કોઈ પણ વ્યક્તિમાં એક જ કિડની હોય તે તો સ્વાભાવિક રીતે તેને માટે ચિંતાનો વિષય બની જાય છે. આ વિભાગમાં ઘણા લોકોમાં આ વિશેની વ્યાપક પ્રસરેલી ગેરસમજ દૂર કરવાનો અને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજિંદી જિંદગીમાં શી તકલીફ પડે છે? શા માટે?
સામાન્ય રીતે દરેક વ્યક્તિ બે કિડની સાથે જન્મે છે પણ દરેક કિડનીની કાર્યક્ષમતા એટલી વધારે હોય છે કે ફક્ત એક જ કિડની શરીરનું બધું જ જરૂરી કામ સંપૂર્ણ રીતે કરી શકે છે.
એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજિંદા જીવનમાં શ્રમ પડે તેવા કામમાં કે જાતીય જીવનમાં કોઈ જાતની તકલીફ પડતી નથી. સામાન્ય રીતે દરેક વ્યક્તિને બે કિડની હોય છે, પણ દરેક કિડનીની કાર્યક્ષમતા એટલી વધારે હોય છે કે ફક્ત એક કિડની પણ શરીરનું બધું જરૂરી કામ સંપૂર્ણ રીતે કરી શકે છે.
મોટા ભાગે એક કિડની ધરાવતી વ્યક્તિ પોતાનું જીવન સામાન્ય રીતે વિતાવી શકતા હોય છે અને એક કિડની છે તેની જાણ આકસ્મિક તપાસ વખતે જ થાય છે.
એક જ કિડની ધરાવતી કેટલીક વ્યક્તિઓમાં, લાંબા સમયગાળે (વર્ષો પછી) પેશાબમાં પ્રોટીન જવું અને લોહીનું દબાણ વધવું જેવી અસર થઈ શકે છે.
કોઈને એક જ કિડની હોવાના મુખ્ય કયા કારણો છે?
એક જ કિડની હોવાના ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે :
- જન્મથી એક કિડની હોય.
- ઓપરેશન કરી એક કિડની કાઢી નાખવાની જરૂર પડે ત્યારે. એક કિડની કાઢવાની જરૂર પડે તે માટેના મુખ્ય કારણો પથરી, રસી કે લાંબા સમયની અડચણને કારણે એક કિડની કામ કરતી બંધ થઈ જાય તે અથવા એક કિડનીમાં કૅન્સરની ગાંઠ હોય તે છે.
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હોય તેવા દર્દીઓમાં નવી મૂકેલી એક જ કિડની કાર્ય કરતી હોય છે.
એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજિંદા કાર્ય અને જીવનમાં કોઈ જ તકલીફ પડતી નથી.
જન્મથી જ એક કિડની હોવાની શક્યતા કેટલી રહે છે?
જન્મથી એક કિડની હોવાની શક્યતા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે અને તેનું પ્રમાણ અંદાજિત રીતે ૭૫૦ વ્યક્તિઓમાં એક વ્યક્તિ જેટલું હોઈ શકે.
એક જ કિડની હોય તેવી વ્યક્તિઓએ શા માટે કાળજી રાખવી જરૂરી છે?
સામાન્ય સંજોગોમાં એક કિડની ધરાવતી વ્યક્તિને કોઈ પણ તકલીફ પડતી નથી, પણ આ વ્યક્તિને સ્પેરવ્હિલ વગરની ગાડી સાથે સરખાવી શકાય.
દર્દીની એકમાત્ર કામ કરતી કિડની જો નુકસાન પામે તો બીજી કિડની ન હોવાથી કિડની દ્વારા થતા બધા કાર્યો સંપૂર્ણ રીતે અટકી જાય છે. જો આ એકમાત્ર કિડની ટૂંકાગાળામાં ફરીથી કામ કરતી ના થાય તો ઘણી વિપરીત અસરો થઈ શકે છે અને સમય સાથે તેમાં વધારો થતા તે જીવલેણ પણ બની શકે છે. આવી વ્યક્તિને તાત્કાલિક ડાયાલિસિસની જરૂર પડે છે.
કિડનીને થતું નુકસાન અને તેને કારણે ઉભા થતા જોખમોથી બચવા માટે એકજ કિડની ધરાવતી દરેક વ્યક્તિએ યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.
વ્યક્તિની એકમાત્ર કિડનીને નુકસાન થવાની શક્યતા ક્યારે રહે છે?
એકમાત્ર કિડનીને અચાનક અને ગંભીર પ્રમાણમાં નુકસાન થવાના કારણો :
- એકમાત્ર કિડનીના મૂત્રમાર્ગમાં પથરીને કારણે અડચણ.
- પેટના ઓપરેશન દરમિયાન કિડનીમાંથી પેશાબ લઈ જતી નળી-મૂત્રવાહિની (Ureter) ભૂલથી બંધાઈ જવી. મૂત્રવાહિની દ્વારા કિડનીમાં બનેલો પેશાબ નીચે મૂત્રાશય સુધી જતો હોય છે.
- કુસ્તી, બોક્સિંગ, કરાટે, ફૂટબોલ, હોકી જેવી રમતગમત દરમિયાન અકસ્માતથી કિડનીને ઈજા થઈ શકે છે. દર્દીઓમાં શરીરની જરૂરિયાતને પહોંચી વળવા એકમાત્ર કામ કરતી કિડનીનું કદ મોટું અને વજન વધારે થઈ ગયું હોય છે. આવી કિડનીમાં ઈજા સરળતાથી થઈ શકે છે.
ઘણા લોકોને જન્મથી જ એક કિડની હોય છે.
એક કિડની ધરાવતી વ્યક્તિએ શી કાળજી લેવી જોઈએ?
એક જ કિડની ધરાવતી વ્યક્તિઓને કોઈ સારવારની જરૂર નથી રહેતી પરંતુ એકમાત્ર કિડનીની નીચે મુજબ સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે :
- પાણી વધારે પીવું દિવસમાં આશરે ત્રણ લિટર.
- કિડનીને ઈજા થઈ શકે તેવી રમતોમાં ભાગ ના લેવો.
- પેશાબના ચેપ તથા પથરીની વહેલાસરની યોગ્ય સારવાર કરવી અને બિનજરૂરી દવાઓ ન લેવી.
- દર વર્ષે એક વખત ડૉક્ટરને બતાવી બ્લડપ્રેશર મપાવવું અને ડૉક્ટરની સૂચના મુજબ લોહી તથા પેશાબની અને કિડનીની સોનોગ્રાફીની તપાસ કરાવવી. નિયમિતપણે ડૉક્ટરને બતાવી જરૂરી તપાસ કરાવવાથી કિડનીની તકલીફનું નિદાન વહેલું અને ત્યારબાદની સારવાર સમયસર થઈ શકે છે.
- કોઈ પણ સારવાર કે ઓપરેશન પહેલાં એક જ કિડની છે તે બાબતની ડૉક્ટરને જાણ કરવી.
- લોહીનું દબાણ કાબૂમાં રાખવું, નિયમિત કસરત, સ્વસ્થ અને સમતોલ ખોરાક લેવો, બિનજરૂરી દવાઓ ન લેવી, ડૉક્ટરની સલાહ મુજબ વધારે પ્રોટીન ધરાવતો ખોરાક અને નમક(મીઠું) ઓછા પ્રમાણમાં લેવું.
એક જ કિડની ધરાવતી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તકેદારી અને કાળજી રાખવી જરૂરી છે.
એક જ કિડની ધરાવતા દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?
એક જ કિડની ધરાવતા દર્દીઓએ નીચે મુજબની પરિસ્થિતિમાં ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો :
- એકાએક પેશાબ બંધ થઈ જાય.
- એક્માત્ર અને મોટી થયેલી કિડનીને અકસ્માતથી ઈજા થાય.
- જ્યારે દુખાવાની દવા લેવાની જરૂર પડે કે કોઈ પણ તપાસ દરમિયાન એક્સ-રે ડાઈ વાપરવી પડે.
- તાવ, પેશાબમાં બળતરા કે લાલ પેશાબ આવે.
એકમાત્ર કામ કરતી કિડનીનું કદ મોટું થઈ ગયું હોય છે જેથી આવી કિડનીમાં ઈજા સરળતાથી થઈ શકે છે.