વિશ્વ અને ભારતમાં વધતા જતા શહેરીકરણ સાથે ડાયાબિટીસનું પ્રમાણ પહેલાં કરતાં વધારે જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ક્રોનિક કિડની ફેલ્યર (ડાયાબિટિક નેફ્રોપથી) અને પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે.
ડાયાબિટીસ કિડની ડિસીઝ શું છે?
લાંબા સમયથી ડાયાબિટીસ હોય તેવા દર્દીઓમાં લોહીમાં સતત વધુ સુગરનું પ્રમાણ નાની લોહીની નળીઓને નુકસાન કરે છે, જેના કારણે સૌથી પહેલાં પેશાબમાં પ્રોટીન જતું જોવા મળે છે. ત્યારબાદ લોહીનું ઊંચું દબાણ, સોજા અને ધીરે ધીરે કિડની વધુ બગડતા કિડની ફેલ્યરના ચિહ્નો વધતા જતા જોવા મળે છે. સમય સાથે કિડનીની કાર્યક્ષમતામાં વધુ ને વધુ ઘટાડા સાથે કિડની સંપૂર્ણ બગડી જાય છે જેને એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ કહે છે. આ રીતે ડાયાબિટીસને કારણે કિડનીને થતા નુકસાનને ડાયાબિટીક કિડની ડિસીઝ કહેવાય છે. ડાયાબિટીક કિડની ડિસીઝને મેડિકલ ભાષામાં ડાયાબિટીક નેફ્રોપથી કહેવાય છે.
ડાયાબિટીસને કારણે થતા કિડની ફેલ્યર વિશે શા માટે દરેક દર્દીએ જાણવું જોઈએ?
ડાયાબિટીસનું પ્રમાણ ભારત અને દુનિયાભરમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યુંછે. ટૂંક સમયમાં ભારત દુનિયામાં ડાયાબિટીસ માટે સૌથી આગળના સ્થાને આવી જશે તેવી ભીતિ છે.
- કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્ત્વનું કારણ ડાયાબિટીસ છે.
- ડાયાલિસિસની જરૂર પડે તેવા ક્રોનિક કિડની ફેલ્યરના ૧૦૦ દર્દીઓમાંથી ૩૫થી ૪૦ દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે.
- ડાયાબિટીસના દર્દીઓમાં કિડની પર થતી અસરનું વહેલું નિદાન, આ ભયંકર રોગ થતો અટકાવી શકે છે.
- ડાયાબિટીસને કારણે કિડની બગડવાની શરૂઆત થઈ ગયા બાદ આ રોગ મટી શકતો નથી, પરંતુ યોગ્ય સારવાર અને પરેજી દ્વારા ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી ખર્ચાળ અને મુશ્કેલ એવી સારવારની જરૂર પડે તે તબક્કાને નોંધપાત્ર સમય માટે (વર્ષો સુધી) પાછો ઠેલી શકાય છે.
- ડાયાબિટીસની હૃદય પરની અસરને કારણે હૃદય એકાએક બંધ થઈ જવા જેવી અતિ ગંભીર તકલીફની શક્યતા રહે છે.
ઉપરોક્ત પ્રશ્નોથી બચવા માટે ડાયાબિટીક કિડની ડિસીઝનું વહેલું નિદાન અને સારવાર અત્યંત જરૂરી છે.
ક્રોનિક કિડની ફેલ્યરનું સૌથી મહત્ત્વનું કારણ ડાયાબિટીસ છે.
ડાયાબિટીસના દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા કેટલી રહે છે?
ડાયાબિટીસના દર્દીઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે :
-
ટાઈપ-૧ અથવા ઈન્સ્યુલીન ડિપેન્ડેન્ટ ડાયાબિટીસ (IDDM - Insulin Dependent Diabetes Mellitus)
સામાન્ય રીતે નાની ઉંમરમાં વધુ જોવા મળતા આ પ્રકારના ડાયાબિટીસની સારવારમાં ઈન્સ્યુલીનની જરૂર પડતી હોય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં ખૂબ વધારે એટલે કે ૩૦%-૩૫% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે.
-
ટાઈપ-૨ અથવા નોન ઈન્સ્યુલીન ડિપેન્ડેન્ટ ડાયાબિટીસ (NIDDM-Non Insulin Dependent Diabetes Mellitus) :
ડાયાબિટીસના વધુ દર્દીઓ આ પ્રકારના હોય છે. સામાન્ય રીતે પુખ્તવયમાં જોવા મળતા આ પ્રકારના ડાયાબિટીસને દવાની મદદથી કાબૂમાં લઈ શકાય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં ૧૦%થી ૪૦% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. ક્રોનિક કિડની ડિસીઝ માટે ટાઈપ-૨ ડાયાબિટીસમાં એ સૌથી પહેલું કારણ છે. સી.કે.ડીના દર ત્રણ નવા દર્દીઓમાં એકથી વધુ દર્દીઓમાં ક્રોનિક કિડની ડિસીઝ માટે જવાબદાર ડાયાબિટીસ છે.
ડાયાલિસિસ કરાવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની બગડવા માટેનું કારણ ડાયાબિટીસ હોય છે.
ડાયાબિટીસ કિડનીને કઈ રીતે નુકસાન કરે છે?
કિડનીમાં સામાન્ય રીતે દર મિનિટે ૧૨૦૦ મિલીલિટર જેટલું પ્રવાહી પસાર થઈ શુદ્ધ થાય છે.
- ડાયાબિટીસ કાબૂમાં ન હોવાને કારણે કિડનીમાંથી પસાર થતા લોહીનું પ્રમાણ ૪૦% જેટલું વધી જાય છે. આ કારણસર કિડનીને વધુ પડતો શ્રમ કરવો પડે છે અને ઘસારો લાગે છે. આથી લાંબા ગાળે કિડનીને નુકસાન થાય છે અને લોહીનું દબાણ વધે છે.
- લોહીનું વધારે દબાણ નુકસાન પામી રહેલી કિડની પર વધુ બોજારૂપ બની કિડનીને વધુ ઝડપથી નબળી બનાવે છે.
- કિડનીને થતા આ નુકસાનની શરૂઆતની પ્રક્રિયામાં પેશાબમાં પ્રોટીન જાય છે, જે ભવિષ્યમાં થનારા કિડનીના ગંભીર રોગની પહેલી નિશાની છે.
- ત્યારબાદ શરીરમાંથી પાણી અને મીઠાનો નિકાલ જરૂર કરતાં ઓછો થાય છે, પરિણામે સોજા થાય છે અને વજન વધે છે. કિડનીને વધુ નુકસાન થાય ત્યારે લોહીમાં યુરિયા અને ક્રીએટીનીનનું પ્રમાણ વધે છે.
- ડાયાબિટીસને કારણે જ્ઞાનતંતુઓને નુકસાન થતા મૂત્રાશય ખાલી કરવામાં તકલીફ પડી શકે છે, જેથી પેશાબ મૂત્રાશયમાં એકઠો થાય છે.
- મૂત્રાશયમાં વધુ પેશાબ એકઠો થવાથી દબાણ વધતા કિડની ફૂલી જાય છે અને કિડનીને નુકસાન થઈ શકે છે.
- વધુ ખાંડવાળો પેશાબ મૂત્રાશયમાં લાંબો સમય સુધી રહેતો પેશાબનો ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે.
ડાયાબિટીસમાં કિડની પર અસર ક્યારે અને ક્યા દર્દીમાં થાય છે?
સામાન્ય રીતે ડાયાબિટીસ થયા બાદના ૭થી ૧૦ વર્ષ પછી ધીરેધીરે કિડનીને નુકસાન થઈ શકે છે. ડાયાબિટીસના ક્યા દર્દીમાં કિડનીને નુકસાન થશે તે પહેલેથી ચોક્કસપણે નક્કી કરવું અશક્ય છે. પરંતુ નીચેની પરિસ્થિતિમાં કિડની ફેલ્યરની શક્યતા વધારે રહે છે.
નાની ઉંમરમાં ડાયાબિટીસની શરૂઆત અને લોહીનું દબાણ ખૂબ ઊંચું હોય ત્યારે કિડની બગડવાનું જોખમ વધારે રહે છે.
- ડાયાબિટીસની શરૂઆત નાની ઉંમરે થઈ હોય.
- લાંબા સમયથી ડાયાબિટીસ હોય.
- સારવારમાં શરૂઆતથી જ ઈન્સ્યુલીનની જરૂર હોય.
- ડાયાબિટીસ અને લોહીનું દબાણ કાબૂમાં ન હોય.
- લોહીનું દબાણ કાબૂમાં ન હોવું.
- વધારે વજન હોવું, ધૂમ્રપાનની ટેવ અથવા લોહીમાં કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ.
- પેશાબમાં પ્રોટીન જતું હોય.
- ડાયાબિટીસને લીધે આંખમાં નુકસાન થયું હોય.
- કુટુંબમાં ડાયાબિટીસને લીધે કિડની ફેલ્યર થયેલ હોય.
ડાયાબિટીસમાં કિડની પર અસર કેટલા સમયે થાય છે?
ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીક કિડની ડિસીઝ થતા ઘણાં વર્ષો નીકળી જાય છે. પહેલા ૧૦ વર્ષમાં કિડની ડિસીઝની શક્યતા ઓછી હોય છે. જ્યારે ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓમાં નિદાન બાદ કોઈ પણ સમયે કિડની પર અસરનું નિદાન થતું હોય છે.
ડાયાબિટીસથી કિડનીને થતા નુકસાનના ચિહ્નો :
- શરૂઆતના તબક્કામાં કિડનીના રોગમાં કોઈ પણ ચિહ્નો જોવા મળતા નથી. પરંતુ ડૉક્ટર દ્વારા કરાયેલી પેશાબની તપાસમાં આલ્બ્યુમીન(પ્રોટીન) જતું જોવા મળે તે કિડનીના ગંભીર પ્રશ્નની પહેલી નિશાની છે. ત્યારબાદ ક્રમશ: લોહીના દબાણમાં વધારો અને પગે અને મોઢા પર સોજા આવે છે.
- ડાયાબિટીસ માટે જરૂરી દવા કે ઈન્સ્યુલીનના ડોઝમાં ક્રમશ: ઘટાડો થવો.
- પહેલા જે ડોઝ છતાં ડાયાબિટીસ કાબૂ બહાર રહેતો હોય તે જ ડોઝથી ડાયાબિટીસ પર ખૂબ જ સારો કાબૂ આવે.
- વારંવાર લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટી જવું.
પેશાબમાં પ્રોટીન, લોહીનું ઊંચું દબાણ અને સોજા ડાયાબિટીસની કિડની પરની અસરની નિશાની છે.
- કિડની વધુ બગડવા સાથે ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ દવા વગર કાબૂમાં રહે છે. આવા કેટલાક દર્દીઓ ડાયાબિટીસ મટી ગયાનો ગર્વ અને આનંદ અનુભવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બાબત કિડની ફેલ્યર વધવાની ગંભીર નિશાની છે.
- આંખ પર ડાયાબિટીસની અસર થઈ હોય અને તે માટે લેસરની સારવાર લીધી હોય તેવા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીની કિડની ભવિષ્યમાં બગડી જતી જોવા મળી છે.
- કિડની બગડવા સાથે લોહીમાં યુરિયા - ક્રીએટીનીનનું પ્રમાણ વધે છે. આ સાથે ક્રોનિક કિડની ફેલ્યરના ચિહ્નો જોવા મળે છે અને સમય સાથે તેમાં ક્રમશ: વધારો થતો જાય છે.
કિડની પર ડાયાબિટીસની અસરનું વહેલું નિદાન કઈ રીતે થઈ શકે :
ડાયાબિટીક કિડની ડિસીઝના નિદાન માટે બે ખૂબ જ અગત્યની તપાસ પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનીન (eGFR) છે. ડાયાબિટીક કિડની ડિસીઝના વહેલા નિદાન માટે પેશાબની માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની તપાસ શ્રેષ્ઠ છે. માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા તપાસની સુવિધા ન હોય તેવા સ્થળોએ માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા બાદના ક્રમે આવતી અસરકારક તપાસ પેશાબની સામાન્ય તપાસ છે, જેમાં પેશાબમાં આલ્બ્યુમીન જોવામાં આવે છે. પેશાબમાં સામાન્ય તપાસમાં જોવા મળતી પ્રોટીનની આ હાજરીને મેક્રોઆલ્બ્યુમીન્યુરિયા કહેવાય છે.
શ્રેષ્ઠ પદ્ધતિ :
પેશાબમાં માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની (Microalbuminuria) તપાસ
સરળ પદ્ધતિ :
દર ત્રણ મહિને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં આલ્બ્યુમીનની તપાસ કરાવવી. આ બિનખર્ચાળ, સરળ, બધે ઉપલબ્ધ એવી પદ્ધતિથી કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે કિડની પર ડાયાબિટીસની અસરનું નિદાન થઈ શકે છે.
લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટે કે ડાયાબિટીસ મટી જાય તે કિડની ફેલ્યરની નિશાની હોઈ શકે છે.
મેક્રોઆલ્બ્યુમીન્યુરિયા અને માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા શું છે?
આલ્બ્યુમીન્યુરિયા એટલે પેશાબમાં આલ્બ્યુમીન (એકપ્રકારનું પ્રોટીન)ની હાજરી. માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં પેશાબમાં પ્રોટીન જવું (યુરિન આલ્બ્યુમીન 30-300 mg/day) જે સામાન્ય પેશાબની તપાસમાં જોવા મળતું નથી ફક્ત ખાસ પ્રકારની પેશાબ તપાસ દ્વારા જ જાણી શકાય છે.
મેક્રોઆલ્બ્યુમીન્યુરિયા એટલે વધુ પ્રમાણમાં પેશાબમાં પ્રોટીન જતું હોય (યુરિન આલ્બ્યુમીન >300 mg/day) જે સામાન્ય પેશાબની તપાસ યુરિન ડીપસ્ટિક ટેસ્ટ દ્વારા જાણી શકાય છે.
પેશાબમાં માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની તપાસ શા માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે? તે કોને અને ક્યારે કરાવવી જોઈએ?
કિડની પર ડાયાબિટીસની અસરનું સૌથી વહેલું નિદાન પેશાબની માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની તપાસ દ્વારા થઈ શકે છે. તપાસની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે, કેમ કે આ તબક્કે જ જો નિદાન થઈ શકે તો ઘનિષ્ઠ સારવારથી ડાયાબિટીસની કિડની પરની અસર મટાડી શકાય છે.
આ તપાસ ટાઈપ-૧ પ્રકારના ડાયાબિટીસ (IDDM)ના દર્દીઓને રોગના નિદાનના ૫ વર્ષ બાદ દર વર્ષે કરાવવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે ટાઈપ-૨ પ્રકારના ડાયાબિટીસ (NIDDM)માં નિદાન થાય ત્યારથી શરૂ કરી દર વર્ષે આ તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાનો પોઝિટિવ ટેસ્ટ તે ભયની પહેલી નિશાની છે અને તે કિડની બચાવવા માટે ઉચ્ચતમ સારવારની જરૂરિયાત સૂચવે છે.
ડાયાબિટીસના દર્દીઓમાં માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા તપાસ કઈ રીતે થાય છે?
સામાન્ય પેશાબની તપાસમાં ન આવે એટલા ઓછા પ્રમાણમાં પેશાબમાં પ્રોટીન જતું હોય, તેવા દર્દીઓમાં પેશાબની માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા તપાસ કરાવવામાં આવે છે. ડાયાબિટીક કિડની ડિસીઝના દર્દીઓમાં પહેલાં પેશાબની સામાન્ય તપાસ-સ્ટાન્ડર્ડ યુરિન ડીપસ્ટિક ટેસ્ટ કરવામાં આવે છે. જો આ તપાસમાં પેશાબમાં પ્રોટીન ન જોવા મળે તો જ પેશાબની ખાસ તપાસ એટલે કે માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા તપાસ કરાવવામાં આવે છે.
ડાયાબીટીક કિડની ડીસીઝના નિદાન માટે સૌથી મહત્ત્વની બે તપાસ પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ છે.
પેશાબની સામાન્ય તપાસમાં આલ્બ્યુમીન જોવા મળે તો માઈક્રોઆલ્બ્યુમીનની તપાસ કરાવવાની જરૂર રહેતી નથી. ૬ મહિનાના ગાળામાં કરવામાં આવેલ માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની ત્રણ વખત તપાસમાંથી જો ૨ વખત તપાસ પોઝિટિવ આવે તો ડાયાબિટીક નેફ્રોપેથીનું પાકું નિદાન થઈ શકે. પેશાબમાં ચેપ, ડાયાબિટીસ કે બી.પી. અત્યંત વધારે ન હોય તેવા સમયે જ આ તપાસ કરાવવી જોઈએ.
ત્રણ ખૂબ સામાન્ય પદ્ધતિઓ જે માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા તપાસવા માટે થાય છે તે :
1. સ્પોટ યુરિન ટેસ્ટ : આ તપાસમાં રીએજન્ટ સ્ટ્રિપ અથવા ટેબ્લેટનો ઉપયોગ થાય છે. આ તપાસ ખૂબ જ સરળ, ઓછી ખર્ચાળ અને ગમે ત્યાં કરી શકાય તેવી છે. પરંતુ આ તપાસની પદ્ધતિ સચોટ ન હોવાને કારણે જ્યારે માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા તપાસ રીએજન્ટ સ્ટ્રીપ અથવા ટેબ્લેટથી પોઝિટિવ આવે ત્યારે પેશાબની વધુ સચોટ તપાસ આલ્બ્યુંમીન ક્રીએટીનીન રેશિયો કરાવવાની જરૂર છે.
2. આલ્બ્યુમીન ક્રીએટીનીન રેશિયો : માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની તપાસ માટે પેશાબની આલ્બ્યુમીન-ક્રીએટીનીન રેશિયો(Albumin-Creatinine Ratio-ACR) એ વધુ સચોટ, વિશ્વાસપાત્ર અને ચોકસાઈવાળી પદ્ધતિ છે.
આ તપાસ દ્વારા ૨૪ કલાકના પેશાબમાં આશરે કેટલું પ્રોટીન (આલ્બ્યુમીન) જાય છે તેની માહિતી મળે છે. સામાન્ય રીતે એ.સી.આર. 30 mg/dl કરતાં ઓછો હોય છે. જો સવારના પહેલા પેશાબમાં આલ્બ્યુમીન ક્રીએટીનીન રેશિયો 30-300 mg/dl હોય તો તે માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાનું નિદાન સૂચવે છે. વધુ ખર્ચાળ અને ઓછા સ્થળો એ જ ઉપલબ્ધિને કારણે વિકાસશીલ દેશોમાં આ તપાસનો લાભ થોડા દર્દીઓ જ લઈ શકે છે.
પેશાબની માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની તપાસ ડાયાબિટીસની કિડની પરની અસરના વહેલા નિદાન માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે.
3. ૨૪ - કલાકના પેશાબમાં પ્રોટીનની તપાસ : આ તપાસમાં આખા દિવસ એટલે કે ૨૪ કલાકનો પેશાબ ભેગો કરી તેમાં આલ્બ્યુમીનના પ્રમાણની તપાસ કરવામાં આવે છે. જો ૨૪ કલાકના એકઠા કરેલા પેશાબમાં આલ્બ્યુમીન (એક પ્રકારનું પ્રોટીન) 30-300 mg/dl હોય તો તે માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા સૂચવે છે.
ડાયાબિટીસ કિડની ડિસીઝના નિદાન માટે પેશાબની સામાન્ય તપાસ કઈ રીતે મદદરૂપ છે?
પેશાબની સામાન્ય તપાસ (સ્ટાન્ડર્ડ યુરિન ડીપસ્ટિક ટેસ્ટ) પેશાબમાં પ્રોટીનની હાજરી જાણવા માટે સૌથી વધુ વપરાતી તપાસ છે. પેશાબમાં જતા પ્રોટીનની માત્રા દર્શાવવા ટ્રેસથી 4+ નો ઉપયોગ કરવામાં આવે છે. (ટ્રેસ એટલે સૌથી ઓછા અને 4+ એટલે સૌથી વધુ પ્રમાણમાં પેશાબમાં પ્રોટીન જવું). ઝડપથી, સરળ રીતે થઈ શકતી, ઓછી ખર્ચાળ અને બધા જ સ્થળે ઉપલબ્ધઆ તપાસ પેશાબમાં પ્રોટીન (મેક્રોઆલ્બ્યુમીન)ના નિદાન માટે ખૂબ જ ઉપયોગી છે.
મેક્રોઆલ્બ્યુમીન્યુરિયાની હાજરી ડાયાબિટીક કિડની ડિસીઝનો ચોથો તબક્કો દર્શાવે છે.
પેશાબમાં પ્રોટીનની હાજરીના નિદાન માટેની શ્રેષ્ઠ તપાસ માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયા છે. પરંતુ આ તપાસ બાદના ક્રમે આવતી સરળ અને ઉપયોગી તપાસ તે મેક્રોઆલ્બ્યુમીન્યુરિયા છે. સામાન્ય રીતે ડાયાબિટીસને કારણે લોહીનું દબાણ વધે, સોજા ચડે અને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય (લોહીમાં ક્રીએટીનીન વધે) આ તબક્કા પહેલા જ પેશાબની સામાન્ય તપાસમાં પ્રોટીનની હાજરી જોવા મળે છે.
ખૂબ જ ઓછી જગ્યાએ થઈ શકતી હોવાથી શ્રેષ્ઠ તપાસ માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાનો લાભ ડાયાબિટીસના ખૂબ જ ઓછા દર્દીઓ લઈ શકે છે. આ વાસ્તવિકતા જોતાં નાના-મોટા દરેક ગામમાં રહેતા ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીક કિડની ડિસીઝના વહેલા નિદાન માટે ઉપયોગમાં લઈ શકાય એવી તપાસ તે પેશાબની સામાન્ય તપાસ છે.
પેશાબની સામાન્ય તપાસમાં આલ્બ્યુમીન જોવા મળે તો માઈક્રોઆલ્બ્યુંમીનની તપાસ કરાવવાની જરૂર રહેતી નથી.
ડાયાબિટીસની કિડની પરથી અસર કઈ રીતે અટકાવી શકાય?
- ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ.
- ડાયાબિટીસ તથા લોહીના દબાણનો યોગ્ય કાબૂ.
- વહેલા નિદાન માટે યોગ્ય તપાસ.
- લોહીના દબાણ પર યોગ્ય કાબૂ રાખી લોહીનું દબાણ ૧૩૦/૮૦ મી.મી.ની નીચે રાખવું. લોહીના દબાણ માટે વહેલાસર એન્જિયોટેન્સીન કન્વર્ટિંગ એન્ઝાઈમ ઈન્હીબીટર (ACE) અને એન્જિયોટેન્સીન રીસેપ્ટર બ્લોકર્સ(ARB) જેવી દવાઓ લેવી.
- ખોરાકમાં ખાંડ/ગળ્યું તથા નમક ઓછા પ્રમાણમાં લેવું. ચરબીયુક્ત ખોરાક ન લેવા.
- વર્ષમાં ઓછામાં ઓછી એક વખત કિડનીની તપાસ કરાવવી (પેશાબમાં આલ્બ્યુમીન તથા લોહીમાં ક્રીએટીનીન/eGFR).
- અન્યસૂચનો : નિયમિત કસરત કરવી. તમાકુ ગુટકા, પાન-બીડી, સિગારેટ તથા આલ્કોહોલ (દારૂ) ન લેવા.
ડાયાબિટીસની કિડની પર થતી અસરની સારવાર :
- ડાયાબિટીસ પર યોગ્ય કાબૂ.
- ચોક્કસપણે, હમેશા માટે લોહીના દબાણને કાબૂમાં રાખવું. રોજ બીપી માપી તેની નોંધ રાખવી. લોહીનું દબાણ ૧૩૦/૮૦થી વધે નહીં તે કિડનીની કાર્યક્ષમતા જાળવવા માટે ખૂબ જ અગત્યની બાબત છે.
- એ.સી.ઈ. અને એ.આર.બી. તરીકે જાણીતી દવાઓ જો શરૂઆતના તબક્કામાં વાપરવામાં આવે તો તે લોહીના દબાણને ઘટાડવાનું અને સાથે વધારામાં કિડનીને થતું નુકસાન ઘટાડવાનું પણ કામ કરે છે. કિડની પર અસરના શરૂઆતમાં તબક્કામાં આ દવા લેવામાં આવે તો તેનો ફાયદા અતિ વધારે મળે છે.
- સોજા ઘટાડવા ડાઈયુરેટિક્સ દવા અને ખોરાકમાં મીઠું (નમક) તથા પ્રવાહી ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે.
વાર્ષિક પેશાબની માઈક્રોઆલ્બ્યુમીન્યુરિયાની તપાસથી ડાયાબિટીક કિડની ડીસીઝનું વહેલું નિદાન થઈ શકે છે.
- જ્યારે લોહીમાં યુરિયા અને ક્રીએટીનીનનું પ્રમાણ વધે ત્યારે ક્રોનિક કિડની ફેલ્યરની સારવારમાં ચર્ચા કરેલી બધી સારવારની દર્દીને જરૂરિયાત પડે છે.
- ડાયાબિટીસની દવામાં જરૂરી ફેરફાર લોહીના રિપોર્ટના આધારે કરવો જોઈએ. પેશાબનો રિપોર્ટ સાથે સુસંગતના હોવાને કારણે માત્ર પેશાબના રિપોર્ટના આધારે દવામાં કોઈ ફેરફાર કરવો ન જોઈએ.
- કિડની ફેલ્યર થયા બાદ ડાયાબિટીસની દવાના ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડે છે.
- સામાન્ય રીતે ડાયાબિટીસની દવાના જરૂરી ડોઝમાં ઘટાડો થાય છે. લાંબા સમયને બદલે ટૂંકા સમય માટે અસર કરતી દવા પસંદ કરવામાં આવે છે. વધુ સારા પરિણામ માટે કેટલાક દર્દીમાં ઈન્સ્યુલીન ચાલુ કરવું પડે છે. બાયગુએનાઈડ્સ(મેટફોર્મીન) તરીકે ઓળખાતી દવા કિડની ફેલ્યરના દર્દીઓમાં જોખમી હોવાથી બંધ કરવામાં આવે છે.
- કિડની સંપૂર્ણપણે બંધ થઈ જાય ત્યારે દવા લેવા છતાં તકલીફ વધતી જાય છે અને આ તબક્કે ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે.
ખાસ પ્રકારની દવાથી લોહીના દબાણ પર યોગ્ય કાબુ (૧૩૦/૮૦ મી.મી.થી ઓછું) સફળ સારવારની ચાવી છે.
ડાયાબિટીક કિડની ડિસીઝના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?
નીચે મુજબની તકલીફ થાય તો ડાયાબિટીક કિડની ડિસીઝના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો જોઈએ:
- ખૂબ જ ઝડપથી વજન વધે, પેશાબ ઓછો ઉતરે, સોજા વધી જાય કે શ્વાસમાં તકલીફ થાય.
- છાતીમાં દુખાવો થાય, લોહીનું દબાણ ખૂબ વધી જાય અથવા હૃદયના ધબકારા ખૂબ જ ઓછા કે ખૂબ જ વધી જાય.
- અત્યંત નબળાઈ, ભૂખ ઓછી લાગે, ઊબકા અથવા શરીરમાં ખૂબ ફિકાશ આવી જાય.
- સતત તાવ, ઠંડી, પેશાબમાં બળતરા અથવા દુખાવો પેશાબમાં ખૂબજ વાસ આવે અથવા પેશાબમાં લોહી આવે.
- વારંવાર સુગર ઘટી જાય (સુગરનું પ્રમાણ લોહીમાં ઓછુ રહેવું) અથવા ઇન્સ્યુલીન કે ડાયાબિટીસની ગોળીઓની જરૂરિયાત ઓછી થવા લાગે.
- બેધ્યાનપણું, અર્ધ-જાગૃતતા અથવા તાવ, આંચકી આવે.
ડાયાબીટીક કિડની ડીસીઝના દર્દીઓને હૃદયની યોગ્ય તપાસ અને સારવાર પણ અતિ મહત્ત્વની છે.