Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

કિડનીના રોગોના ચિહનો

કિડનીનાં જુદા જુદા રોગોના અલગ અલગ ચિહ્નો હોય છે, જે રોગનાં પ્રકાર અને તીવ્રતા પર આધાર રાખે છે. ઘણી વખત ચિહ્નો કિડની સંબંધિત તકલીફ દર્શાવતા નથી. અને કિડનીને કારણે સામાન્ય તકલીફ હોય તેવા દર્દીઓમાં વહેલું નિદાન થઈ શકતું નથી.

સામાન્ય રૂપે જોવા મળતા ચિહ્નો

  • મોં અને પગ પર સોજા :

  • સામાન્ય રીતે કિડનીની તકલીફ વાળા દર્દીઓમાં મોં, પગ અને પેટ પર સોજા જોવા મળે છે. કિડનીના દર્દીઓમાં સોજા ચડવાની લાક્ષણિકતા એ છે કે તે આંખોની નીચેના પોપચાથી શરૂ થાય છે અને સવારે વધુ જોવા મળે છે. કિડની ફેલ્યર તે સોજા હોવા માટેનું સામાન્ય અને મુખ્ય કારણ છે. પરંતુ દર વખતે સોજા હોવા તે કિડનીનો રોગ છે તેમ સૂચવતું નથી. કિડનીના કેટલાક રોગોમાં કિડનીની કાર્યક્ષમતા બરાબર હોવા છતાં સોજા જોવા મળે છે (Nephrotic Syndrome). બંને કિડની ઓછું કામ કરતી હોય તેવા અમુક દર્દીઓમાં સોજા જોવા મળતા જ નથી અને તેથી આવા દર્દીઓમાં નિદાન ઘણું મોડું થાય છે.

  • ભૂખ ઓછી લાગવી, ઊલટી ઉબકા થવા :

  • ભૂખ ઓછી લાગવી, ખોરાક બેસ્વાદ લાગવો અને ખોરાકની માત્રામાં ઘટાડો થવો તે કિડની ફેલ્યરના દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળતા ચિહ્નો છે. કિડનીના રોગમાં વધારો થતા કિડની વધુ બગડવા સાથે લોહીમાં ઉત્સર્ગ અને ઝેરી પદાર્થોનું પ્રમાણ વધતા દર્દીને ઊલટી ઉબકા અને હેડકી આવે છે.

  • નાની ઉંમરે લોહીનું ઊંચું દબાણ :

  • કિડની ફેલ્યરના દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ હોવું સામાન્ય છે. પરંતુ જો નાની ઉંમરે (૩૦ વર્ષ કરતાં ઓછી) અથવા નિદાન વખતે લોહીનું દબાણ ખૂબ જ ઊંચું હોવું તે કિડની રોગની તકલીફ સૂચવી શકે છે.

સવારે મોં તથા આંખો પર સોજા આવવા તે કિડનીના રોગની સૌ પ્રથમ નિશાની હોઈ શકે છે.

  • લોહીમાં ફિક્કાશ અને નબળાઈ :

  • નબળાઈ, જલદી થાક લાગવો કામમાં રુચિન લાગવી, લોહીમાં ફિક્કાશ (એનિમિયા) વગેરે ક્રોનિક કિડની ફેલ્યરના સામાન્ય ચિહ્નો છે. ઘણી વખત કિડની ફેલ્યરના પ્રાથમિક તબક્કે આટલી જ ફરિયાદો જોવા મળે છે. ઍનિમિયા માટે જરૂરી બધી જ પ્રાથમિક સારવાર આપવા છતાં જો લોહીમાં હીમોગ્લોબીનનું પ્રમાણના સુધરે તો કિડનીની તપાસ અચૂક કરાવવી જોઈએ.

  • સામાન્ય ફરિયાદો :

  • કમરનો દુખાવો, શરીર તૂટવું, ખંજવાળ આવવી, પગ દુખવા - આ બધા ચિહ્નો કિડની રોગના ઘણા દર્દીઓમાં વારંવાર જોવા મળે છે. શરીરનો વિકાસ ઓછો થવો, ઊંચાઈ ઓછી થવી અને લાંબા હાડકાઓ વળી જવાની ફરિયાદ કિડની ફેલ્યરના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

  • પેશાબમાં ફરિયાદો ફરિયાદો :

  • ૧. પેશાબ ઓછો આવવો અને સોજા ચડી જવા એ કિડનીના ઘણા રોગોમાં જોવા મળતી સામાન્ય ફરિયાદ છે.

    ૨. પેશાબમાં બળતરા થવી, લોહી કે પરુ આવવું, વારંવાર પેશાબ લાગવો આ બધા મૂત્રમાર્ગના ચેપના ચિહ્નો છે.

    ૩. પેશાબ ઉતરવામાં તકલીફ થવી, જોર કરવું પડે, પેશાબ ટીપે ટીપે ઉતરવો કે પેશાબની ધાર પાતળી આવવી તે મૂત્રમાર્ગમાં અવરોધ સૂચવે છે.

મૂત્રમાર્ગમાં અવરોધમાં વધારો થતા પેશાબ સંપૂર્ણપણે બંધ થઈ જવાની ફરિયાદ પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે.

દર્દીઓમાં ઉપર મુજબના અમુક ચિહ્નોની હાજરી હોવા છતાં એ જરૂરી નથી કે તે દર્દીને કિડની રોગ છે. પરંતુ જે વ્યક્તિઓમાં ઉપર મુજબના ચિહ્નો જોવા મળે, તેવી વ્યક્તિઓએ વહેલાસર ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવવી હિતાવહ છે. એ યાદ રાખવું જરૂરી છે કે કેટલીક વખત કિડનીના ગંભીર રોગ હોવા છતાં તેના કોઈ નોંધપાત્ર ચિહ્નો જોવા મળતા નથી અને આવા દર્દીઓમાં રોગનું નિદાન ઘણું મોડું થાય છે.

નાની ઉંમરે લોહીનું ઊંચું દબાણ રહેવું તે કિડનીની તકલીફની ભયસૂચક નિશાની હોઈ શકે છે.