Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

ક્રોનિક કિડની ફેલ્યરના ચિહનો તથા નિદાન

ક્રોનિક કિડની ફેલ્યરમાં બંને કિડનીને ધીમેધીમે બગડતા લાંબો સમય–મહિનાઓથી વર્ષો લાગે છે, પરંતુ કિડની જેટલી પણ કામ કરતી હોય તેની કાર્યક્ષમતા પૂરતી હોવાને કારણે શરીરના જરૂરી કાર્યના બોજાને તે પહોંચી વળે છે. આ કારણસર કિડનીની કાર્યક્ષમતામાં અત્યંત ઘટાડો ન થાય ત્યાં સુધી મોટા ભાગના દર્દીઓમાં કિડની ફેલ્યરના સ્પષ્ટ ચિહ્નો જોવા મળતા નથી. કિડની શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે (બિનજરૂરી પદાર્થો અને વધુ પ્રવાહીનો નિકાલ, લોહીના દબાણનું નિયંત્રણ, ક્ષારનું નિયમન, રક્તકણના ઉત્પાદનમાં મદદ વગેરે). સી.કે.ડી.માં કિડનીના કયા કાર્યમાં કેટલો ઘટાડો થયો છે તે મુજબ અલગ અલગ વ્યક્તિઓમાં વિભિન્ન ચિહ્નો જોવા મળે છે.

ક્રોનિક કિડની ફેલ્યરના શરૂઆતના તબક્કામાં બંને કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો ન હોવાથી ખાસ કોઈ ચિહ્નો જોવા મળતા નથી. જેમ કિડની વધુ ને વધુ બગડતી જાય તેમ દર્દીની તકલીફ વધતી જાય છે.

ક્રોનિક કિડની ફેલ્યરના ચિહ્નો કયા છે?

ક્રોનિક કિડની ડિસીઝના ચિહ્નો કિડની કેટલી બગડી છે તેના પર આધાર રાખે છે. સી.કે.ડી.ને યોગ્ય રીતે સમજવા અને તેની યોગ્ય સારવારના આયોજન માટે eGFRના આધારે સી.કે.ડી.ને પાંચ સ્ટેજમાં વહેંચવામાં આવે છે.

eGFR કિડની કેટલું કાર્યકરે છે તે સૂચવે છે અને લોહીમાં ક્રીએટીનીનના રિપોર્ટની મદદથી eGFRને ગણવામાં આવે છે.

કિડનીની બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો દૂર કરવાની કાર્યક્ષમતા કેટલી છે તે eGFR દ્વારા જાણી શકાય છે. લોહીમાં ક્રીએટીનીનની માત્રાદ્વારા eGFR કિડનીની કાર્યક્ષમતા સચોટ રીતે જણાવે અને તેનું સામાન્ય પ્રમાણ ૯૦ ml/min કરતાં વધુ હોય છે.

સી.કે.ડી. તબક્કાઓ

સી.કે.ડી. સ્ટેજ-૧ (૯૦-૧૦૦% કાર્યરત કિડની) :

સી.કે.ડી.નો પ્રાથમિક તબક્કો જેમાં કિડનીને કોઈ નુકસાન નથી થયું હોતું અને જેમાં કોઈ ચિહ્નો પણ જોવા મળતા નથી. મોટા ભાગે અન્ય બીમારી માટેની તપાસ દરમિયાન અથવા તો મેડિકલ ચેક-અપ દરમિયાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે. સી.કે.ડી. સ્ટેજ-૧માં પેશાબમાં પ્રોટીન જવું, કિડનીને થયેલું નુકસાન X-ray, સોનોગ્રાફી, એમ.આર.આઈ. કે સી.ટી. સ્કેનમાં જોવા મળવું અથવા કુટુંબ કોઈને પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (પી.કે.ડી) હોવું. આ તબક્કે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ સામાન્ય હોય છે.

સી.કે.ડી. સ્ટેજ-૨ (૬૦-૮૯% કાર્યરત કિડની) :

સી.કે.ડી.ના આ શરૂઆતના તબક્કે મોટા ભાગના દર્દીઓમાં કોઈ ચિહ્નો જોવા મળતા નથી. જ્યારે કેટલાક દર્દીઓમાં થોડી અશક્તિ, સોજા, લોહીનું ઊંચું દબાણ, લોહીમાં ફિક્કાશ, રાત્રે પેશાબના પ્રમાણમાં વધારો વગેરે જોવા મળે છે. આ તબક્કે ક્રીએટીનીનમાં થોડો વધારો જોવા મળે છે.

સી.કે.ડી. સ્ટેજ-૩ (૧૬-૫૯% કાર્યરત કિડની) :

સી.કે.ડી.ના આ મધ્યમ તબક્કે પણ ઘણા દર્દીઓમાં કોઈ ચિહ્નો જોવા મળતા નથી અથવા તો હળવા ચિહ્નો જોવા મળે છે અને ક્રીએટીનીનની માત્રામાં થોડો વધારો જોવા મળે છે.

સી.કે.ડી. સ્ટેજ-૪ : (૧૫-૨૯% કાર્યરત કિડની) :

ગંભીર સી.કે.ડી. : આ તબક્કામાં જોવા મળતા ચિહ્નોની માત્રા રોગના પ્રમાણ અને તેના કારણો મુજબ ઓછીથી માંડીને ગંભીર હોઈ શકે છે.

સી.કે.ડી. સ્ટેજ-૫ (૧૫%થી ઓછી કાર્યરત કિડની) :

આ સી.કે.ડી.ના અંતિમ તબક્કામાં જોવા મળતા ચિહ્નોની માત્રા રોગના પ્રમાણ અને કારણો મુજબ ગંભીરથી માંડીને જીવલેણ હોઈ શકે છે. શ્રેષ્ઠ અને ઘનિષ્ઠ સારવાર આપવા છતાં આ તબક્કે રોગના ચિહ્નો વધી શકે છે અને દર્દીને આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડી શકે છે. આ તબક્કાને એન્ડ સ્ટેજ કિડની ડિસીઝ પણ કહેવામાં આવે છે, જેમાં કિડનીની કાર્યક્ષમતા નહીવત કે સાવ ઓછી હોય છે.

લોહીનું દબાણ વધવું અને પેશાબમાં પ્રોટીન જવું તે આ રોગની પ્રથમ નિશાની હોઈ શકે છે.

સી.કે.ડી.નાં સામાન્ય ચિહ્નો

સી.કે.ડી. સ્ટેજ-૫ નાં સામાન્ય ચિહ્નો :

દરેક દર્દીમાં જોવા મળતા કિડની બગડવાના મુખ્ય ચિહ્નોઅને તેની માત્રા અલગ અલગ હોય છે. આ તબક્કે રોગના મુખ્ય ચિહ્નો નીચે મુજબ છે :

 • ખોરાકમાં અરુચિ, ઊલટી-ઉબકા થાય.
 • નબળાઈ લાગવી. વજન ઘટી જાય.
 • પગમાં, હાથમાં, ચહેરા પર, આંખો પર સોજા ચડવા.
 • લોહીનું દબાણ અત્યંત વધારે હોવું-નાની ઉંમરમાં લોહીનું દબાણ વધવું અથવા દવા લેવા છતાં કાબૂમાં ન આવવું.
 • થોડું કામ કરતા થાકી જવાય, શ્વાસ ચડે.
 • લોહીમાં ફિક્કાશ (એનિમિયા) : કિડનીમાં બનતા એરિથ્રોપોયેટીન નામના હોર્મોનમાં ઘટાડો થાય છે તેથી લોહી ઓછું બને છે.
 • વારંવાર પેશાબ કરવા જવું પડે (ખાસ કરીને રાત્રિ દરમિયાન).
 • કિડની રોગના કારણે હૃદય પર ગંભીર અસર થતા મૃત્યુ થવાની સંભાવના વધારે રહે છે.
 • ખંજવાળ આવે.
 • યાદશક્તિમાં ઘટાડો થાય. ઊંઘમાં નિયમિત ક્રમમાં ફેરફાર થાય.
 • દવા લેવા છતાં લોહીનું દબાણ નીચું ન આવે.
 • સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા અને પુરુષોમાં નપુંસકતા આવે.
 • કિડનીમાં બનતું સક્રિય વિટામિન-ડી ઓછું બનતા બાળકોમાં ઊંચાઈ ઓછી વધે છે. જ્યારે પુખ્તવયમાં હાડકામાં દુખાવો કે ફેરફાર થઈ શકે છે.
નબળાઈ, સોજા, અરુચિ અને ઉબકા તે ક્રોનિક કિડની ફેલ્યરના મોટા ભાગના દર્દીઓની સૌપ્રથમ ફરિયાદ હોય છે.

લોહીનું દબાણ વધારે હોય તેવા દર્દીઓમાં સી.કે.ડી.ની શક્યતા ક્યારે હોય છે?

નીચે દર્શાવેલ તકલીફ હોય ત્યારે લોહીના ઊંચા દબાણ ધરાવતા દર્દીઓમાં કિડનીની તકલીફ હોવાની શક્યતા વધારે રહે છે :

 • લોહીના ઊંચા દબાણના નિદાન વખતે દર્દીની ઉંમર ૩૦ વર્ષથી ઓછી અથવા ૫૦ વર્ષથી વધારે હોય.
 • જ્યારે નિદાન થાય ત્યારે લોહીનું દબાણ ખૂબ જ ઊંચું હોય (જેમ કે ૨૦૦/૧૨૦ mm of Hg).
 • દવા લેવા છતાં લોહીનું દબાણ કાબૂમાં ન આવે.
 • પેશાબમાં પ્રોટીન જોવા મળે.
 • લોહીના ઊંચા દબાણ સાથે સી.કે.ડી.ના ચિહ્નો હોય જેમ કે સોજા, ભૂખ ઓછી લાગવી, નબળાઈ વગેરે.

સી.કે.ડી.ના અંતિમ તબક્કામાં કયા પ્રકારની તકલીફો જોવા મળે છે?

કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં નીચે મુજબની તકલીફો જોવા મળે છે, જેની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ થઈ શકે છે.

 • ખૂબ જ શ્વાસ ચડે.
 • લોહીની ઊલટી થાય.
 • દર્દી ઘેનમાં રહે, આંચકી આવે અને દર્દી બેભાન થઈ જાય.
 • લોહીમાં પોટેશિયમનું પ્રમાણ વધવાથી હૃદય પર ગંભીર અસર થઈ હૃદય એકાએક બંધ થઈ જાય.
 • હૃદયની ચારે તરફ આવેલ સુરક્ષા કવચ પેરકાર્ડિયમમાં સોજો આવે.
નાની ઉંમરે લોહીનું દબાણ ખૂબ ઊંચું રહેવું તે ક્રોનિક કિડની ફેલ્યરની પ્રથમ નિશાની હોઈ શકે છે.

સી.કે.ડી.નું નિદાન

સી.કે.ડી.નું નિદાન :

સામાન્ય રીતે સી.કે.ડી.ના શરૂઆતના તબક્કામાં કોઈ પણ ચિહ્નો જોવા મળતા નથી તેથી લેબોરેટરીમાં તપાસ દ્વારા જ રોગનું નિદાન પ્રારંભિક તબક્કામાં થઈ શકે છે. કોઈ પણ દર્દીની ફરિયાદ જોઈ તેને તપાસતા કિડની ફેલ્યરની શંકા જણાય ત્યારે તરત જ નીચે મુજબની તપાસ દ્વારા રોગનું નિદાન થઈ શકે છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં નીચે મુજબની તકલીફો જોવા મળે છે, જેની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ થઈ શકે છે.

સી.કે.ડી.ના નિદાન માટે ત્રણ સરળ તપાસ લોહીનું દબાણ માપવું, પેશાબમાં પ્રોટીન માટે તપાસ કરવી અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કરવી તે છે.

૧. લોહીમાં હીમોગ્લોબીનનું પ્રમાણ :

આ પ્રમાણ ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં ઓછું હોય છે.

લોહીમાં ફિક્કાશ થવાનું કારણ કિડનીમાં બનતા એરિથ્રોપોયેટીનના પ્રમાણમાં થતો ઘટાડો છે.

૨. પેશાબની તપાસ :

પેશાબમાં પ્રોટીન જતું હોય તે ક્રોનિક કિડની ફેલ્યરની સૌપ્રથમ ભયસૂચક નિશાની હોઈ શકે છે. જોકે પેશાબમાં પ્રોટીન જવાના કિડની ફેલ્યર સિવાયના અન્ય ઘણા કારણો હોય છે, તેથી પેશાબમાં પ્રોટીન જતું હોય એટલે કિડની ફેલ્યર છે એમ ન માની શકાય. આ તપાસ દ્વારા પેશાબના ચેપનું નિદાન પણ થઈ શકે છે.

૩. લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ જાણવા માટેની તપાસ :

કિડની ફેલ્યરના નિદાન અને નિયમન માટે આ સૌથી અગત્યની તપાસ છે. કિડની વધુ બગડવા સાથે લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ પણ વધતું જાય છે. કિડની ફેલ્યરના દર્દીઓમાં થોડા થોડા સમયે આ તપાસ કરતા રહેવાથી કિડની કેટલી બગડી છે અને સારવારથી તેમાં કેટલો ફેરફાર થયો છે તેની માહિતી મળી શકે છે.

કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીનના પ્રમાણ કરતાં વધુ સચોટ તપાસ eGFR છે. eGFRની ગણતરી લોહીમાં ક્રીએટીનીન, ઉંમર, અને જાતિના આધારે કરવામાં આવે છે.

દવા લેવા છતાં લોહીમાં ફિક્કાશ ન સુધરે તેનું કારણ ક્રોનિક કિડની ફેલ્યર પણ હોઈ શકે છે.

૪. કિડનીની સોનોગ્રાફી :

કિડનીના ડૉક્ટરોની ત્રીજી આંખ સમાન આ તપાસ કિડની કયા કારણસર બગડી છે તેના નિદાન માટે અત્યંત મહત્ત્વની છે.

મોટા ભાગના ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં બંને કિડની કદમાં નાની અને સંકોચાયેલી જોવા મળે છે. એક્યુટ કિડની ફેલ્યર, ડાયાબિટીસ, એમાઈલોડોસીસ જેવી તકલીફોને કારણે જ્યારે કિડની બગડી હોય ત્યારે કિડનીના કદમાં વધારો થયેલો જોવા મળે છે. પથરી, મૂત્રમાર્ગનો અવરોધ અને પોલિસિસ્ટિક કિડની ડિસીઝ જેવા કિડની ફેલ્યરના કારણોનું સચોટ નિદાન સોનોગ્રાફી દ્વારા થઈ શકે છે.

૫. લોહીની અન્ય તપાસ :

સી.કે.ડી. કિડનીના અન્ય કાર્યો પર પણ અસર કરે છે, જે જાણવા માટે અલગ અલગ પ્રકારની તપાસ કરવામાં આવે છે જેમ કે -

 • સિરમ ઈલેક્ટ્રોલાઈટસ અને ઍસિડનું સમતુલન જાણવા માટે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ વગેરે તપાસ.
 • લોહીમાં ફિક્કાશ (ઍનિમિયા) માટે હેમેટોક્રિટ ટ્રાન્સફેરીન સૅચુરેશન પેરીફ્રલ સ્મિયર વગેરે તપાસ.
 • હાડકાં પર થયેલ આડઅસર માટે કૅલ્શિયમ, ફોસ્ફરસ, આલ્કલાઈન ફોસ્ફેટ પેરાથાઈરોડ હોર્મોન વગેરે તપાસ.
 • અન્ય ઉપયોગી તપાસ જેમ કે પ્રોટીન, સિરમ આલ્બ્યુમિન, કોલેસ્ટ્રોલ, ટ્રાઈગલીસેરાઈડ, બ્લડ ગ્લુકોઝ, હીમોગ્લોબીન A1C, ઈ.સી.જી. અને ઇકો કાર્ડિયોગ્રાફી વગેરેની તપાસનો સમાવેશ થાય છે.
સોનોગ્રાફીમાં બંને કિડની સંકોચાયેલી જણાય તે ક્રોનિક કિડની ફેલ્યર સૂચવે છે.

સી.કે.ડી.ના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો?

નીચે મુજબની તકલીફો થાય તો સી.કે.ડી.ના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો.

 • વજનમાં ખૂબ વધારો થાય, પેશાબ ઓછો આવે, ખૂબ સોજા ચડી જાય. શ્વાસ ચડે કે પથારી પર સીધા સૂવાથી શ્વાસ ચડે.
 • છાતીમાં દુખાવો થાય, ધબકારા વધી કે ઘટી જાય.
 • તાવ આવે, ઊલટી થાય, ભૂખ ન લાગે કે ઊલટીમાં લોહી આવે.
 • અત્યંત વધારે નબળાઈ લાગે.
 • દર્દી ઘેનમાં રહે, આંચકી આવે અને દર્દી બેભાન થઈ જાય.
 • લોહીના દબાણમાં નોંધપાત્ર ઘટાડો કે વધારો થાય.
 • પેશાબમાં લોહી જાય.
કિડની બચાવવા માટેની ત્રણ મુખ્ય તપાસ લોહીનું દબાણ માપવું, પેશાબની તપાસ અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ છે.