવારની મદદથી કિડની બગડવાની ઝડપ ધીમી પાડી શકાય છે.

૬. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની યોગ્ય સારવાર :
બાળકને વારંવાર તાવ આવતો હોય અને વજન વધતું ન હોય તો તે માટે મૂત્રમાર્ગનો ચેપ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર મહત્ત્વના હોવાનું કારણ ખાસ તથા ચિંતાજનક છે. જો મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને સારવાર મોડા થાય તો બાળકની વિકાસ પામી રહેલી કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઈ શકે છે.

આ પ્રકારના નુકસાનને કારણે વર્ષો બાદ ધીમે-ધીમે કિડની બગડી જાય તેવો ભય રહે છે (પુખ્તવયે મૂત્રમાર્ગમાં ચેપને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન સામાન્ય રીતે થતું નથી.) આ ઉપરાંત પેશાબનો ચેપ થતો હોય તેવા નાની ઉંમરના બાળકોમાંથી અર્ધા જેટલા બાળકોમાં ચેપ થવા માટે જન્મજાત ખોડ કે અડચણ જવાબદાર હોય છે. આ પ્રશ્નોમાં સમયસરની યોગ્ય સારવારના અભાવે કિડની બગડવાનો ભય રહે છે. પેશાબનો ચેપ હોય તેવા બાળકોમાંથી સામાન્ય રીતે ૫૦% બાળકોમાં ચેપ લાગવાનું કારણ વસાઈકો-યુરેટ્રલ રિફલ્સ હોઈ શકે છે.

ટૂંકમાં, બાળકોમાં કિડની બગડતી અટકાવવા માટે મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન તથા સમયસરની સારવાર અને સાથે ચેપ થવા માટેના કારણનું નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે.

૭. પુખ્તવયે વારંવાર પેશાબના ચેપની યોગ્ય સારવાર :
કોઈ પણ ઉંમરે પેશાબનો ચેપ વારંવાર થતો હોય કે દવાથી કાબૂમાં આવતો ન હોય તો તે માટેનું કારણ શોધવું જરૂરી છે. આ કારણો (જેમ કે મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી વગેરે)ની સમયસરની યોગ્ય સારવાર કિડનીને સંભવિત નુકસાન થતું અટકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

૮. પથરી અને બી.પી.એચ.ની યોગ્ય સારવાર :
ઘણી વખત કિડની કે મૂત્રમાર્ગમાં પથરીનું નિદાન થયા બાદ પણતેને કારણે ખાસ તકલીફ થતી ન હોવાથી દર્દી તેની સારવાર પ્રત્યે બેદરકારી સેવે છે. આ જ રીતે મોટી ઉંમરે થતા પ્રોસ્ટેટની તકલીફ બી.પી.એચ.ને કારણે જોવા મળતા ચિહ્નો પ્રત્યે દર્દી કાળજી રાખતા નથી. આવા દર્દીઓમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાનો ભય રહેતો હોવાથી ડૉક્ટરની વહેલાસર સલાહ લેવી અને તે મુજબ સારવાર કરાવવી જરૂરી છે.

૯. નાની ઉંમરે લોહીના ઊંચા દબાણ માટે તપાસ :
સામાન્ય રીતે ૩૦ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિમાં લોહીનું ઊંચું દબાણ જોવા મળતું નથી. નાની ઉંમરે લોહીના વધારે ઊંચા દબાણનું સૌથી મહત્ત્વનું કારણ કિડનીના રોગ છે, તેથી આવી દરેક વ્યક્તિઓએ કિડનીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

૧૦. એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણોની વહેલાસર સારવાર :
એકાએક કિડની બગડી જવાના મુખ્ય કારણોમાં ઝાડા, ઊલટી, ઝેરી મેલેરિયા, બહુ રક્તસ્ત્રાવ, લોહીમાં ગંભીર ચેપ, મૂત્રમાર્ગમાં અડચણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પ્રશ્નોની વહેલી, યોગ્ય અને પૂરતી સારવાર કિડનીને બગડતી અટકાવી શકે છે.

૧૧. ડૉક્ટરની સલાહ મુજબ જ દવાનો ઉપયોગ :
સામાન્ય રીતે લેવામાં આવતી દવાઓમાંની કેટલીક દવાઓ (જેમ કે દુખાવાની દવાઓ) લાંબા સમય સુધી લેવાથી કિડનીને નુકસાન થવાનો ભય રહે છે તેથી બિનજરૂરી દવા લેવાનું ટાળવું જોઈએ. જરૂરી દવા ડૉક્ટરની સૂચના મુજબના ડોઝ અને સમય માટે જ લેવી હિતાવહ છે. માથા અને સાંધાના દુખાવા માટે પોતાની મેળે દવાઓ લેવાનું ટાળવું. બધી આયુર્વેદિક દવાઓ સલામત છે તે ખોટી માન્યતા છે. કેટલીક ભારે ધાતુઓ ધરાવતી ભસ્મો કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે.

૧૨. એક જ કિડની ધરાવતી વ્યક્તિઓમાં કાળજી :
એક જ કિડની ધરાવતી વ્યક્તિઓ સંપૂર્ણ સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ તેઓએ અમુક કાળજી રાખવી હિતાવહ છે. આવી વ્યક્તિઓએ પાણી વધારે લેવું, પેશાબ કે અન્ય ચેપની વહેલી યોગ્ય સારવાર કરાવવી અને નિયમિત રીતે ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.