Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

પ્રોસ્ટેટની તકલીફ - બી.પી.એચ.

પ્રોસ્ટેટની ગ્રંથિ ફક્ત પુરુષોમાં જ હોય છે. પ્રોસ્ટેટની ગ્રંથિની તકલીફ થવાથી પેશાબમાં તકલીફ સામાન્ય રીતે પુરુષોમાં ૬૦ વર્ષ બાદ એટલે કે મોટી ઉંમરે જોવા મળે છે.

ભારત અને વિશ્વભરમાં આયુષ્ય રેખામાં થયેલા વધારા સાથે બી.પી.એચ.ના પ્રશ્નના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે.

પ્રોસ્ટેટ ક્યાં આવેલ હોય છે? તેનું કાર્ય શું છે?

પુરુષોમાં સોપારીના કદની પ્રોસ્ટેટ મૂત્રાશયના નીચેના (Bladder Neck) ભાગમાં આવેલ હોય છે અને તે મૂત્રનલિકા (યુરેથ્રા)ના શરૂઆતના ભાગની આસપાસ વીંટળાયેલી હોય છે. એટલે કે મૂત્રાશયમાંથી નીકળતી મૂત્રનલિકાનો શરૂઆતનો ભાગ પ્રોસ્ટેટની વચ્ચેથી પસાર થાય છે.

વીર્ય લઈ જતી નલિકાઓ પ્રોસ્ટેટમાંથી પસાર થઈ મૂત્રનલિકામાં બંને બાજુ ખૂલે છે. આ કારણસર પ્રોસ્ટેટ ગ્રંથિ તે પુરુષોના પ્રજનનતંત્રનું એક અગત્યનું અંગ છે.

બી.પી.એચ. - બીનાઈન પ્રોસ્ટેટિક હાઈપરટ્રોફી (Benign Prostatic Hypertrophy) એટલે શું?

  • બીનાઈન પ્રોસ્ટેટિક એટલે કે ઉંમર વધવા સાથે સામાન્ય રીતે જોવા મળે તે પ્રકારની પ્રોસ્ટેટની તકલીફ.
  • હાઈપરટ્રોફી એટલે કે પ્રોસ્ટેટનું કદ વધવું.

ટૂંકમાં, ઉંમર વધવા સાથે પુરુષોમાં પ્રોસ્ટેટની ગ્રંથિના કદમાં વધારો થતાં, સામાન્ય રીતે જોવા મળતી તકલીફને બી.પી.એચ. કહે છે.

પ્રોસ્ટેટનું કદ વધવાને કારણે તે મૂત્રમાર્ગમાં અવરોધ કરે અને પેશાબ કરવામાં તકલીફ પડે છે. મૂત્રનલિકા સાંકડી થવાને કારણે પેશાબની ધાર ધીમી અને પાતળી થાય છે. આ બી.પી.એચ.ની તકલીફમાં ચેપ, કૅન્સર કે અન્ય કારણોને લીધે થતી પ્રોસ્ટેટની તકલીફનો સમાવેશ થતો નથી.

બી.પી.એચ. તે ફક્ત મોટી ઉંમરના પુરુષોમાં જોવા મળતો રોગ છે. જેમાં મોટી ઉંમરે પેશાબમાં તકલીફ જોવા મળે છે.

ચિહનો

બી.પી.એચ.નાં ચિહ્નો :

બી.પી.એચ.નાં ચિહ્નો સામાન્ય રીતે ૫૦ વર્ષની ઉંમર પછી જોવા મળે છે. ૬૦ વર્ષની ઉંમર બાદ અડધાથી વધુ પુરુષોમાં અને ૭૦ થી ૮૦ વર્ષે ૯૦% પુરુષોમાં બી.પી.એચ.ના ચિહ્નો જોવા મળે છે.

બી.પી.એચ.ને કારણે પુરુષોમાં થતી મુખ્ય તકલીફો નીચે મુજબ છે :

  • રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે.
  • પેશાબની ધાર ધીમી અને પાતળી થાય.
  • પેશાબ ઉતરવાની શરૂઆતમાં સમય લાગે.
  • અટકી-અટકીને પેશાબ થાય.
  • પેશાબ લાગે ત્યારે તરત જવું પડે અને કાબૂ ન રહે, ક્યારેક કપડાંમાં જ પેશાબ થઈ જાય.
  • પેશાબ થઈ ગયા પછી ટીપે ટીપે પેશાબ ઊતરે.
  • પેશાબ સંપૂર્ણ રીતે ન ઊતરવો, પેશાબ કર્યાનો સંતોષ ન થાય.
બી.પી.એચ.ને કારણે પેશાબની ધાર ધીમી આવે છે અને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે છે.

બી.પી.એચ.ને કારણે ઊભા થતા ગંભીર પ્રશ્નો :

પ્રોસ્ટેટનું કદ ખૂબ જ વધારે હોય અને લાંબા સમય સુધી તેની સારવાર ન કરવામાં આવે તો અમુક દર્દીઓમાં તેને કારણે નીચે મુજબના ગંભીર પ્રશ્નો પણ થઈ શકે.

  1. પેશાબ એકાએક સાવ અટકી જાય, પ્રોસ્ટેટનું કદ ઘણું વધારે હોય અને તેની સારવાર લાંબા સમય સુધી ન કરવામાં આવે તો એક તબક્કે પેશાબ ઉતરવાનું સદંતર રીતે બંધ થઈ જાય તેવું બની શકે છે. આ પ્રકારના દર્દીઓમાં પેશાબ ઉતારવા માટે કેથેટર મૂકવું પડે છે.
  2. પેશાબ સંપૂર્ણ રીતે ન ઉતરવાને કારણે પેશાબ મૂત્રાશયમાંથી ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી થતો નથી. આ કારણસર પેશાબમાં વારંવાર ચેપ થઈ શકે છે અને ચેપ કાબૂમાં લેવામાં તકલીફ પડે છે.
  3. મૂત્રમાર્ગમાં અવરોધ વધે ત્યારે મૂત્રાશયમાં ઘણો વધુ પેશાબ એકઠો થાય છે. આ કારણસર કિડનીમાંથી મૂત્રાશયમાં આવતા પેશાબના માર્ગમાં અવરોધ ઊભો થાય છે, જેથી મૂત્રવાહિની અને કિડની ફૂલી જાય છે. આ પ્રશ્ન વધે તો કિડની ફેલ્યર પણ થઈ શકે છે.
  4. મૂત્રાશયમાં હમેશાં પેશાબ રહેતો હોવાથી પથરી થવાની સંભાવના રહે છે.

શું ૫૦-૬૦ વર્ષની વય પછી દરેક પુરુષને બી.પી.એચ.ની તકલીફ થાય છે?

ના. પ્રોસ્ટેટની ગ્રંથિનું કદ વધવા છતાં બધા જ પુરુષોને મોટી ઉંમરે બી.પી.એચ.નાં ચિહ્નો જોવા મળતાં નથી. જે પુરુષોને બી.પી.એચ.ને કારણે મામૂલી તકલીફ હોય તેને કોઈ ખાસ પ્રકારની સારવારની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે ૬૦ વર્ષ કરતાં વધુ ઉંમરના ૫% પુરુષોમાં બી.પી.એચ.ની સારવાર જરૂરી બને છે.

મોટી ઉંમરે પેશાબ સાવ અટકી જવાનું મુખ્ય કારણ બી.પી.એચ. છે.

નિદાન

બી.પી.એચ.નું નિદાન :

૧. રોગનાં લક્ષણો :

દર્દીની ફરિયાદમાં બી.પી.એચ.નાં ચિહ્નો હોય તો પ્રોસ્ટેટની તપાસ કરાવવી જોઈએ.

૨. પ્રોસ્ટેટની તપાસ :

સર્જન કે યુરોલોજિસ્ટ મળમાર્ગમાં આંગળી મૂકી તપાસ કરી (DRE-Digital Rectal Examination) પ્રોસ્ટેટના કદ વિશે અને અન્ય માહિતી મેળવે છે. બી.પી.એચ.માં પ્રોસ્ટેટનું કદ વધે છે અને ગ્રંથિ પાસે આંગળી મૂકી કરવામાં આવતી તપાસમાં લીસી, રબર જેવી સ્થિતિસ્થાપક લાગે છે. પ્રોસ્ટેટની આંગળી દ્વારા કરવામાં આવતી તપાસમાં જો પ્રોસ્ટેટ કઠણ ગાંઠ જેવી, ખરબચડી લાગે તો તે પ્રોસ્ટેટનું કૅન્સર હોય તેવું સૂચવે છે.

૩. સોનોગ્રાફીની તપાસ :

બી.પી.એચ.ના નિદાનમાં આ તપાસ ઘણી જ ઉપયોગી છે. આ તપાસમાં બી.પી.એચ.ને કારણે પ્રોસ્ટેટના કદમાં વધારો થવો, પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં પેશાબ રહી જવો અને કેટલીક વખત મૂત્રાશયમાં પથરી થવી કે મૂત્રવાહિની અને કિડનીનું ફૂલી જવું વગેરે ફેરફાર જોવા મળે છે.

આ તપાસમાં પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં રહેલા પેશાબની માત્રા જો ૫૦ ml કરતાં ઓછી હોય તો તે સામાન્ય હોય છે. પરંતુ જો આ માત્રા ૧૦૦ mlથી વધુ હોય તો આગળ યોગ્ય તપાસ અને સારવાર લેવી જરૂરી હોય છે.

પ્રૉસ્ટેટ સિમ્પટમ સ્કોર અથવા ઈંડેક્સ (Prostate Symptom Score or Index) :

ઇન્ટરનેશનલ પ્રૉસ્ટેટ સિમ્પટમ સ્કોર (International Prostate Symptom Score)ની મદદ દ્વારા બી.પી.એચ.ના નિદાનમાં મદદ મળે છે. દર્દીને પ્રોસ્ટેટની બીમારી સંબંધિત ફરિયાદોની હાજરીને ધ્યાનમાં લઈને ચાર્ટ બનાવવામાં આવે છે. આ ચાર્ટમાં ફરિયાદના પ્રમાણ મુજબ સ્કોર નક્કી કરવામાં આવે છે, જે રોગના નિદાન અને એની ગંભીરતા અંગે માહિતી આપે છે.

૪. લેબોરેટરી તપાસ :

આ તપાસ દ્વારા બી.પી.એચ.નું નિદાન થતું નથી, પરંતુ બી.પી.એચ.માં સંભવિત એવી તકલીફના નિદાન માટે તે મદદરૂપ બને છે. પેશાબની તપાસ, પેશાબમાં ચેપની તકલીફ અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી આપે છે. પ્રોસ્ટેટની તકલીફ કૅન્સરને કારણે તો નથીને, તે નક્કી કરવા ખાસ પ્રકારની લોહીની પી.એસ.એ. (P.S.A. - Prostate Specific Antigen)ની તપાસ કરવામાં આવે છે.

૫. અન્ય તપાસ :

બી.પી.એચ. જેવાં ચિહ્નો ધરાવતા દરેક દર્દીને બી.પી.એચ.ની તકલીફ હોતી નથી. દર્દીના રોગના પાકા નિદાન માટે કેટલીક વખત યુરોફ્લોમેટ્રી (Uroflowmetry), આઈ.વી.યુ., યુરોડાયનામીકસ્ટડી, સિસ્ટોસ્કોપી, પ્રોસ્ટેટ બાયોપ્સીની મદદ લેવામાં આવે છે.

પુરુષોમાં થતા બી.પી.એચ.ના નિદાન માટેની મુખ્ય તપાસ પ્રોસ્ટેટની આંગળી દ્વારા તપાસ અને સોનોગ્રાફી છે.

શું બી.પી.એચ. જેવી તકલીફ ધરાવતા દર્દીને પ્રોસ્ટેટના કૅન્સરની તકલીફ હોઈ શકે છે? તેનું નિદાન કઈ રીતે થઈ શકે?

મોટા ભાગે બી.પી.ઍચ.ની તકલીફનું કારણ પ્રોસ્ટેટનું કૅન્સર નથી હોતું. ભારતમાં બી.પી.એચ. જેવી તકલીફ ધરાવતા દર્દીઓમાંના બહુ જ જૂજ દર્દીમાં પ્રોસ્ટેટના કૅન્સરની તકલીફ હોય છે.

પ્રોસ્ટેટના કૅન્સરનું નિદાન :

૧. આંગળી દ્વારા તપાસ :

મળમાર્ગમાં આંગળી મૂકી કરાતી તપાસ (Digital Rectal Examination)માં પ્રોસ્ટેટ કઠણ પથ્થર જેવી લાગે કે ગાંઠ જેવી અનિયમિત લાગે તે કૅન્સરની નિશાની હોઈ શકે છે.

૨. લોહીની પી.એસ.એ.ની તપાસ :

આ લોહીની ખાસ જાતની તપાસમાં પી.એસ.એ.નું પ્રમાણ વધારે જોવા મળે છે.

૩. પ્રોસ્ટેટની બાયોપ્સી :

ખાસ જાતના સોનોગ્રાફી પ્રોબની મદદ વડે, મળમાર્ગમાં સોય મૂકી પ્રોસ્ટેટની બાયોપ્સી કરવામાં આવે છે, જેની હીસ્ટોપેથોલોજીની તપાસ કૅન્સરના નિદાન માટે મદદરૂપ બની શકે છે.

લોહીની પી.એસ.એ.ની તપાસ દ્વારા પ્રોસ્ટેટના કૅન્સરનું નિદાન થઈ શકે છે.

સારવાર

બી.પી.એચ.ની સારવાર :

બી.પી.એચ.ના દર્દીમાં રોગના ચિહ્નોની હાજરી, તેની તીવ્રતા અને સાથે જોડાયેલ અન્ય તકલીફો દર્દીને રોજિંદા કાર્યોમાં કેટલા પ્રમાણમાં નડતરરૂપ થાય તેના આધારે યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે છે. સારવારનો હેતુ ચિહ્નોની તીવ્રતા ઓછી કરવી, બી.પી.એચ.ને કારણે જીવનશૈલીમાં થયેલ ફેરફારમાં સુધારો કરવો, પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં રહેલ પેશાબના પ્રમાણમાં ઘટાડો કરવો અને બી.પી.એચ.ના કારણે અન્ય પ્રશ્નો થતા અટકાવવાનો છે.

બી.પી.એચ.ની સારવાર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય :

  1. જીવનશૈલીમાં ફેરફાર અને અન્ય કાળજી
  2. દવા દ્વારા સારવાર
  3. દવા સિવાયની અન્ય ખાસ સારવાર

૧. જીવનશૈલીમાં ફેરફાર અને અન્ય કાળજી

બી.પી.એચ.ના દર્દીઓને જો તકલીફ હળવી થતી હોય ત્યારે કોઈ પણ દવા આપવામાં આવતી નથી. યોગ્ય કાળજી, વાર્ષિક ચેકઅપ, જીવનશૈલીમાં ફેરફાર કરી રોગના ચિહ્નોને ઘટાડી શકાય અથવા વધુ બગડવાથી અટકાવી શકાય છે.

  • પ્રવાહી લેવાની અને પેશાબ જવાની ટેવમાં ફેરફાર કરવા.
  • દર બે કલાકે પેશાબ કરવો જોઈએ. વધુ લાંબા સમય માટે પેશાબ રોકી ન રાખવો.
  • બે વખત પેશાબ કરવો. પેશાબ કર્યા બાદ થોડી વાર પછી ફરી પેશાબ કરવો (Double Voiding).
  • સાંજ તથા રાત્રિ સમય દરમિયાન ચા-કૉફી વગેરે કેફીન ધરાવતા પીણાં અથવા આલ્કોહોલ ન લેવા.
  • વધુ પ્રમાણમાં પ્રવાહી ન લેવું. આ ઉપરાંત એકસાથે વધુ પ્રવાહી લેવા કરતાં આખા દિવસમાં થોડા થોડા સમયે ઓછું પ્રવાહી લેવું.
  • રાત્રે સૂતા પહેલાં અથવા બહારગામ જતા પહેલાં પ્રવાહી ઓછું લેવું.
  • જે દવાઓથી વધુ પ્રમાણમાં પેશાબ થતો હોય તેને લેવાનો સમય અનુકૂળતા મુજબ બદલી નાખવો.
  • યોગ્ય કાળજી રાખી ઠંડીથી બચવું અને નિયમિત કસરત કરવી.
બી.પી.એચ.ના હળવા ચિહ્નો માટે દવા વગર જીવનશૈલીમાં ફેરફાર ફાયદાકારક છે.

  • શરદી, ઉધરસ વગેરેની દવાઓ ડૉક્ટરની સલાહ વગર ન લેવી, કારણ કે આ દવાઓના કારણે અચાનક પેશાબ બંધ થવાનું જોખમ રહે છે.
  • કબજિયાતની યોગ્ય સારવાર લેવી.

૨. દવા દ્વારા સારવાર :

જ્યારે બી.પી.એચ.ને કારણે પેશાબમાં થતી તકલીફ વધુ પ્રમાણમાં ન હોય કે તેને કારણે ગંભીર પ્રશ્નો થયા ન હોય, તેવા મોટા ભાગના દર્દીઓમાં દવા દ્વારા સારવાર કરવામાં આવે છે. આ પ્રકારની દવાઓમાં આલ્ફા બ્લોકર્સ (પ્રેઝોસિન, ટેરાઝોસીન, ડોક્સઝોસીન, ટેમ્સુલોસીન વગેરે) અને ફિનાસ્ટેરાઈડ તથા ડ્યુરેસ્ટેરાઈડનો સમાવેશ થાય છે. દવાની સારવાર મૂત્રમાર્ગમાં અવરોધ ઘટાડે છે, જેથી પેશાબ ઊતરવામાં પડતી તકલીફ ઘટે છે.

૫-આલ્ફા રીડક્ટેસ ઈન્હિબિટર : આ દવાથી પ્રોસ્ટેટનું કદ ઓછું થાય છે, પેશાબ સરળતાથી ઉતરે છે અને બી.પી.એચ.ના ચિહ્નોમાં ઘટાડો થાય છે. આલ્ફા બ્લોકર્સની જેમ આ દવાઓની અસર થતા પણ સમય લાગે છે.

આલ્ફા બ્લોકર્સ અને આલ્ફા રીડક્ટેસ ઈન્હિબિટર બન્ને દવા અલગ અલગ રીતે કામ કરે છે. આ કારણે બન્ને દવાઓ સાથે આપવાથી વધુ ફાયદો મળે છે.

બી.પી.એચ.ના કયા દર્દીઓમાં દવા સિવાયની સારવારની અન્ય ઉપયોગી પદ્ધતિઓની જરૂર પડે છે?

યોગ્યદવા છતાં સંતોષજનક ફાયદો થતો ન હોઈ તેવા દર્દીઓમાં દૂરબીન, ઓપરેશન કે અન્ય પદ્ધતિની સારવારની જરૂર પડે છે.

  • પ્રયત્ન કરવા છતાં પેશાબ ન ઊતરવો કે કેથેટરની મદદથી જ ઉતરતો હોય.
  • પેશાબમાં વારંવાર ચેપ થાય કે લોહી આવે.
  • પેશાબ અટકવાને કારણે પથરી થતી હોય.
  • પેશાબ કર્યા બાદ પણ મૂત્રાશયમાં વધુ પ્રમાણમાં પેશાબ રહી જતો હોય.
મોટા ભાગના બી.પી.એચ.ના દર્દીઓની સારવાર હાલમાં દવા વડે શક્ય છે.

  • બી.પી.એચ.ના કારણે કિડની ફેલ્યર થવું.
  • મૂત્રાશયમાં વધુ પેશાબ એકઠો થવાથી કિડની અને મૂત્રવાહિની ફૂલી ગયાં હોય.

૩. દવા સિવાયની અન્ય સારવાર :

દવા દ્વારા આપવામાં આવતી સારવાર નિષ્ફળ નીવડે ત્યારે ઉપલબ્ધ સારવારના વિકલ્પો નીચે મુજબ છે :

૧. દૂરબીન દ્વારા સારવાર - ટી.યુ.આર.પી. (TURP - Trans Urethral Resection of Prostate) :

દવા સિવાયની સારવારની વિવિધ પદ્ધતિઓમાં ટી.યુ.આર.પી. સારવારનો શ્રેષ્ઠ અને અસરકારક વિકલ્પ છે. બી.પી.એચ.ના મોટાભાગના (૯૫%) દર્દીઓની પ્રોસ્ટેટની ગાંઠ આ પદ્ધતિથી દૂર કરવામાં આવે છે.

આ ઓપરેશન યુરોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં પેશાબમાં અવરોધ કરતા પ્રોસ્ટેટના ભાગને કાઢી નાખવામાં આવે છે. ૮૫%-૯૦% દર્દીઓમાં પેશાબમાં થતી તકલીફમાં સંપૂર્ણ સુધારો જોવા મળે છે અને વર્ષો સુધી આ સુધારો જળવાય છે.

ઓપરેશન પહેલાં શું કરવું જોઈએ?

  • ઓપરેશન માટે દર્દી ફિટ છે તેની ખાતરી યોગ્ય તપાસ દ્વારા કરવી.
  • બીડી, તંબાકુની આદત હોય તો પહેલા બંધ કરવી. આ આદતથી છાતી અને ઑપરેશનના ઘામાં ચેપ થવાનું જોખમ વધે છે અને ઓપરેશન બાદના સુધારાની પ્રક્રિયામાં વિલંબ જોવા મળે છે.
  • ઓપરેશન પહેલાં લોહી પાતળું કરવાની દવાઓ (Warfarin, Aspirin, Clopidogrel) થોડા દિવસ બંધ કરવી જરૂરી છે.
પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં વધુ પેશાબ રહે અને મૂત્રવાહિની-કિડની ફૂલી જાય ત્યારે ઓપરેશનની જરૂર પડે છે.

ઓપરેશન દરમિયાન :

  • આ સારવાર સામાન્ય રીતે દર્દીને બેભાન કર્યા વગર, કમરમાં ઈન્જેક્શન (Spinal Anesthesia) આપી, કમર નીચેનો થોડો ભાગ ખોટો પાડી કરવામાં આવે છે.
  • આ આપરેશનમાં સામાન્ય રીતે ૬૦થી ૯૦ મીનીટ લાગે છે.
  • આ પદ્ધતિમાં ઓપરેશન કરવાની (ચેકો મૂકવાની કે ટાંકા લેવાની) જરૂર પડતી નથી.
  • આ પદ્ધતિમાં પેશાબના રસ્તા(Urethra)માં દૂરબીન (Endoscope) મૂકીને પ્રોસ્ટેટની ગાંઠનો અડચણ કરતો ભાગ દૂર કરવામાં આવે છે.
  • આ પ્રક્રિયા દૂરબીન કે વીડિયો એન્ડોસ્કોપી દ્વારા સતત જોઈને કરવામાં આવે છે, જેથી પ્રોસ્ટેટ યોગ્ય પ્રમાણમાં દૂર કરી શકાય છે અને આ દરમિયાન નીકળતા લોહીને ચોક્કસપણે કાબૂમાં લઈ શકાય છે.
  • ઓપરેશન દરમિયાન પ્રોસ્ટેટનાં ભાગને લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. તપાસ દ્વારા કૅન્સર છે કે નહીં તે નક્કી કરી શકાય છે.

ઓપરેશન કર્યા બાદ શું કરવું?

  1. હૉસ્પિટલમાં ત્રણથી ચાર દિવસ રોકાણ કરવાનું હોય છે.
  2. ઓપરેશન બાદ પેશાબના રસ્તા(Urethra)માં ત્રણ નળીવાળું કેથેટર મૂકવામાં આવે છે.
  3. આ કેથેટરમાંથી મૂત્રાશયમાં ખાસ પ્રવાહી નાખી ઓપરેશન બાદના ૧૨-૨૪ કલાક સુધી સતત સાફ (Bladder Irrigation) કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી ઓપરેશન દરમિયાન મૂત્રાશયમાં ભેગા થયેલ લોહીના ગઠ્ઠા કાઢી નાખવામાં આવે છે.
  4. યોગ્ય સમય પર જ્યારે પેશાબ એકદમ ચોખ્ખો આવે ત્યારબાદ કેથેટર કાઢી નાખવામાં આવે છે.
ટી.યુ.આર.પી. તે દવાથી યોગ્ય ફાયદો ના થાય ત્યારે બી.પી.એચ.ની સારવારની સફળ અને સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે.

હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે શું કાળજી રાખવી જોઈએ?

  1. વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું.
  2. કબજિયાત ન થાય તે માટે કાળજી રાખવી અને સંડાસ કરતી વખતે જોર ના કરવું.
  3. ડૉક્ટરની સલાહ વગર લોહી પાતળું કરવાની દવા ચાલુ ના કરવી.
  4. ૪-૬ અઠવાડિયા માટે ભારે વજન ન ઉચકવું અને વધુ શ્રમ પડે તેવું કામ ન કરવું.
  5. ૪-૬ અઠવાડિયા માટે સંભોગ ના કરવો.
  6. બીડી, સિગરેટ, દારૂ, કેફીન, વધુ મસાલાવાળા ખોરાકનું સેવન ન કરવું.

ટી.યુ.આર.પી. બાદ હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?

  1. પેશાબ ન ઉતરે કે ઉતરવામાં તકલીફ થાય.
  2. દવા લીધા બાદ પણ સતત દુખાવો થાય.
  3. પેશાબ લાલ આવવો કે પેશાબમાં વધુ લોહીના ગઠ્ઠા પડવા.
  4. ચેપ લાગવાના ચિહ્નો જેમ કે તાવ કે ઠંડી લાગવી.

૨. ઓપરેશન દ્વારા સારવાર :

જ્યારે પ્રોસ્ટેટની ગાંઠ ખૂબ જ મોટી હોય અથવા સાથે મૂત્રાશયની પથરીનું ઓપરેશન પણ જરૂરી હોય અને યુરોલોજિસ્ટના અનુભવે તે દૂરબીનથી દૂર કરવાનું શક્ય ન હોય તેવા જૂજ દર્દીઓમાં ઓપરેશનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ ઓપરેશનમાં સામાન્ય રીતે પેડુના ભાગમાં ચેકો મૂકી, પ્રોસ્ટેટની ગાંઠ કાઢવામાં આવે છે.

ટી.યુ.આર.પી. બેભાન કર્યા વગર દૂરબીનથી કરવામાં આવે છે અને હૉસ્પિટલમાં ત્રણથી ચાર દિવસ રહેવું પડે છે.

૩. સારવારની અન્ય પદ્ધતિઓ :

બી.પી.એચ.ના દર્દીઓની સારવારમાં કેટલીક વખત નીચે મુજબની અન્ય પદ્ધતિઓ પણ વપરાય છે :

  • દૂરબીનની મદદથી પ્રોસ્ટેટ પર કાપો મૂકી મૂત્રમાર્ગની અડચણ ઘટાડવામાં આવે છે (TUIP - Transurethral Incision of Prostate).
  • લેસર દ્વારા સારવાર (Transurethral Laser Prostatectomy).
  • ખાસ પ્રકારની ગરમી (Thermal Ablation) દ્વારા સારવાર .
  • મૂત્રમાર્ગમાં ખાસ નળી (Urethral Stenting) દ્વારા સારવાર.

બી.પી.એચ.ના દર્દીએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો?

  1. પેશાબ ન ઉતરવો કે ઉતરવામાં તકલીફ થાય.
  2. દવા લીધા બાદ પણ સતત દુખાવો રહેવો.
  3. પેશાબમાં બળતરા થવી દુખાવો થાય કે દુર્ગંધ આવે અથવા તાવ કે ઠંડી લાગવી.
  4. પેશાબમાં લોહી પડવું.
  5. પેશાબ પર કાબૂ ન રહેવો અને અંદરના કપડાં ભીના થઈ જવા.
બી.પી.એચ.ના અને પ્રોસ્ટેટના કૅન્સરના ઘણી ચિહ્નો એક સમાન હોય છે.