દવાને કારણે કિડનીને નુકસાન થવાનું સામાન્ય છે.
દવાને કારણે શરીરનાં બીજાં અંગો કરતાં કિડનીને નુકસાન થવાનો ભય શા માટે વધારે રહે છે?
દવાને કારણે કિડનીને નુકસાન થવાની શક્યતા વધારે હોવા માટેનાં મુખ્ય બે કારણો છે :
૧. કિડની દ્વારા દવાનો નિકાલ : મોટા ભાગની દવાઓનો શરીરમાંથી કિડની દ્વારા નિકાલ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક દવાઓ કે તેના રૂપાંતર બાદ બનેલા પદાર્થોથી કિડનીને નુકસાન થઈ શકે છે.
૨. કિડનીને વધુ લોહી પહોંચવું : હૃદયમાંથી દર મિનિટે નીકળતા કુલ લોહીનો પાંચમો ભાગ કિડનીમાં જાય છે. કદ અને વજનના પ્રમાણમાં આખા શરીરમાં સૌથી વધુ લોહી કિડનીમાં પહોંચે છે. આ કારણસર દવાઓ અને કિડનીને નુકસાનકારક અન્ય પદાર્થો પણ ટૂંકા સમયમાં, વધુ પ્રમાણમાં કિડનીમાં પહોંચવાથી કિડનીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.
કિડનીને નુકસાન કરતી મુખ્ય દવાઓ
૧. દર્દશામક દવાઓ :
શરીર અને સાંધાના દુખાવા માટે આ પ્રકારની દવાઓ ડૉક્ટરની સલાહ વગર મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. આ કારણસર દવાને લીધે કિડની બગડવા માટે દર્દશામક દવાઓ સૌથી વધારે જવાબદાર હોય છે.
દર્દશામક દવાઓ એટલે શું? કઈ કઈ દવાઓ આ પ્રકારની છે?
દુખાવો અને તાવ ઘટાડવા માટે વપરાતી દવાઓને દર્દશામક (Nonsteroidal Anti-Inflammatory Drugs-NSAIDs) દવા કહે છે. આ પ્રકારની સામાન્ય રીતે વપરાતી દવાઓમાં પેરાસીટેમોલ, એસ્પિરીન, આઈબુપ્રુફન, કીટોપ્રુફન ડાઈકલોફેનાક સોડિયમ, નીમેસુલાઈડ વગેરેનો સમાવેશ થાય છે.
દર્દશામક દવાઓ કિડની બગડવા માટેનું મુખ્ય કારણ છે.
શું દર્દશામક દવાઓથી હંમેશાં દરેક વ્યક્તિમાં કિડની બગડવાનું જોખમ રહે છે?
ના, ડૉક્ટરની સલાહ મુજબ એકંદરે યોગ્ય માત્રામાં અને થોડા સમય માટે દર્દશામક દવાઓનો ઉપયોગ સંપૂર્ણ સલામત હોય છે. પરંતુ આપણે એ જાણવું જરૂરી છે કે કિડનીને નુકસાન પહોંચાડતી દવાઓમાં અમાઈનોગ્લાઈકોસાઈડ ગ્રુપની દવાઓ પછી બીજા ક્રમે આવતી દવા દર્દશામક દવાઓ હોય છે.
દર્દશામક દવાઓથી કિડની બગડવાનું જોખમ ક્યારે રહે છે?
નીચેના સંજોગોમાં દર્દશામક દવાઓથી કિડની બગડવાનું જોખમ વધારે રહે છે :
- ડૉક્ટરની દેખરેખ વગર, લાંબા સમય માટે, વધુ ડોઝમાં દવાનો ઉપયોગ.
- એક જ ગોળીમાં એક સાથે ઘણી દર્દશામક દવાઓનાં મિશ્રણ ધરાવતી દવાઓનો લાંબા સમય માટે ઉપયોગ (જેમ કે એ.પી.સી. એસ્પિરીન, ફિનાસેટિન અને કેફીનનું મિશ્રણ ધરાવતી દવા છે).
- મોટી ઉંમરે, કિડની ફેલ્યર હોય ત્યારે, ડાયાબિટીસમાં અને શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી હોય ત્યારે દર્દશામક દવાઓનો ઉપયોગ.
કિડની ફેલ્યરના દર્દીઓને કઈ દર્દશામક દવા સૌથી વધુ સલામત છે?
પેરાસીટેમોલ (એસીટામીનોફેન) અન્ય દવાઓ કરતાં સલામત દવા છે.
ઘણા દર્દીઓને હૃદયની તકલીફ માટે હંમેશાં એસ્પિરીન લેવાની સૂચના આપવામાં આવે છે, તો શું તે કિડનીને નુકસાન કરી શકે છે?
હૃદયની તકલીફ માટે એસ્પિરીન નિયમિત પરંતુ ઓછા ડોઝમાં લેવાની સલાહ આપવામાં આવે છે, જે કિડની માટે જોખમરૂપ નથી.
શું દર્દશામક દવાઓથી બગડેલી કિડની ફરી સુધરી શકે છે?
હા અને ના.
અયોગ્ય રીતે લેવાતી દર્દશામક દવાઓ કિડની માટે જોખમરૂપ બની શકે છે.
હા, જ્યારે દર્દશામક દવા ટૂંકા સમય માટે લેવાને કારણે કિડની એકાએક બગડી હોય ત્યારે, તે દવા બંધ કરી યોગ્ય સારવાર આપવાથી બગડેલી કિડની ફરી સુધરી શકે છે.
ના, મોટી ઉંમરના કેટલાક દર્દીઓએ સાંધાના દુખાવા માટે લાંબા સમય માટે દર્દશામક દવા લેવી પડે છે. દોઢ-બે વર્ષકે તેથી વધુ લાંબો સમય એકધારી દવા લેવામાં આવે ત્યારે કેટલાક દર્દીઓમાં કિડની ધીરેધીરે ફરીથી ન સુધરી શકે તેવી રીતે નુકસાન પામી શકે છે.
લાંબા સમય માટે દર્દશામક દવાની કિડની પરની અસરનું વહેલું નિદાન કઈ રીતે કરવામાં આવે છે?
પેશાબની તપાસમાં પ્રોટીન જતું હોય તે કિડની પરની આડઅસરની સૌપ્રથમ અને એકમાત્ર નિશાની હોઈ શકે છે. કિડની વધુ બગડે ત્યારે લોહીની તપાસમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે જોવા મળે છે.
દર્દશામક દવાઓને કારણે કિડનીને થતું નુકસાન કઈ રીતે અટકાવી શકાય?
નીચે મુજબના સામાન્ય સૂચનોને ધ્યાનમાં લેવાથી દર્દશામક દવાને કારણે કિડનીને થતું નુકસાન અટકાવી શકાય છે :
- બિનજરૂરી દર્દશામક દવાઓનો ઉપયોગ ન કરવો.
- દર્દશામક દવાઓ લાંબા સમય માટે ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી.
- દરરોજ પુષ્કળ પાણી પીવું. શરીરમાં યોગ્ય પ્રવાહીને કારણે કિડનીને પૂરતું લોહી પહોંચાડશે અને કિડનીને થતું નુકસાન અટકાવી શકશે.
મોટી ઉંમર, ડાયાબિટીસ અને શરીરમાં પ્રવાહી ઊંચું હોય ત્યારે દવાની કિડની પર આડઅસર થવાનો ભય વધારે રહે છે.
૨. એમાઈનોગ્લાઈકોસાઈડ્રસ :
ચેપ પર કાબૂ રાખવા માટે અસરકારક એમાઈનોગ્લાયકોસાઇડ ઈંજેક્શનો કિડનીને નુકસાન કરી શકે છે. આ ઈંજેક્શન ચાલુ કર્યા પછી ૭-૧૦ દિવસે કિડનીને નુકસાન થઈ શકે છે. આ દવાથી કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવા છતાં પેશાબની માત્રામાં કોઈ ઘટાડો થતો નથી તેથી ઘણીવાર આ પ્રકારના દર્દીમાં કિડની ફેલ્યરનું નિદાન ચૂકી જાય છે.
જ્યારે આ ઈન્જેકશનો લાંબા સમય માટે, વધુ ડોઝમાં લેવાં પડે કે મોટી ઉંમર, નબળી કિડની, શરીરમાં પ્રવાહી ઊંચું હોય તે સંજોગોમાં વાપરવા જરૂરી હોય ત્યારે કિડની બગડવાની શક્યતા વધારે રહે છે.
આ દવા જો સમયસર બંધ કરી દેવામાં આવે તો મોટા ભાગના દર્દીઓની કિડની થોડા સમયમાં સંપૂર્ણપણે કામ કરતી થઈ જાય છે.
એમાઈનોગ્લાઈકોસાઈડ્સ દવાઓને કારણે થતું નુકસાન કેવી રીતે અટકાવી શકાય?
કિડનીને આ પ્રકારની દવાઓને કારણે થતું નુકસાન અટકાવવા માટેના સૂચનો નીચે મુજબ છે :
- દિવસમાં બે વખતને બદલે એક વખત જ આ ઇન્જેક્શન આપવાથી કિડની ઉપર થતી આડઅસર ઘટી જાય છે.
- યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયગાળા માટે આ દવાના ઉપયોગથી કિડની પર થતી આડઅસર ઘટાડી કે અટકાવી શકાય છે.
- જે વ્યક્તિઓની કિડની ઓછી કામ કરતી હોય તેમને આ પ્રકારના ઇન્જેક્શનના ડોઝમાં ઘટાડો થવાથી કિડની પર થતી આડઅસર ઘટાડી શકાય છે.
- કિડની પર આડઅસરના વહેલા નિદાન માટે ઇન્જેક્શન ચાલુ હોય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ લોહીની ક્રીએટીનીનની તપાસ કરાવવી અને રીપોર્ટ મુજબ સારવારમાં ફેરફાર કરવો.
એમાઈનોગ્લાઈકોસાઈડ્ર્સથી કિડનીને નુકસાન થવા છતાં પેશાબની માત્રામાં ઘટાડો થતો નથી.
૩. રેડિયોકોન્ટ્રાસ્ટ ઈન્જેકશનો :
રેડિયોકોન્ટ્રાસ્ટ ઈન્જેકશનોને કારણે કેટલાક દર્દીઓમાં કિડની બગડવાનું જોખમ રહે છે. પરંતુ મોટા ભાગના દર્દીઓમાં આ પ્રકારે કિડનીને થયેલ નુકસાન ધીરેધીરે સુધરી શકે છે. જે દર્દીઓની કિડની ઓછી કામ કરતી હોય, જેમને ડાયાબિટીસ હોય, શરીરમાં પ્રવાહી ઘણું ઘટી ગયું હોય, ઉંમર વધારે હોય કે સાથે કિડનીને નુકસાન કરે તેવી અન્ય દવા ચાલતી હોય ત્યારે આ આયોડિન ધરાવતા પદાર્થનાં ઈન્જેક્શન દ્વારા એક્સ-રે પાડ્યા બાદ કિડની બગડવાની શક્યતા રહે છે. મોટા ભાગના દર્દીઓમાં કિડનીને થયેલું નુકસાન ધીરેધીરે સુધરી જાય છે.
રેડિયોકોન્ટ્રાસ્ટના ઈન્જેકશનનો ડોઝ ઓછો કરવો, નોન આઈયોનિક કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરવો, શરીરમાં પ્રવાહીનું પ્રમાણ પૂરતું જાળવવું અને ડૉક્ટરની સલાહ મુજબ સોડાબાઈકાર્બન અને એસીટાઈલસિસટીન નામની દવા આપવાથી કિડનીને થતા નુકસાનને ઘટાડી શકાય છે.
૪. અન્ય દવાઓ :
કેટલીક વખત કિડનીને નુકસાન કરી શકે તેવી અન્ય દવાઓમાં અમુક એન્ટિબાયોટિકસ, કૅન્સરની સારવારમાં વપરાતી દવાઓ અને ટી.બી.ની સારવારમાં વપરાતી દવાઓનો પણ સમાવેશ થાય છે.
૫. આયુર્વેદિક દવાઓ :
- આયુર્વેદિક દવાઓની કોઈ આડઅસર થતી નથી તે ખોટી માન્યતા છે.
- આયુર્વેદિક દવામાં વપરાતી ભારે ધાતુઓ (સીસું, પારો વગેરે)થી કિડનીને નુકસાન થઈ શકે છે.
- આ ઉપરાંત કિડની ફેલ્યરના દર્દીઓમાં અમુક પ્રકારની આયુર્વેદિક દવાઓ કેટલીક વખતે જોખમી બની શકે છે.
- કેટલીક દવાઓમાં પોટેશિયમનું વધુ પ્રમાણ કિડની ફેલ્યરના દર્દીઓ માટે જીવલેણ બની શકે છે.
આયુર્વેદિક દવાઓ કિડની માટે હંમેશાં સંપૂર્ણપણે સલામત છે તે ખોટી માન્યતા છે.