ક્રોનિક કિડની ફેલ્યરની સારવારની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે :

    - ક્રોનિક કિડની ફેલ્યરમાં શરૂઆતમાં જયારે કિડની વધુ બગડી ન હોય ત્યારે નિદાન બાદ દવા અને ખોરાકની પરેજી દ્વારા સારવાર આપવામાં આવે છે.
 
    - જયારે કિડની વધુ બગડે, કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય ત્યારે ડાયાલિસિસ ની જરૂર પડે છે અને તેમાના કેટલાક દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી વિશિષ્ટ સારવાર આપવા માં આવે છે.
 
દવા તથા પરેજી દ્વારા સારવાર
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓ માટે દવા તેમજ પરેજી દ્વારા સારવાર શા માટે અગત્યની છે?
ક્રોનિક કિડની ફેલ્યર ન મટી શકે તેવો રોગ છે. કિડની વધુ બગડે ત્ત્યારે જરૂરી ડાયાલીસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સારવાર ખર્ચાળ છે,બધે સરળતાથી ઉપલબ્ધ નથી અને સાજા થવાની સંપૂર્ણ ખાતરી આપતી નથી.તો શા માટે ઓછા ખર્ચે,ઘરઆંગણે શક્ય એવી દવા અને પરેજીની સારવારને ચુસ્તપણે અમલ કરી કિડનીને વધુ બગડતી ન અટકાવીએ ?
શા માટે ક્રોનિક કિડની ફેલ્યરના ઘણા દર્દીઓ દવા અને પરેજી દ્વારા સારવારનો ફાયદો લેવામાં નિષ્ફળ રહે છે?
ક્રોનિક કિડની ફેલ્યરના શરૂઆતના તબક્કામાં યોગ્ય સારવાર કિડનીને બગડતી અટકાવવામાં સૌથી વધુ અસરકારક રહે છે. કમનસીબે ક્રોનિક કિડની ફેલ્યરના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ઓછા હોય છે અને દર્દીઓ પોતાનું રોજબરોજનું કામ સરળતાથી કરતા હોય છે આથી ડૉક્ટર દ્વારા સમજણ અને ચેતવણી આપવા છતાં રોગની ગંભીરતા અને સમયસરની સારવારથી થતો ફાયદો દર્દી અને તેના કુટુંબીજનોના મગજમાં ઉતરતો નથી.
કિડની બગાડવા છતાં યોગ્ય સારવાર દ્વારા  દર્દી લાંબો સમય સુધી સ્વસ્થ રહી શકે છે.
                         
                    
                       
                            
                            અનિયમિત, અયોગ્ય અને અધૂરી સારવારને કારણે કિડની વધુ ઝડપથી બગડી શકે છે અને ટૂંકા સમયમાં તબિયત વધુ બગડતા ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી ખર્ચાળ સારવારની જરૂર પડે છે અને બેદરકારીને કારણે કેટલાક દર્દીઓ જિંદગી પણ ગુમાવી શકે છે.
દવા - પરેજી દ્વારા સારવારનો હેતુ શું છે?  
ક્રોનિક કિડની ફેલ્યરને મટાડી શકે તેવી કોઈ પણદવા ઉપલબ્ધ નથી. કોઈ પણ સારવાર છતાં આ રોગ ધીમેધીમે વધતો જાય છે. દવા તથા પરેજી દ્વારા સારવારના હેતુઓ નીચે મુજબ છે :
૧.	કિડનીની બચેલી કાર્યક્ષમતા જાળવી રાખવા અને કિડની બગડવાની ઝડપ ઘટાડવી.
૨.	રોગના કારણોની સારવાર.
૩.	રોગને કારણે દર્દીને થતી તકલીફમાં રાહત આપવી.
૪.	હૃદય રોગ થવાની શક્યતા ઘટાડવી.
૫.	ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કો શક્ય એટલો મોડો થાય તે માટે પ્રયત્નો કરવા.
સી.કે.ડી.ની દવા દ્વારા સારવારના સાત સોનેરી સૂચનો
૧. કિડની ફેલ્યરના કારણોની સારવાર :
સી.કે.ડી. થવા માટે જવાબદાર નીચે મુજબના રોગોની યોગ્ય સારવારથી ક્રોનિક કિડની ફેલ્યરમાં કિડનીને વધુ બગડતી અટકાવી શકાય, કિડનીની કાર્યક્ષમતા જાળવી શકાય અથવા કિડનીની કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે.
    - ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની યોગ્ય સારવાર.
 
    - બના ચેપની જરૂરી સારવાર.
 
    - પથરી માટે જરૂરી ઓપરશન કે દૂરબીન દ્વારા સારવાર.
 
    - અન્ય કારણો જેમ કે ગ્લોમેરુલોનેફ્રાઈટીસ, પથરી, દવાને કારણે કિડની પર થયેલ આડઅસર વગેરેની યોગ્ય સારવાર.
 
ક્રોનિક કિડની ફેલ્યરની શક્ય એટલી વહેલી સારવાર વધુ ફાયદાકારક રહે છે.
                         
                    
                       
                            
                            ૨.	કિડનીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટેની સારવાર : 
    - લોહીનું દબાણ કાબૂમાં રાખવું.
 
    - વધારે પ્રોટીનવાળો ખોરાક ન લેવો.
 
    - શરીરમાં પ્રવાહીની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવવી.
 
    - ઍસિડોસીસની સારવાર માટે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરવો.
 
૩.	કિડની ફેલ્યરને કારણે ઊભા થતા પ્રશ્નોની સારવાર : 
    - લોહીના દબાણને કાબૂમાં રાખવું.
 
    - સોજા ઘટાડવા માટે પેશાબ વધારવાની દવાઓ(ડાઈયુરેટીક્સ) આપવી.
 
    - ઊલટી-ઉબકા-ઍસિડિટી માટે ખાસ દવાઓ દ્વારા સારવાર આપવી.
 
    - હાડકાંની તંદુરસ્તી માટે કૅલ્શિયમ અને સક્રિય વિટામિન-ડી દ્વારા સારવાર આપવી.
 
    - લોહીની ફિક્કાશ (એનિમિયા) માટે લોહતત્ત્વ, વિટામિનની દવાઓ અને ખાસ જાતના એરિથ્રોપોયેટીન (Erythropoietin)ના ઈન્જેકશનો દ્વારા સારવાર આપવી.
 
૪.	કિડનીને થતું વધુ નુકસાન અટકાવવું : 
    - િડનીને નુકસાન કરે તેવી દવાઓ (પીડાશામક દવા, કેટલીક એન્ટિબાયોટિક્સ દવાઓ) કે આયુર્વેદિક ભસ્મ ન લેવી.
 
    - કિડનીને નુકસાન કરી શકે તેવા અન્ય રોગોની (ઝાડા-ઊલટી, ઝેરી મેલેરિયા, સેપ્ટિસેમિયા) વગેરેની સમયસર ઝડપી સારવાર કરવી.
 
    - કિડનીને નુકસાન કરી શકે તેવા કિડનીના રોગોની (પેશાબનો ચેપ, પથરી, મૂત્રમાર્ગમાં અવરોધ વગેરે) સમયસર ઝડપી સારવાર કરવી.
 
    - ધૂમ્રપાન ન કરવું. તમાકુ, ગુટકા તથા દારૂનું સેવન ન કરવું.
 
કિડની વધુ બગડતી અટકાવવા કિડની બગડવાના મૂળભૂત કારણોની યોગ્ય સારવાર જરૂરી છે.
                         
                    
                       
                            
                            જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અને સામાન્ય સૂચનો કિડનીને વધુ નુકસાન થતું અટકાવવા માટે નીચે મુજબ કાળજી જરૂરી હોય છે : 
    - ધૂમ્રપાન ન કરવું અને તંબાકુ, ગુટકા, દારૂનો ત્યાગ કરવો.
 
    - શરીરનું યોગ્ય વજન જાળવવું, નિયમિત કસરત કરવી અને કાર્યશીલ રહેવું.
 
    - પૌષ્ટિક ખોરાક લેવો અને ખોરાકમાં નમક(મીઠું) ઓછુ લેવું.
 
    - ડૉક્ટરને નિયમિત બતાવી ચેકઅપ કરાવતા રહેવું અને સૂચના મુજબ દવા નિયમિત લેવી.
 
૫. ખોરાકમાં પરેજી 
    - સોડિયમ (મીઠું) : લોહીના દબાણના કાબૂ અને સોજાને ઘટાડવા માટે મીઠું (નમક) ઓછું (રોજનું ૨થી ૩ ગ્રામ) લેવું જોઈએ. વધુ મીઠું ધરાવતા ખોરાક જેવા કે પાપડ, અથાણા, સંભાર, વેફર વગેરે સદંતર ન લેવા જોઈએ.
 
    - પ્રવાહીની માત્રા : પેશાબ ઓછો થવાથી સોજા અને શ્વાસની તકલીફ થઈ શકે છે. ૨૪ કલાકમાં થતા પેશાબમાં કુલ પ્રમાણ ઉપરાંત ૫૦૦ એમ.એલ. પ્રવાહી લેવાથી સોજા થતા અટકાવી શકાય છે. ટૂંકમાં, સોજા હોય તેવા દર્દીએ પ્રવાહી ઓછું લેવું અત્યંત આવશ્યક છે.
 
    - પોટેશિયમ : કિડની ફેલ્યરના દર્દીઓને પોટેશિયમ ધરાવતો ખોરાક જેવો કે ફળો, સુકોમેવો અને નારિયેળ પાણી વગેરે ઓછા લેવાની સલાહ દેવામાં આવે છે. પોટેશિયમનું વધારે પ્રમાણ હૃદય પર ગંભીર જીવલેણ અસર કરી શકે છે.
 
    - પ્રોટીન : કિડની ફેલ્યરના દર્દીઓને વધારે પ્રોટીનવાળો ખોરાક ન લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે શાકાહારી દર્દીઓના ખોરાકમાં પ્રોટીનના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર કરવાની જરૂર પડતી નથી. નબળા પ્રકારના પ્રોટીન ધરાવતા કઠોળવાળો ખોરાક ઓછા પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.
 
ચેપનો તરત અને પૂરતો કાબૂ કિડની બગડતી અટકાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.
                         
                    
                       
                            
                            
    - કેલરી : પૂરતા પ્રમાણમાં કેલરી (૩૫ Kcal/Kg) શરીરના જરૂરી પોષણ અને પ્રોટીનના બિનજરૂરી વ્યય અટકાવવા માટે જરૂરી છે.
 
    - ફોસ્ફરસ : ફોસ્ફરસયુક્ત પદાર્થો કિડની ફેલ્યરના દર્દીઓને ઓછા લેવા જરૂરી છે.
 
    - કિડની ફેલ્યરના દર્દીઓ માટે ખોરાક વિશે વિગતવાર માહિતી પ્રકરણનં. ૨૫માં આપવામાં આવી છે.
 
કિડની ફેલ્યરની દવા દ્વારા સારવારમાં સૌથી અગત્યની સારવાર કઈ છે? 
કિડની ફેલ્યરની સારવારમાં લોહીના દબાણને કાબૂમાં રાખવું તે સૌથી વધુ અગત્યનું છે. કિડની ફેલ્યરમાં મોટા ભાગના દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ જોવા મળે છે, જે નબળી કિડનીને બોજારૂપ બની તેને ઝડપથી નુકસાન કરી શકે છે.

કિડની ફેલ્યરમાં પેશાબ ઘટતા સોજા અને શ્વાસ ચડવાની તકલીફ પણ થઈ શકે છે. ડાઈયુરેટીક્સ તરીકે જાણીતી દવાઓ પેશાબનું પ્રમાણ વધારી સોજા, શ્વાસ ઘટાડી શકે છે. એ યાદ રાખવું જરૂરી છે કે આ દવાઓથી ફક્ત પેશાબનું પ્રમાણ વધે છે, કિડનીની કાર્યક્ષમતા વધતી નથી.
                         
                    
                       
                            
                            કિડની ફેલ્યરમાં શા માટે લોહીમાં ફિક્કાશ જોવા મળે છે? તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? 
સામાન્ય રીતે કામ કરતી કિડની એરીથ્રોપોયેટીન હોર્મોન બનાવે છે, જે રક્તકણ બનાવવામાં મદદરૂપ થાય છે. કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડનીની કાર્યક્ષમતા ઘટવા સાથે એરીથ્રોપોયેટીન ઓછું બને છે જેથી રક્તકણનું ઉત્પાદન ઘટે છે અને લોહીમાં ફિક્કાશ થાય છે.
લોહીમાં ફિક્કાશની સારવાર માટે જરૂરી લોહ અને વિટામિન ધરાવતી દવાઓ આપવામાં આવે છે. કિડની વધુ બગડે ત્યારે આ દવાઓ લેવા છતાં હીમોગ્લોબીનમાં ઘટાડો જોવા મળે છે. આ તબક્કે ખાસ જાતના એરીથ્રોપોયેટીનના ઈન્જેકશનો આપવામાં આવે છે. આ ઈન્જેકશનો ખૂબ જ અસરકારક રીતે હીમોગ્લોબીન વધારે છે. હીમોગ્લોબીન ઘણું જ ઓછું હોય તેવા કેટલાક દર્દીઓમાં લોહી ચડાવવાની જરૂર પડે છે.
લોહીની ફિક્કાશની સારવાર શા માટે જરૂરી છે? 
લોહીમાંનું હીમોગ્લોબીન ફેફસાંમાંથી ઓક્સિજન લઈ આખા શરીરમાં પહોંચાડવાનું અગત્યનું કામ કરે છે. લોહીની ફિક્કાશ એટલે કે હીમોગ્લોબીન ઘટી જવાને કારણે નબળાઈ લાગવી, થાક લાગવો, થોડું કામ કરવાથી શ્વાસ ચડી જવો, છાતીમાં દુખાવો થવો, શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવી વગેરે તકલીફો થઈ શકે છે. આથી કિડની ફેલ્યરના દર્દીની તંદુરસ્તી માટે લોહીની ફિક્કાશની સારવાર જરૂરી છે.
૬. કિડની ફેલ્યરની ભવિષ્યની સારવારની તૈયારી :  
    - કિડની ફેલ્યરના નિદાન બાદ ડાબા હાથની નસો (Veins)ને નુકસાન થતું અટકાવવા, તેમાંથી લોહી ન લેવું અને તેમાં કોઈ ઈન્જેક્શન કે બાટલા ન ચડાવવા.
 
    - હિપેટાઈટીસ-બીના વેક્સીનનો કોર્સ વહેલાસર આપવાથી જ્યારે ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે ત્યારે હિપેટાઈટીસ-બી (ઝેરી કમળો) થવાનું જોખમ ઘટાડી શકાય છે. હિપેટાઈટિસ-બી માટેના વેક્સીન ચાર વખત લેવાના હોય છે. જે સી.કે.ડી.ના નિદાન પછી તરત લેવા ફાયદાકારક છે. પહેલા ત્રણ ઈન્જેક્શન એક મહિનાના અંતરે અને ચોથું ઈન્જેક્શન ત્રીજા ઈન્જેક્શન બાદ ૪ મહિને. દરેક વખતે આ ઈન્જેક્શનનો ડોઝ સામાન્ય કરતાં બમણો હોય છે, જે 1 ml ડાબા હાથના ખભે અને 1 ml જમણા હાથના ખભે લેવાના રહેશે.
 
ક્રોનિક કિડની ફેલ્યરમાં ખોરાકની યોગ્ય પરેજીથી કિડની બગડતી અટકે છે.
                         
                    
                       
                            
                            - કિડની વધુ બગડે ત્યારે ડાયાલીસીસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે, જે વિશે દર્દી અને કુટુંબને માહિતી આપવામાં આવે છે.
 
- કિડની વધુ બગડે ત્યારે, ડાબા હાથમાં ધમની-શિરાનું જોડાણ એટલે કે એ.વી. ફિસ્ચ્યુલા(Arterio-Venous Fistula) કરાવવી, જે લાંબો સમય હિમોડાયાલિસીસ કરવા માટે જરૂરી છે.
 
- એ. વી. ફિસ્ચ્યુલાના ઓપરેશન બાદ હાથની શીરા ફૂલતા સામાન્ય રીતે એક મહિનાથી વધુ સમય લાગે છે અને ત્યારબાદ જ તેનો ઉપયોગ હિમોડાયાલીસીસ માટે થઈ શકે છે. આથી હિમોડાયાલીસીસની સંભવિત જરૂરિયાત પહેલા 6 મહિને એ. વી. ફિસ્ચ્યુલા કરાવવાની સલાહ આપવામાં આવે છે.
 
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા માંગતા દર્દી અને કુટુંબને વહેલાસરના (Pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ફાયદાઓ સમજાવવામાં આવે છે. ડાયાલિસિસની જરૂરિયાત ઊભી થાય તે પહેલા જ કરવામાં આવતા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનને “વહેલાસરનું (Pre-emptive)કિડની ટ્રાન્સપ્લાન્ટેશન” કહેવામાં આવે છે.
 
૭. નેફ્રોલોજિસ્ટ દ્વારા દેખરેખ અને તપાસ :
- કિડનીને થતું નુકસાન અટકાવવા માટે દર્દીએ નેફ્રોલોજિસ્ટની સૂચના મુજબ નિયમિતપણે તબિયત બતાવવી અને તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.
 
- નેફ્રોલોજિસ્ટ દર્દીની તકલીફ અને કિડનીની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈ કઈ પરેજી અને સારવાર દર્દીને અનુકૂળ રહેશે તે નક્કી કરે છે.
 
કિડનીને બચાવવા માટે સૌથી મહત્ત્વની સારવાર લોહીના
દબાણનો હંમેશ માટે યોગ્ય કાબૂ (૧૪૦/૮૪થી ઓછું) છે.