Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

બાળકને રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ બાળકની ઉંમર વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઈ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે ચિંતાજનક પ્રશ્ન છે. સદ્ભાગ્યે મોટા ભાગનાં બાળકોમાં આ પ્રશ્ન કિડનીના કોઈ રોગને કારણે નથી હોતો.

આ પ્રશ્ન બાળકોમાં ક્યારે વધારે જોવા મળે છે?

  • જે બાળકનાં માતા-પિતામાં તેમનાં બાળપણમાં આ તકલીફ જોવા મળી હોય.
  • માનસિક વિકાસ નબળો હોય તેવા બાળકોને પેશાબ ભેગો થાય ત્યારે પેશાબ કરવા જવું જોઈએ તેનો ખ્યાલ આવતો નથી.
  • છોકરી કરતાં છોકરામાં આ પ્રશ્ન ત્રણ ગણો વધારે જોવા મળે છે.
  • ગાઢ ઊંઘ આવતી હોય તેવાં બાળકોમાં આ પ્રશ્ન વધુ જોવા મળે છે.
  • માનસિક તણાવને કારણે ઘણી વખત આ પ્રશ્ન સારું થતો કે વધતો જોવા મળે છે.

આ પ્રશ્ન કેટલાં બાળકોમાં જોવા મળે છે અને તે ક્યારે મટે છે?

  • આ તકલીફ સામાન્ય રીતે ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.
  • ૫ વર્ષ કરતાં વધુ ઉંમરનાં ૧૦-૧૫% બાળકોમાં આ તકલીફ જોવા મળે છે.
  • સામાન્ય રીતે ઉંમર વધવા સાથે આ પ્રશ્ન આપમેળે ઘટતો જાય છે અને મટી જાય છે. ૧૦ વર્ષની ઉંમરે આ પ્રશ્ન ૩% અને ૧૫ વર્ષ કરતાં વધુ ઉંમરે ૧% કરતાં ઓછા બાળકોમાં આ પ્રશ્ન જોવા મળે છે.
બાળકને રાત્રેપથારીમાં પેશાબ થવો એ રોગનથી.

પથારીમાં પેશાબ થઈ જવો તે ક્યારે ગંભીર ગણાય? પથારીમાં પેશાબ થઈ જવો તે એવી સ્થિતિમાં ગંભીર ગણાય જ્યારે :

  • દિવસ દરમિયાન પેશાબ થઈ જતો હોય.
  • ઝાડા પર પણ કાબૂ ન રહેતો હોય.
  • દિવસે પેશાબ કરવા વારંવાર જવું પડતું હોય.
  • પેશાબમાં વારંવાર ચેપ થતો હોય.
  • પેશાબની ધાર પાતળી હોય કે પેશાબ ટીપે ટીપે થતો હોય.

પથારીમાં પેશાબ થઈ જતો હોય તે બાળકોમાં ક્યારે અને કઈ તપાસ કરવી જરૂરી છે?

રાત્રે પેશાબ થવા માટે જ્યારે કોઈ જન્મજાત ક્ષતિ કે મેડિકલ બીમારીની શંકા હોય તેવા બાળકોમાં જ તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં લોહીમાં ખાંડની તપાસ, પેશાબની તપાસ, મણકાનો એક્સ-રે, સોનોગ્રાફી અને કિડની અને મૂત્રાશયને લગતી અન્ય તપાસનો સમાવેશ થાય છે.

સારવાર :

આ તકલીફ કોઈ રોગ નથી કે બાળક જાણીબૂઝીને પથારીમાં પેશાબ કરતું નથી. તેથી બાળકને ધમકાવવા કે એના પર ગુસ્સો કરવાને બદલે, આ પ્રશ્નની સારવારની શરૂઆત સહાનુભૂતિપૂર્વક કાળજીથી કરવામાં આવે છે. સારવારની શરૂઆતમાં બાળકને સમજણ અને પ્રોત્સાહન આપવું, પ્રવાહી લેવાની અને પેશાબ જવાની ટેવમાં ફેરફાર કરવો અને તેમ છતાં આ તકલીફમાં રાહત ન મળે તો ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવી જોઈએ.

૧. સમજણ અને પ્રોત્સાહન :

બાળકને આ તકલીફ વિશે યોગ્ય સમજણ આપવી અત્યંત જરૂરી છે. રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો તે કોઈ ચિંતાજનક પ્રશ્ન નથી અને તે મટી જ જશે તેવી સમજણ માનસિક તણાવ ઘટાડવામાં અને પ્રશ્નને વહેલો હલ કરવામાં મદદરૂપ બને છે. આ પ્રશ્નની ચર્ચા કરી બાળકને કદી ઉતારી પાડવું નહીં, તેના પર ખિજાવું નહીં કે તેની નિંદા ન કરવી જોઈએ. જે રાત્રે બાળક પથારી ભીની ન કરે ત્યારે તેના પ્રયત્નની પ્રશંસા કરવી અને તે માટે નાની એવી ભેટ આપવી તે બાળકને આ પ્રશ્નહલ કરવામાં પ્રોત્સાહન આપે છે.

ઉંમર વધવા સાથે ફક્ત સહાનુભૂતિ અને પ્રોત્સાહનથી આ પ્રશ્ન હલ થઈ જાય છે.

૨. પ્રવાહી લેવામાં ફેરફાર

  • રાત્રે સૂતા પહેલાં ૨-૩ કલાક ઓછું પ્રવાહી લેવું. પરંતુ દિવસ દરમિયાન વધુ પ્રવાહી લેવાનું રાખવું.
  • સાંજે ૬ વાગ્યા બાદ પ્રવાહી ઓછી માત્રામાં લેવું અને કેફીન ધરાવતાં પીણાં (ચા, કૉફી વગેરે) સાંજે ન લેવાં.

૩. પેશાબ કરવાની ટેવમાં ફેરફાર :

  • રાત્રે સૂતા પહેલાં હમેશાં બાળકને પેશાબ કરાવી સૂવાની ટેવ પાડવી.
  • આ ઉપરાંત રાત્રે બાળકને ઉઠાડી ૨-૩ વખત પેશાબ કરાવી લેવાથી પથારીમાં પેશાબ થતો નથી.
  • દરરોજ રાત્રે સૂતા પછીના ત્રણ કલાકે બાળકને ઉઠાડીને પેશાબ કરાવી લેવો અને શક્ય હોય તો એલાર્મ પણ રાખવો.
  • સામાન્ય રીતે પથારીમાં પેશાબ કયા સમયે થાય છે તેને ધ્યાનમાં રાખી સમય પહેલાં બાળકને ઉઠાડી પેશાબ કરાવી લેવો.
  • બાળકને ડાઇપર પહેરાવવાથી રાત્રે પથારી ભીની થતી અટકાવી શકાય છે.

૪. મૂત્રાશયની તાલીમ :

ઘણાં બાળકોમાં મૂત્રાશયમાં ઓછો પેશાબ સમાઈ શકે છે. આવાં બાળકોને ઓછા સમયના અંતરે વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને રાત્રે પથારીમાં પેશાબ થઈ જાય છે.

આવાં બાળકોને દિવસ દરમિયાન પેશાબ લાગે ત્યારે રોકી રાખવો, પેશાબ થોડો કરી વચ્ચે રોકી રાખવો વગેરે મૂત્રાશયની કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની કસરતોથી મૂત્રાશય મજબૂત બને છે. તેમાં પેશાબ સમાવવાની ક્ષમતા વધે છે અને પેશાબ પરનો કાબૂ વધે છે.

સાંજ પછી પ્રવાહી ઓછું લેવું, સમયસર પેશાબ કરાવી લેવો તે અગત્યની સારવાર છે.

૫. એલાર્મ સિસ્ટમ :

પેશાબ થવાથી નીકર ભીનું થાય કે તરત જ તેની સાથે જોડેલી બેલ રણકે તે પ્રકારની એલાર્મ સિસ્ટમ વિકસિત દેશોમાં ઉપલબ્ધ છે. પેશાબ થવાની ચેતવણી બાળક જાણીને તરત જ પેશાબ રોકી લે છે. આ પ્રકારની તાલીમથી પ્રશ્ન વહેલો હલ થઈ શકે છે. આ પ્રકારનાં ઉપકરણો સામાન્ય રીતે ૭ વર્ષ કરતાં મોટી ઉંમરનાં બાળકો માટે વપરાય છે.

૬. દવા દ્વારા સારવાર :

જ્યારે આગળ ચર્ચા મુજબના પ્રયત્નો નિષ્ફળ નીવડે અને બાળકની ઉંમર સાત વર્ષ કરતાં વધારે હોય ત્યારે દવા દ્વારા સારવાર કરવામાં આવે છે. દવાની સારવારથી પથારીમાં પેશાબ થતો બંધ થાય છે પરંતુ દવા બંધ કર્યા બાદ પ્રશ્ન ફરી પહેલાંની જેમ જોવા મળે છે. ટૂંકમાં, માત્ર દવા લેવી આ તકલીફનો કાયમી ઈલાજ નથી.

આ માટે મુખ્યત્વે વપરાતી દવામાં ઈમિપ્રેમીન અને ડેસ્મોપ્રેસિનનો સમાવેશ થાય છે. આ દવાનો ઉપયોગ ઉપર ચર્ચા કર્યા મુજબનાં સૂચનોની સાથે જ કરવામાં આવે છે.

ઈમિપ્રેમીન તરીકે ઓળખાતી દવાનો ઉપયોગ ૭ વર્ષ કરતાં વધુ ઉંમરનાં બાળકોમાં જ કરવામાં આવે છે. આ દવા મૂત્રાશયનાં સ્નાયુઓને શિથિલ કરે છે, જેથી મૂત્રાશયમાં વધુ પેશાબ સમાઈ શકે છે. આ ઉપરાંત આ દવા પેશાબ ન ઉતારે તે માટે જવાબદાર સ્નાયુને વધુ સંકોચાવામાં મદદ કરી પેશાબ થઈ જતો અટકાવે છે. આ દવા ડૉક્ટરોની દેખરેખ નીચે આશરે ૩-૬ મહિના માટે આપવામાં આવે છે.

ડેસ્મોપ્રેસિન (DDAVP) તરીકે ઓળખાતી દવા સ્પ્રે તથા ગોળી તરીકે મળે છે, જે લેવાથી રાત્રે ઓછો પેશાબ બને છે. જે બાળકોમાં રાત્રે વધુ પેશાબ બનતો હોય તેમાં આ દવા ખૂબ જ ઉપયોગી છે. આ દવા રાત્રે પથારીમાં થતો પેશાબ અટકાવવામાં અક્સીર હોવા છતાં, ખૂબ જ મોંઘી હોવાને કારણે બધાં બાળકોમાં તે વાપરી શકાતી નથી.

આ રોગમાં દવાની જરૂરિયાત બહુ જ ઓછા બાળકોમાં પડે છે.

પથારીમાં પેશાબ થઈ જતો હોય તે માટે ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ?

નીચે મુજબના પ્રશ્નો હોય ત્યારે બાળકના કુટુંબીજનોએ ડૉક્ટરની સલાહ તુરંત લેવી જરૂરી છે :

  • દિવસ દરમિયાન પથારીમાં પેશાબ થઈ જવો.
  • ૭ કે ૮ વર્ષની ઉંમર બાદ પણ પથારીમાં પેશાબ થવો.
  • તાવ, દુખાવો, પેશાબમાં બળતરા, અત્યંત તરસ લાગવી અથવા મોં પર અને પગ પર સોજા ચડી જવા.
  • પેશાબ અટકી-અટકીને આવવો કે જોર કરવું પડે.
  • પેશાબની જેમ ઝાડા પર પણકાબૂના હોવો.
બાળકને દિવસ દરમ્યાન પથારીમાં પેશાબ થઈ જતો હોય ત્યારે ડૉક્ટરનો સંપર્ક તુરંત કરવો જોઈએ.