મૂત્રમાર્ગનો ચેપ તે બાળકોમાં અગત્યની અને સામાન્ય રીતે જોવા મળતી બીમારી છે અને તેને કારણે ટૂંકા અને લાંબા સમયના સ્વાસ્થ્યના પ્રશ્નો થઈ શકે છે.
પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં બાળકોમાં આ પ્રશ્ન શા માટે વધારે અગત્યનો છે? 
    - બાળકોમાં વારંવાર તાવ આવે તે માટેના કારણોમાં કિડની તથા મૂત્રમાર્ગનો ચેપ અગત્યનું કારણ છે. બાળકોમાં શ્વાસની તકલીફ અને ઝાડા (Diarrhoea) પછી સામાન્ય રીતે લાગતા ચેપોમાં મૂત્રમાર્ગનો ચેપ ત્રીજા નંબરે છે.
 
    - નાની ઉંમરના બાળકોમાં કિડની તથા મૂત્રમાર્ગના ચેપની મોડી અથવા અપૂરતી સારવારને કારણે કિડનીને ન સુધરી શકે તેવું નુકસાન થઈ શકે છે અને કેટલીક વાર કિડની સાવ બગડી જાય તેવો ભય પણ રહે છે.
 
    - આ કારણસર બાળકોમાં પેશાબમાં ચેપનું વહેલું નિદાન, તે માટેના કારણોની તપાસ અને તેની યોગ્ય સારવાર કિડનીને થતું નુકસાન અટકાવવા માટે અત્યંત જરૂરી બને છે.
 
બાળકોમાં ક્યારે પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે?  બાળકોમાં ચેપ વધુ લાગવાના નીચે મુજબનાં કારણો છે : 
    - છોકરીઓની મૂત્રનલિકાની લંબાઈ નાની હોવાને કારણે ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે. આ ઉપરાંત મૂત્રનલિકા અને ઝાડો ઊતરવાની જગ્યા પાસેપાસે હોવાથી બેક્ટેરિયા મૂત્રનલિકામાં સરળતાથી જઈ શકે છે અને ચેપ લાગી શકે છે.
 
    - મળત્યાગ (સંડાસ) કર્યા બાદ સાફ કરવાની ક્રિયામાં પાછળથી આગળ તરફ ધોવાની ટેવને કારણે આ ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે.
 
    - જન્મજાત ખોડને કારણે પેશાબ ઊંધી તરફ મૂત્રાશયમાંથી મૂત્રવાહિની અને કિડની તરફ જતો હોય (Vesicoureteric reflux).
 
    - મૂત્રનલિકામાં વાલ્વ (Posterior Urethral Valve)ને કારણે નાના છોકરાઓને પેશાબ ઊતરવામાં તકલીફ પડતી હોય.
 
    - અન્ય કારણો : કબજિયાત, સ્વચ્છતાનો અભાવ, લાંબા સમયથી પેશાબની નળી મૂકેલી હોય અથવા મૂત્રમાર્ગમાં ચેપ થવાનો પ્રશ્ન કુટુંબમાં હોય.
 
બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની અયોગ્ય સારવારને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઈ શકે છે.
                         
                    
                       
                            
                            પેશાબમાં ચેપનાં ચિહ્નો : 
    - સામાન્ય રીતે ચારથી પાંચ વર્ષ કરતાં મોટા બાળકો પેશાબમાં તકલીફની ફરિયાદ જાતે વ્યક્ત કરી શકે છે. પેશાબમાં ચેપનાં ચિહ્નોની વિગતવાર ચર્ચા પ્રકરણ નં. ૧૮માં કરી છે.
 
    - નાની ઉંમરના બાળકો પેશાબની ફરિયાદ કરી શકતા નથી. પેશાબ કરતી વખતે બાળક રડે, પેશાબ ઊતરવામાં તકલીફ પડે કે વારંવાર તાવ માટે પેશાબની તપાસમાં આકસ્મિક રીતે ચેપની હાજરી, મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે.
 
    - ભૂખ ન લાગવી, વજન ન વધવું કે ગંભીર ચેપ હોય તો વધુ તાવ સાથે પેટ ફૂલી જવું, ઊલટી, ઝાડા, કમળો થવો જેવાં અન્ય ચિહ્નો પણ મૂત્રમાર્ગના ચેપને કારણે નાનાં બાળકોમાં જોવા મળે છે.
 
બાળકોમાં વારંવાર તાવ આવવાનું કારણ મૂત્રમાર્ગનો ચેપ હોઈ શકે છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગના ચેપનું નિદાન :
કિડની તથા મૂત્રમાર્ગના ચેપનાં નિદાન માટે જરૂરી બાબતો મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય.
૧. મૂત્રમાર્ગના ચેપનું નિદાન :
પેશાબની સામાન્ય તપાસ :
મૂત્રમાર્ગના ચેપના નિદાન અને સારવારના નિયમન માટે પેશાબની સામાન્ય તપાસ અત્યંત મહત્ત્વની છે. પેશાબની તપાસ જેમાં રસીની હાજરી મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે.
પેશાબની કલ્ચરલ તપાસ : 
મૂત્રમાર્ગના ચેપના યોગ્ય નિદાન અને સારવારના માર્ગદર્શન માટે પેશાબ કલ્ચરની તપાસ કરવામાં આવે છે. યુરિન કલ્ચરનો રિપોર્ટ આવતા ૪૮થી ૭૨ કલાક લાગે છે. ચેપ માટે કારણભૂત બેક્ટેરિયાના પ્રકાર, ચેપની તીવ્રતા અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે સચોટ માહિતી આપે છે.
લોહીની તપાસ : 
ડૉક્ટર દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી તપાસમાં હીમોગ્લોબીન, શ્વેતકણનું પ્રમાણ, સિરમ ક્રિએટિનીન બ્લડ સુગર અને સી.આર.પી.નો સમાવેશ થાય છે.
૨. મૂત્રમાર્ગનો ચેપ થવાના કારણનું નિદાન : 
    - રેડિયોલોજિકલ તપાસ :
    
કિડની અને મૂત્રાશયની સોનોગ્રાફી, પેટનો એક્સ-રે, વી.સી.યુ.જી. (V.C.U.G.), પેટનો સી.ટી. સ્કેન અને આઈ.વી.યુ. (Intravenous Urography-IVU).
     
    - કિડનીમાં નુકસાન જોવા માટે તપાસ : ચેપને કારણે કિડનીના કયા ભાગમાં અને કેટલું નુકસાન થયું છે તે જાણવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ તે ડી.એમ.એસ.એ. સ્કેન તરીકે ઓળખાતી ખાસ પ્રકારની રેડિયોન્યુક્લીઅર તપાસ છે.
 
    - ડી.એમ.એસ.એ. (D.M.S.A.-Dimercaptosuccinic Acid) સ્કેન સામાન્ય રીતે મૂત્રમાર્ગના ચેપ થયા પછી ૩થી ૬ મહિને કરવામાં આવે છે.
 
    - મૂત્રાશયની કાર્યક્ષમતા જાણવા માટે યુરોડાઈનેમિક સ્ટડી કરવામાં આવે છે.
 
મોટા ભાગે બાળકોમાં પેશાબમાં ચેપનાં કારણોના નિદાન માટે કરવામાં આવતી વી.સી.યુ.જી. તપાસ કઈ રીતે કરવામાં આવે છે? તે શા માટે અગત્યની છે? 
    - વૉઈડિગ સિસ્ટોયુરેથ્રોગ્રામ (મીક્ચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ - Micturating Cysto Urethrogram M.C.U.) બાળકોમાં મૂત્રમાર્ગના ચેપ અને વસાઈકો યુરેટેરિક રીફલક્સના નિદાન માટે કરાતી ખૂબ જ અગત્યની એક્સ-રે દ્વારા થતી તપાસ છે.
 
મૂત્રમાર્ગના ચેપ થવાના કારણોના નિદાન માટે સોનોગ્રાફી, એક્સ-રે, વી.સી.યુ.જી. અને આઈ.વી.યુ. કરવામાં આવે છે.
                         
                    
                       
                            
                            
    - આ તપાસ ૨ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં મૂત્રમાર્ગના ચેપ બાદ કરાવવી જરૂરી હોય છે.
 
    - મૂત્રમાર્ગના ચેપના એક અઠવાડિયાની સારવાર બાદ આ તપાસ કરવામાં આવે છે.
 
    - આ તપાસમાં ખાસ જાતના આયોડિનયુક્ત પ્રવાહીને કેથેટર દ્વારા મૂત્રાશયમાં ભરવામાં આવે છે. ત્યારબાદ બાળકોને પેશાબ કરવાનું કહેવામાં આવે છે. પેશાબ કરવાની પ્રક્રિયા દરમિયાન મૂત્રાશય અને મૂત્રનલિકાના એક્સ-રે પાડવામાં આવે છે.
 
    - આ તપાસ દ્વારા પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી તરફ મૂત્રવાહિની અને કિડની તરફ જતો હોય, મૂત્રાશયમાં કોઈ ક્ષતિ હોય અથવા મૂત્રાશયમાંથી મૂત્રનલિકા દ્વારા પેશાબ બહાર નીકળવાના માર્ગમાં અવરોધ હોય તો તે વિશે અગત્યની માહિતી મળે છે.
 
ઈન્ટ્રોવીનસ યુરોગ્રાફી (IVU) ક્યારે અને શા માટે કરવામાં આવે છે? 
૩ વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં જ્યારે વારંવાર પેશાબનો ચેપ જોવા મળે ત્યારે પેટના એક્સ-રે અને સોનોગ્રાફી તપાસ બાદ જરૂરી જણાય ત્યારે આ તપાસ કરવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબના ચેપ માટે કારણભૂત કોઈ જન્મજાત ક્ષતિ અથવા પેશાબ માર્ગમાં અવરોધ વિશે માહિતી મળી શકે છે.
પેશાબની તપાસ રોગના નિદાન અને સારવારના નિયમન માટે જરૂરી છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગના ચેપની સારવાર : 
સામાન્ય કાળજી : 
    - બાળકોને દિવસમાં બને તેટલું વધારે અને રાત્રિના સમયે પણ ૨-૩ વખત પાણી-પ્રવાહી આપવું.
 
    - કબજિયાત ન થવા દેવી અને થોડા થોડા સમયના અંતરે પેશાબ કરવાની ટેવ રાખવી જરૂરી છે.
 
    - સંડાસ અને પેશાબના ભાગની અને આજુબાજુના ભાગની પૂરતી સ્વચ્છતા રાખવી જરૂરી છે.
 
    - સંડાસ કર્યા બાદ વધુ પાણી વડે અને આગળથી પાછળના ભાગ તરફ એ રીતે શરીરના ભાગને સાફ કરવાથી પેશાબનો ચેપ લાગવાની શક્યતા ઘટાડી શકાય છે.
 
    - બાળકને સામાન્ય ખોરાક લેવાની છૂટ આપવામાં આવે છે.
 
    - બાળકને તાવ હોય તો તે માટે જરૂર મુજબ તાવ ઉતારવાની દવા આપવામાં આવે છે.
 
    - પેશાબના ચેપની સારવાર પૂરી થયા બાદ રોગ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે તે નક્કી કરવા પેશાબની તપાસ જરૂરી છે.
 
    - ચેપ ફરી નથી લાગ્યો તે નક્કી કરવા સારવાર પૂરી થયા બાદ સાત દિવસ બાદ અને ત્યાર બાદ જરૂર મુજબ બાળકના પેશાબની તપાસ કરવી જરૂરી છે.
 
દવા દ્વારા સારવાર : 
    - પેશાબના ચેપનાં નિદાન બાદ તેના કાબૂ માટે બાળકના ચેપનાં ચિહ્નો, તેની ગંભીરતા અને બાળકની ઉંમર ધ્યાનમાં લઈ એન્ટિબાયોટિક્સ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ સારવાર શરૂ કરતાં પહેલાં પેશાબ કલ્ચરની તપાસ કરાવવી હિતાવહ છે.
 
    - કલ્ચરનો રિપોર્ટ આવે ત્યારે તેના આધારે શરૂ કરેલી દવાની તબિયત પર અસર સંતોષજનક ન હોય તો દવામાં ફેરફાર કરવામાં આવે છે.
 
    - નાની ઉંમરના બાળકોમાં અને ચેપ ગંભીર પ્રકારનો હોય ત્યારે એન્ટિબાયોટિક્સના ઈન્જેક્શન આપવા જરૂરી બને છે.
 
    - સામાન્ય રીતે વપરાતા એન્ટિબાયોટિક્સમાં એમોક્ક્ષીસીલીન, એમાઈનો-ગ્લાઈકોસાઈડ્સ, સીફેલોસ્પોરીન, કોટ્રાઈમેક્ક્ષેઝોલ, નાઈટ્રોફ્યુરેનટોઈન વગેરેનો સમાવેશ થાય છે.
 
    - ૩-૬ મહિના કરતાં વધુ ઉંમરના બાળકોમાં સારવાર સામાન્ય રીતે એન્ટિબાયોટિક ગોળી દ્વારા કરવામાં આવે છે.
 
પેશાબ કલ્ચરની તપાસ દ્વારા એન્ટિબાયોટિક્સની યોગ્ય પસંદગી થઈ શકે છે.
                         
                    
                       
                            
                            
    - સારવારથી રોગના ચિહ્નો ઓછા થાય અથવા રોગ મટી જાય તેમ છતાં ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય સમય માટે સારવાર ચાલુ રાખવી જરૂરી હોય છે.
 
મૂત્રમાર્ગમાં વારંવાર ચેપની સારવાર : 
બાળકોમાં પેશાબમાં વારંવાર ચેપની તકલીફ જોવા મળે ત્યારે સોનોગ્રાફી, વી.સી.યુ.જી. (V.C.U.G.) અને જરૂરિયાત મુજબ ડી.એમ.એસ.એ. (D.M.S.A.) તપાસ કરવામાં આવે છે.
વારંવાર મૂત્રમાર્ગના ચેપ માટે કારણભૂત અને સારવારથી સુધરી શકે તેવા ત્રણ મુખ્ય કારણો વી.યુ.આર. (V.U.R.), પોસ્ટિરિયર યુરેથ્રલ વાલ્વ અને પથરી છે.
બાળકોમાં પેશાબના ચેપ માટે જવાબદાર કારણને ધ્યાનમાં રાખી જરૂરી દવા અને ચેપ ફરી ના થાય તે માટેની સારવાર તથા કાળજીનું આયોજન કરવામાં આવે છે. મૂત્રમાર્ગના ચેપ માટે કારણભૂત રોગોની સારવાર કિડની ફિઝિશિયન-નેફ્રોલોજિસ્ટ, કિડની સર્જન, યુરોલોજિસ્ટ અથવા બાળકોના સર્જન દ્વારા નક્કી કરવામાં આવે છે.
મૂત્રનલિકામાં વાલ્વ
મૂત્રનલિકામાં વાલ્વ (Posterior Urethral Valve) આ જન્મજાત તકલીફમાં શું થાય છે? 
આ તકલીફ જન્મજાત હોય છે જે ફક્ત છોકરા(Boys)માં જોવા મળે છે.
આ પ્રશ્નમાં મૂત્રનલિકામાં આવેલા વાલ્વને કારણે અવરોધ થતા પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે અને જોર કરવું પડે છે. પેશાબના માર્ગમાં નોંધપાત્ર અવરોધ મૂત્રાશયની દીવાલ જાડી થાય છે અને કદ વધી જાય છે, મૂત્રાશયમાંથી પેશાબનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પેશાબ ભરાઈ રહે છે.
વધુ પેશાબ ભેગો થવાથી મૂત્રાશયમાં દબાણ વધે છે, જેની વિપરીત અસર થઈ મૂત્રવાહિની અને કિડની પણ ફૂલી શકે છે. જો આ તબક્કે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળે કિડનીને નુકસાન થઈ શકે છે. મૂત્રનલિકામાં વાલ્વ હોય તેવા છોકરામાંથી આશરે ૨૫-૩૦% છોકરાઓમાં ક્રોનિક કિડની ફેલ્યર થવાની શક્યતા હોય છે.
બાળકોમાં પેશાબ ચેપના કારણે વી.યુ.આર. અને મૂત્રનલિકામાં વાલ્વના સચોટ નિદાન માટેની તપાસ વી.સી.યુ.જી. છે.
                         
                    
                       
                            
                            રોગના ચિહ્નો :  
સામાન્ય રીતે જોવા મળતા ચિહ્નોમાં પેશાબની ધાર પાતળી આવવી, પેશાબ ટીપે-ટીપે ઉતરવો, પેશાબ કરવામાં જોર કરવું પડે, પથારીમાં પેશાબ થઈ જવો, મૂત્રાશયમાં પેશાબ વધુ એકઠો થવાથી પેડુમાં દુખાવો થવો અને પેશાબમાં ચેપ લાગવો વગેરે કારણોનો સમાવેશ થાય છે.
રોગનું નિદાન :  
આ રોગનું નિદાન ક્યારેક સગર્ભાવસ્થામાં છેલ્લા મહિનામાં કરવામાં આવતી સોનોગ્રાફીની તપાસમાં અથવા જન્મ બાદ પહેલા મહિનામાં કરવામાં આવતી સોનોગ્રાફી દ્વારા થાય છે. પરંતુ સચોટ નિદાન જન્મબાદ કરવામાં આવતી વી.સી.યુ.જી. તપાસ દ્વારા થાય છે.
રોગની સારવાર :  
આ પ્રશ્નની સારવારમાં ઓપરેશનની જરૂર પડે છે. કિડનીના ફિઝિશિયન-નેફ્રોલોજિસ્ટ અને સર્જન-યુરોલોજિસ્ટ સાથે મળીને મૂત્રનલિકામાં વાલ્વની સારવાર કરે છે.
    - તાત્કાલિક રાહત માટે મૂત્રનલિકામાં અથવા પેડુના નીચેના ભાગમાં પેશાબની નળી મૂકી મૂત્રાશયમાં ભરેલા પેશાબનો નિકાલ કરવામાં આવે છે.
 
    - આ તકલીફને લીધે થતા પ્રશ્નો પેશાબમાં ચેપ, લોહીની ફિક્કાશ, કિડની ફેલ્યર, શરીરમાં ક્ષાર અને પ્રવાહીમાં અસંતુલન વગેરેની યોગ્ય અને સમયસર સારવાર પણ જરૂરી છે.
 
    - મૂત્રનલિકામાં વાલ્વની તકલીફની લાંબા ગાળાની યોગ્ય સારવારમાં ઓપરેશનની જરૂર પડે છે. આ સારવારમાં જરૂર મુજબ વાલ્વ, ઓપરેશન દ્વારા દૂર કરવો, મૂત્રાશયમાંથી પેડુના ભાગમાં કાણું પાડી પેશાબ સીધો બહાર આવે તેવી ગોઠવણ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
 
    - મૂત્રનલિકાના વાલ્વની યોગ્ય સારવાર છતાં કેટલાક બાળકો લાંબા ગાળે (વર્ષો પછી) લોહીનું દબાણ વધવું, કિડની બગડવી, પેશાબનો ચેપ, શરીરનો અપૂરતો વિકાસ, તેવા પ્રશ્નો થવાની શક્યતા હોય છે. આ કારણસર મૂત્રનલિકામાં વાલ્વની તકલીફ હોય તેવા બાળકોએ યોગ્ય સમયાંતરે બતાવતા રહેવું અને સલાહ મુજબ સારવાર લેવી જરૂરી છે.
 
પથરી
નાનાં બાળકોને થતી પથરીના પ્રશ્નની સારવાર માટે તેનું સ્થાન, કદ, પ્રકાર વગેરે ધ્યાનમાં લઈ જરૂર મુજબ દૂરબીન દ્વારા, ઓપરેશન દ્વારા કે લિથોટ્રીપ્સી દ્વારા પથરીનો ભૂકો કરી પથરી દૂર કરવામાં આવે છે. આ રીતે દૂર કરાયેલી પથરીના લેબોરેટરીમાં કરવામાં આવતા પૃથક્કરણ બાદ તે ફરી ન થાય તે માટે દવા અને સૂચના આપવામાં આવે છે.
બાળકોમાં જન્મજાત ક્ષતિને કારણે મૂત્રમાર્ગનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે.
                         
                    
                       
                            
                            વી.યુ.આર. (વસાઈકો યુરેટેરિક રીફ્લક્સ)
બાળકોમાં પેશાબના ચેપ માટે આ બધાં કારણો કરતાં વધુ અગત્યનું કારણ પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી દિશામાં મૂત્રવાહિનીમાં જાય તે છે. આ રોગ વસાઈકો યુરેટેરિક રીફલક્સ-V.U.R.(Vesicoureteric Reflux) તરીકે ઓળખાય છે.
વસાઈકો યુરેટેરિક રીફલકસ - વી.યુ.આર.ની ચર્ચા શા માટે અગત્યની છે? 
આ રોગ બાળકોમાં પેશાબના ચેપ, ઊંચા લોહીનું દબાણ અને ક્રોનિક કિડની ફેલ્યર માટેનું સૌથી વધુ અગત્યનું કારણ છે.
મૂત્રમાર્ગના ચેપના કારણે તાવ હોય તેવા બાળકોમાંથી ૩૦-૪૦% બાળકોમાં તે માટેનું કારણ વી.યુ.આર. છે. અમુક બાળકોમાં વી.યુ.આર.ને કારણે લાંબા ગાળે (મહિનાઓ કે વર્ષો બાદ) કિડનીનો કેટલોક ભાગ ન સુધરી શકે તે રીતે નુકસાન પામે છે (Scarring of Kidney). આ નુકસાન (Scarring)ના કારણે લોહીનું ઊંચું દબાણ, સગર્ભાવસ્થામાં લોહીનું ઊંચું દબાણ, સોજા તથા ક્રોનિક કિડની ડિસીઝ થવાની શક્યતા રહે છે. પરિવારજનોમાં જો કોઈને આ રોગ હોય તો વારસામાં અન્ય સભ્યને થવાની શક્યતા રહે અને આ પ્રશ્ન છોકરા કરતા છોકરીઓમાં વધુ જોવા મળે છે.
મૂત્રનલિકામાં વાલ્વની યોગ્ય સારવાર ન થઈ હોય તો તે છોકરાઓને લાંબા ગાળે સી.કે.ડી. થઈ શકે છે.
                         
                    
                       
                            
                            વી.યુ.આર.માં શું થાય છે? 
સામાન્ય રીતે મૂત્રાશયમાં વધારે દબાણ હોવા છતાં મૂત્રવાહિની અને મૂત્રાશય વચ્ચે આવેલો વાલ્વ પેશાબને મૂત્રવાહિનીમાં જતો અટકાવે છે અને પેશાબ કરવાની પ્રક્રિયા દરમિયાન પેશાબ મૂત્રાશયમાંથી એક જ તરફ, મૂત્રનલિકા દ્વારા બહાર નીકળે છે. જન્મજાત આ રોગ વી.યુ.આર.માં આ વાલ્વની રચનામાં ખામી હોઈ વધુ પેશાબ મૂત્રાશયમાં ભેગો થાય અથવા તો પેશાબ કરવાની પ્રક્રિયા દરમિયાન પેશાબ ઊંધી તરફ મૂત્રાશયમાંથી એક અથવા બંને મૂત્રવાહિની તરફ પણ જાય છે.
પેશાબ કેટલી માત્રામાં ઊંધી તરફ જાય છે તેના આધારે રોગની તીવ્રતા હળવીથી અતિ ગંભીર હોઈ શકે છે (ગ્રેડ ૧થી ૫ સુધી).
વી.યુ.આર. કયા કારણસર થાય છે 
વી.યુ.આર. થવાના કારણોના મુખ્યબે ભાગ પ્રાઈમરી વી.યુ.આર. અને સેકન્ડરી વી.યુ.આર. છે. પ્રાઈમરી વી.યુ.આર.માં જન્મથી વાલ્વની રચનામાં ખામી હોય છે, જ્યારે સેકેન્ડરી વી.યુ.આર. કોઈ પણ ઉંમરે થઈ શકે
                         
                    
                       
                            
                            છે. તે થવાના મુખ્ય કારણોમાં મૂત્રનલિકા અથવા મૂત્રાશયના માર્ગમાં અડચણ, મૂત્રાશયની કાર્યક્ષમતામાં તકલીફ, મૂત્રાશય દ્વારા પેશાબના નિકાલની પ્રક્રિયા યોગ્ય રીતે ન થવી અને મૂત્રાશયમાં ચેપ લાગવો વગેરે છે.
વી.યુ.આર.ના ચિહ્નો : 
વી.યુ.આર.ના કોઈ વિશિષ્ટ ચિહ્નો જોવા મળતા નથી. આ રોગને કારણે થતી તકલીફ આ રોગ કેટલો ગંભીર છે તેના પર આધાર રાખે છે. ઓછા ગંભીર પ્રકારના રોગમાં ઊંધી તરફ જતો પેશાબ ઓછી માત્રામાં અને ફક્ત મૂત્રવાહિની અને કિડનીના પેલ્વીસના ભાગ સુધી જ જાય છે. આવાં બાળકોમાં વારંવાર પેશાબમાં ચેપ સિવાય અન્ય પ્રશ્નો જોવા મળતા નથી.
રોગ જ્યારે વધુ ગંભીર હોય ત્યારે પેશાબ વધુ માત્રામાં ઊંધી તરફ જવાને કારણે કિડની ખૂબ ફૂલી જાય છે અને પેશાબના દબાણને કારણે લાંબા સમયે કિડનીને નુકસાન થવા લાગે છે. આ પ્રશ્નોની જો સમયસર યોગ્ય સારવાર ન કરવામાં આવે તો બાળકોમાં લાંબા ગાળે (મહિના કે વર્ષો બાદ) લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું અને કિડની બગડવી જેવા પ્રશ્નો જોવા મળે છે.
વી.યુ.આર.નું નિદાન કઈ રીતે થાય છે? 
વી.યુ.આર. માટે કરવામાં આવતી તપાસ નીચે મુજબ છે :
૧. નિદાન માટેની મુખ્ય તપાસ : 
વી.સી.યુ.જી. (એમ.સી.યુ.) 
વી.યુ.આર.ના નિદાન અને તેની તીવ્રતા જાણવા માટે સૌથી મહત્ત્વની તપાસ વી.સી.યુ.જી. છે. આ તપાસ દ્વારા વી.યુ.આર.ની તીવ્રતા ૧થી ૫ ગ્રેડમાં કરવામાં આવેલ છે. આ ગ્રેડ ઉપરથી પેશાબ કેટલા પ્રમાણમાં મૂત્રાશયમાંથી ઊંધી દિશામાં મૂત્રવાહિનીમાં જાય છે તેની માહિતી મળે છે. આ ગ્રેડ દ્વારા કિડનીને નુકસાન થવાનું જોખમ અને રોગની યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે છે.
બાળકોમાં મૂત્રમાર્ગનો ચેપ અને ક્રોનિક કિડની ફેલ્યરનું મુખ્ય કારણ જન્મજાત ક્ષતિ વી.યુ.આર. છે.
                         
                    
                       
                            
                            વધારાની જરૂરી તપાસ : 
    - પેશાબની સામાન્ય અને કલ્ચર તપાસ : પેશાબના ચેપના પાકા નિદાન અને ચેપ માટે કારણભૂત બેક્ટેરિયાના પ્રકારની અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે સચોટ માહિતી આપે છે.
 
    - લોહીમાં હીમોગ્લોબીનની તપાસ, શ્વેતકણનું પ્રમાણ અને ક્રીએટીનીનની તપાસ.
 
    - કિડનીની સોનોગ્રાફી દ્વારા કિડનીનું કદ, આકાર, કિડની કેટલી ફૂલી છે વગેરે ઘણા પ્રશ્નો અંગે મહત્ત્વની માહિતી મળે છે. પરંતુ સોનોગ્રાફી દ્વારા વી.યુ.આર.નું નિદાન થઈ શકતું નથી.
 
    - ડી.એમ.એસ.એ.સ્કેન : કિડનીની ખાસ તપાસ ડી.એમ.એસ.એ. સ્કેન દ્વારા કિડનીના કેટલાક ભાગને નુકસાન થયું છે તે માહિતી મળે છે.
 
વી.યુ.આર.ની સારવાર : 
પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન થતું અટકાવવા માટે વી.યુ.આર.ની સમયસરની યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે.
આ રોગની સારવાર રોગનાં ચિહ્નો, તેની માત્રા તથા બાળકોની ઉંમરને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.
વી.યુ.આર.ની સારવારના ત્રણ મુખ્ય વિકલ્પ- દવા દ્વારા સારવાર, ઓપરેશન અને એન્ડોસ્કોપી દ્વારા સારવાર છે.
ઓછા ગંભીર પ્રકારના વી.યુ.આર.ની સારવાર 
    - આ પ્રકારની તકલીફમાં પેશાબ ઊંધો જતો હોય તે તકલીફ ધીરેધીરે ઘટી કોઈ પણ ઓપરેશન વગર સંપૂર્ણ રીતે મટી જાય છે. આ દરમિયાન પેશાબમાં ચેપ ન લાગે તે માટે જરૂરી દવા આપવામાં આવે છે.
 
    - પેશાબમાં ચેપનો કાબૂ દર્દીની સારવારનો સૌથી મહત્ત્વનો ભાગ છે.
 
    - ચેપનાં કાબૂ માટે યોગ્ય એન્ટિબાયોટિક્સ આપવી જરૂરી છે. કઈ એન્ટિબાયોટિક્સ વધુ અસરકારક રહેશે તે નક્કી કરવામાં પેશાબ કલ્ચરની તપાસ મદદરૂપ બને છે. આ દવા ૭થી ૧૦ દિવસ માટે આપવામાં આવે છે.
 
વી.યુ.આર.ના દર્દીઓમાં બી.પી, શારીરિક વિકાસ અને પેશાબમાં ચેપનાં નિયમન માટે નિયમિત ચેકઅપ કરાવવું.
                         
                    
                       
                            
                            
    - દવાથી ચેપમાં સંપૂર્ણ કાબૂ આવી જાય ત્યારપછી બાળકને ફરી ચેપ ન લાગે તે માટે ઓછી માત્રામાં, રાત્રે સૂતી વખતે એક વખત એન્ટિબાયોટિક્સ લાંબા સમય (૨થી ૩ વર્ષ) માટે આપવામાં આવે છે. આ દરમિયાન દર મહિને અને જરૂર પડે તો તે પહેલાં પણ પેશાબની તપાસ કરી ચેપ પૂરતા પ્રમાણમાં કાબૂમાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે અને તે મુજબ જરૂર પ્રમાણે દવામાં ફેરફાર કરવામાં આવે છે.
 
    - રોગ ઓછો ગંભીર પ્રકારનો હોય ત્યારે આશરે ૧થી ૩ વર્ષઆ રીતે સારવાર કરવાથી આ રોગ નાબૂદ થઈ જાય છે. સારવાર દરમિયાન દર ૧થી ૨ વર્ષ ઊંધી તરફ મૂત્રવાહિનીમાં જતા પેશાબના પ્રમાણમાં કેટલો ફેરફાર થયો છે તે જાણવા વી.સી.યુ.જી. તપાસ કરવામાં આવે છે.
 
વધારે ગંભીર પ્રકારના વી.યુ.આર.ની સારવાર 
    - જ્યારે વધારે માત્રામાં પેશાબ ઊંધી તરફ જતો હોય અને તેને કારણે મૂત્રવાહિની અને કિડની પહોળી થઈ ફૂલી ગયા હોય તેવા સંજોગોમાં ઓપરેશન જરૂરી હોય છે.
 
    - ઓપરેશન વગર આ તકલીફ મટી શકતી નથી.
 
    - આ ઓપરેશનનો હેતુ મૂત્રવાહિની અને મૂત્રાશય વચ્ચે વાલ્વ જેવી વ્યવસ્થા ગોઠવાઈ જાઈ અને પેશાબ ઊંધી તરફ મૂત્રવાહિનીમાં જતો અટકી જાઈ તે હોય છે.
 
    - જે બાળકોમાં પેશાબ વધારે માત્રામાં ઊંધી તરફ જતો હોય ત્યારે જો ઓપરેશન યોગ્ય સમયે ન કરવામાં આવે તો કિડનીને હંમેશાં માટે નુકસાન થઈ શકે છે.
 
    - આ અત્યંત નાજુક એવું ઓપરેશન પિડિયાટ્રિક સર્જન અથવા યુરોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે.
 
વી.યુ.આર.ની સારવારમાં હળવા પ્રશ્ન માટે એન્ટિબાયોટિક્સ અને ગંભીર પ્રશ્ન માટે ઓપરેશનની જરૂર પડે છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગમાં ચેપના બાળકો એ ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક ક્યારે કરવો જોઈએ? 
નીચે મુજબની તકલીફોમાં મૂત્રમાર્ગના ચેપના બાળકોએ ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો :
    - તાવ આવવો, ઠંડી લાગવી, પેશાબમાં બળતરા થવી, પેડુમાં દુખાવો થવો.
 
    - પેશાબમાં દુર્ગંધ આવવી અથવા પેશાબમાં લોહી પડવું.
 
    - ઊલટી ઉબકાને કારણે દવા લેવામાં તકલીફ થવી કે શરીરમાં પ્રવાહી ઘટી જવું.
 
    - ચિડિયાપણું, ખોરાકમાં અરુચિઅને બાળક સતત માંદું રહે.
 
વી.યુ.આર.ની સારવારમાં એન્ટિબાયોટિક્સ નિયમિતપણે રાત્રે લાંબા સમય-વર્ષો સુધી લેવી જરૂરી છે.