કિડનીના અમુક રોગો મટી શકતા નથી અને તે માટે જરૂરી સારવાર અત્યંત ખર્ચાળ અને જોખમી હોય છે. વળી, કિડનીના ગંભીર રોગોમાં પણ શરૂઆતમાં ચિહ્નો ઓછા હોય છે તેથી કિડનીના રોગની શંકા પડે ત્યારે તરત જ તપાસ કરાવી રોગનું વહેલું નિદાન કરાવવું સલાહભર્યું છે.
કિડનીની તપાસ કોણે કરાવવી જોઈએ? કિડનીની તકલીફ થવાની શક્યતા ક્યારે વધારે રહે છે?
૧.	જે વ્યક્તિમાં કિડનીના રોગના ચિહ્નો જોવા મળે.
૨.	ડાયાબિટીસની બીમારી હોય.
૩.	લોહીનું દબાણ કાબૂમાં ન હોય.
૪.	કુટુંબમાં વારસાગત કિડનીના રોગ હોય સાથે ડાયાબિટીસ અથવા બ્લડપ્રેશરની તકલીફ હોય.
૫.	લાંબા સમય માટે શારીરિક દુખાવાની દવા લીધી હોય.
૬.	મૂત્રમાર્ગમાં જન્મજાત ખોટ હોય.
૭.	ધૂમ્રપાનની ટેવ વધુ પડતી ચરબીવાળા અને ૬૦ વર્ષથી વધુ ઉંમર.
આ પ્રકારના પ્રશ્નો ધરાવતી વ્યક્તિઓમાં દર વર્ષે કિડનીની તપાસ નિયમિત કરાવવાથી રોગનું નિદાન વહેલાસર થઈ શકે છે.
કિડનીના રોગનું નિદાન કઈ રીતે કરવું? કઈ તપાસ કરાવવી?
કિડનીના જુદા જુદા રોગના નિદાન માટે ડૉક્ટર દ્વારા દર્દીની તકલીફ અંગે વિગતવાર માહિતી જાણી, લોહીનું દબાણ માપવું અને દર્દીને તપાસીને જરૂરી તપાસ કરાવવી આવશ્યક છે.
રોગના ચોક્કસ નિદાન માટે સામાન્ય રીતે પેશાબ, લોહી અને રેડિયોલૉજિકલ તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
પેશાબની તપાસ કિડનીના રોગના વહેલા નિદાન માટે ખૂબ જ અગત્યની છે.
                         
                    
                       
                            
                            કિડનીના રોગના નિદાન માટેની અગત્યની તપાસ નીચે મુજબ છે :
૧. પેશાબની તપાસ :
કિડનીના રોગોના નિદાન માટે આ તપાસ ખૂબ જ અગત્યની છે. પેશાબની વિવિધ પ્રકારની તપાસ કિડનીના જુદા જુદા રોગોના નિદાન માટે   મહત્ત્વની માહિતી આપે છે.
    - ઓછા ખર્ચે સરળ રીતે થઈ શકતી આ તપાસ અતિ મહત્ત્વની માહિતી આપે છે.
 
    - પેશાબમાં પરૂની હાજરી મૂત્રમાર્ગમાં ચેપ સૂચવે છે.
 
    - પેશાબમાં પ્રોટીન અને રક્તકણની હાજરી કિડનીનો સોજો ગ્લોમેરૂલોનેફ્રાઈટીસ સૂચવે છે.
 
    - પેશાબમાં પ્રોટીન ઘણા કિડનીના રોગોમાં જોવા મળે છે. પરંતુ પેશાબમાં પ્રોટીન કિડની ફેલ્યર જેવા ગંભીર પ્રશ્નની સૌપ્રથમ નિશાની હોઈ શકે છે.   દા.ત. ડાયાબિટીસને કારણે કિડની ફેલ્યરની શરૂઆતની પહેલી નિશાની પેશાબમાં પ્રોટીન જવું તે છે.
 
    - પેશાબની તપાસ કિડનીના ઘણા રોગોના નિદાન માટે મહત્ત્વની માહિતી આપે છે. પરંતુ પેશાબનો રિપોર્ટ સંપૂર્ણ સારો હોય તોપણ કિડનીની   તકલીફ નથી તેવું કહી ન શકાય.
 
    - માઈક્રોઆલ્બ્યુમિન્યુરિયા : જ્યારે પેશાબમાં ખૂબ જ થોડા પ્રમાણમાં પ્રોટીન જતું હોય તો તેને માઈક્રોઆબ્યુમિન્યુરિયા કહેવાય છે.   પેશાબની આ તપાસ ડાયાબિટીસની કિડની પરની અસરના વહેલા અને સમયસરના નિદાન માટે અત્યંત અગત્યની છે. રોગની આ તબક્કે યોગ્ય   સારવાર અને કાળજીથી રોગ મટી શકે છે. પેશાબની સામાન્ય તપાસમાં પ્રોટીનની હાજરી આ તબક્કે જોવા મળતી નથી.
 
પેશાબની અન્ય તપાસો નીચે મુજબ છે :
(૧)  ૨૪ કલાકના પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ : કિડની પરના સોજાની માત્રા અને તેના પર સારવારની અસર જાણવા માટે હોય છે. પેશાબમાં   જ્યારે પ્રોટીન જતું હોય ત્યારે આખા દિવસમાં કેટલું પ્રોટીન જાય છે તે નક્કી કરવા માટે ૨૪ કલાકના કુલ પેશાબમાં પ્રોટીનની માત્રા તપાસવામાં આવે   છે. રોગની તીવ્રતા જાણવા માટે આ તપાસ ખૂબ જ ઉપયોગી હોય છે.
(૨)  પેશાબની કલ્ચર અને સેન્સિટિવિટીની તપાસ: આ તપાસનો રિપોર્ટ આવતા ૪૮ થી ૭૨ કલાક લાગે છે. આ તપાસ દ્વારા ચેપ ક્યા પ્રકારના   બેક્ટેરિયાને કારણે લાગેલ છે, તેની તીવ્રતા કેટલી છે અને તેની સારવાર માટે કઈ દવા અસરકારક રહેશે તે માહિતી આપે છે.
(૩)  ટી.બી.ના જંતુની તપાસ (મૂત્રમાર્ગના ટી.બી.ના નિદાન માટે).
કિડનીની કાર્યક્ષમતા જાણવા લોહીની ક્રીએટીનીનની તપાસ કરવામાં આવે છે.
                         
                    
                       
                            
                            ૨. લોહીની તપાસ :
સચોટ નિદાન અને કિડનીના જુદા જુદા રોગની જાણકારી માટે લોહીની તપાસ ખૂબ જ જરૂરી અને અગત્યની છે.
    - 
    
લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ :
    તંદુરસ્ત કિડની હીમોગ્લોબિન ધરાવતા રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. રક્તકણોનું ઉત્પાદન હાડકામાં થાય છે. એનિમિયા એટલે કે લોહીમાં હીમોગ્લોબિન ઘટી જાય તે કિડની ફેલ્યરની મહત્ત્વની નિશાની છે. જોકે એનિમિયાના અન્ય ઘણા અને વધુ મહત્ત્વનાં કારણો હોવાથી આ તપાસ હંમેશા કિડનીની બીમારી સૂચવતી નથી. 
    - 
    
ક્રીએટીનીન અને યુરિયા :
    આ તપાસ કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી આપે છે. યુરિયા અને ક્રીએટીનીન શરીરમાંથી કિડની દ્વારા સાફ કરવામાં આવતો કચરો (બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો) છે. લોહીમાં ક્રીએટીનીનનું સામાન્ય પ્રમાણ ૦.૯થી ૧.૪ મિ.ગ્રા.% હોય છે. બન્ને કિડની જેમ વધુ બગડે તેમ લોહીમાં યુરિયા અને ક્રીએટીનીનનું પ્રમાણ પણ વધતું જાય છે. 
    - 
    
લોહીની અન્ય તપાસો:
    કિડનીના જુદા જુદા રોગના નિદાન માટે લોહીની અન્ય તપાસોમાં પ્રોટીન, કોલેસ્ટ્રોલ, ગ્લુકોઝ, બાઈકાર્બોનેટ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, કૅલ્શિયમ, ફોસ્ફરસ, એએસઓ ટાઈટર, કોમ્પ્લિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. 
કિડનીની સોનોગ્રાફીની તપાસ નેફ્રોલોજિસ્ટની ત્રીજી આંખ સમાન છે.
                         
                    
                       
                            
                            ૩. રેડિયોલૉજિકલ તપાસ :
    - 
    
કિડનીની સોનોગ્રાફી:
    આ સરળ, ઝડપી અને સલામત એવી તપાસ કિડનીના કદ, રચના તથા સ્થાન અને મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી કે ગાંઠ વિશે અગત્યની માહિતી આપે છે. મોટા ભાગના ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં સોનોગ્રાફીમાં બન્ને કિડની સંકોચાયેલી જોવા મળે છે. 
    - 
    
પેટનો એક્સ-રે:
    આ તપાસ મુખ્યત્વે પથરીના નિદાન માટે કરાવવામાં આવે છે. 
    - 
    
ઈન્ટ્રાવિનસ યુરોગ્રાફી (આઈ.વી.યુ.):
    આ એ એકખાસ પ્રકારની એક્સ-રેની તપાસ છે. આ તપાસમાં એક્સ-રેમાં દેખાઈ શકે તેવી ખાસ પ્રકારની આયોડિન ધરાવતી દવાનું ઈન્જેક્શન આપી અમુક સમયના અંતરે પેટના એક્સ-રે લેવામાં આવે છે. આ પેટના એક્સ-રેમાં દવા કિડનીમાંથી ઉત્સર્ગ થઈ મૂત્રમાર્ગ દ્વારા મૂત્રાશયમાં જતી જોવા મળે છે.
    કિડની ઓછું કામ કરતી હોય ત્યારે આ તપાસ ઉપયોગી બની શકતી નથી. આઈ.વી.યુ.ની દવા નબળી કિડનીને નુકસાન કરી શકે છે તેથી આ તપાસ કિડની ફેલ્યરના દર્દીઓમાં હાનિકારક હોવાથી કરવામાં આવતી નથી.
     
    - 
    
વોઈડિંગસિસ્ટોયુરેથ્રોગ્રામ (VCUG) (મિક્ચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ):
    આ તપાસ બાળકોમાં પેશાબમાં રસી કે ચેપના નિદાન માટે ઉપયોગી છે. વી.સી.યુ.જી. તરીકે ઓળખાતી આ તપાસમાં ખાસ જાતના આયોડિનયુક્ત પ્રવાહીને કેથેટર દ્વારા મૂત્રાશયમાં ભરવામાં આવે છે. ત્યારબાદ બાળકોને પેશાબ કરવાનું કહેવામાં આવે છે. પેશાબ કરવાની પ્રક્રિયા દરમિયાન મૂત્રાશય અને મૂત્રનલિકાના એક્સ-રે પાડવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી તરફ મૂત્રવાહિની અને કિડની તરફ જતો હોય, મૂત્રાશયમાં કોઈ ક્ષતિહોય અથવા મૂત્રાશયમાંથી મૂત્રનલિકા દ્વારા પેશાબ બહાર નીકળવાના માર્ગમાં અવરોધ હોય તો તે વિશે અગત્યની માહિતી મળે છે. 
    - 
    
અન્ય રેડિયોલૉજિકલ તપાસ:
    અમુક જાતના રોગોના નિદાન માટે કરાતી વિશિષ્ટ તપાસમાં કિડની ડોપ્લર, સિટીસ્કેન, એન્ટિગ્રેડ અને રીટ્રોગ્રેડ પાઈલોગ્રાફી વગેરેનો સમાવેશ થાય છે. 
કિડની રોગના પ્રાથમિક નિદાન માટે મહત્ત્વની ત્રણ તપાસ પેશાબની તપાસ, લોહીમાં ક્રીએટીનીન અને સોનોગ્રાફી છે.
૪. અન્ય ખાસ તપાસો :
કિડની બાયોપ્સી, સિસ્ટોસ્કોપી અને યુરોડાઈનેમિક્સ જેવી ખાસ જાતની તપાસ કેટલાક રોગના ચોક્કસ નિદાન માટે જરૂરી છે.
                         
                    
                       
                            
                            કિડનીના કેટલાક રોગના કારણના ચોક્કસ નિદાન માટે કિડની બાયોપ્સી અત્યંત મહત્ત્વની તપાસ છે.
કિડની બાયોપ્સી શું છે?
કિડનીના કેટલાક રોગોનું ચોક્કસ કારણ શોધવા માટે સોયની મદદથી કિડનીમાંથી દોરા જેવી પાતળી કટકી કાઢી તેની કરવામાં આવતી ખાસ પ્રકારની હિસ્ટોપેથોલોજીની તપાસને કિડની બાયોપ્સી કહે છે.
કિડની બાયોપ્સી જરૂરિયાત ક્યારે પડે છે?
કિડનીના કેટલાક રોગો કે જેમાં પેશાબમાં પ્રોટીન જતું હોય કે કિડની ઓછું કામ કરતી હોય ત્યારે ઘણી વખત આ રોગો થવાના કારણનું ચોક્કસ નિદાન અન્ય તપાસ દ્વારા શક્ય બનતું નથી. આવા પ્રકારના કિડનીના રોગોના નિદાન માટે કિડની બાયોપ્સી કરવામાં આવે છે.
કિડનીના કેટલાક રોગોના સચોટ નિદાન માટે કિડની બાયોપ્સી કરવી આવશ્યક છે.
                         
                    
                       
                            
                            કિડની બાયોપ્સીની તપાસથી શું ફાયદો થાય છે?
આ તપાસ દ્વારા કિડનીના રોગના કારણનું ચોક્કસ નિદાન કરી શકાય છે. આ નિદાન કઈ સારવાર આપવી, સારવારની કેટલી અસર થશે તથા ભવિષ્યમાં કિડની બગડવાની શક્યતા કેટલી રહેલી છે તે વિશે મહત્ત્વની માહિતી આપે છે,
કિડની બાયોપ્સી કઈ રીતે કરવામાં આવે છે?
    - કિડની બાયોપ્સી માટે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
 
    - લોહીનું દબાણ અને લોહી ગંઠાવાની પ્રક્રિયા બંને સામાન્ય હોય તે આ તપાસની સલામતી માટે જરૂરી છે.
 
    - લોહી પાતળું કરવાની દવા (એસ્પિરીન અને ક્લોપીડોગ્રેલ) બાયોપ્સી કરવાની હોય તેના એક અઠવાડિયા પહેલાં બંધ કરવી જરૂરી છે.
 
    - મોટા ભાગે આ તપાસ દર્દીને બેભાન કર્યા વગર કરવામાં આવે છે. જોકે નાના બાળકોમાં બાયોપ્સી બેભાન કરી કરવામાં આવે છે.
 
    - બાયોપ્સી માટે દર્દીને ઊંધા, પેટ નીચે ઓશીકું રાખી સુવડાવવામાં આવે છે.
 
    - બાયોપ્સી માટેની ચોક્કસ જગ્યા સોનોગ્રાફીની મદદથી નક્કી કરવામાં આવે છે, જે પીઠમાં પાંસળીની નીચે, કમરના સ્નાયુની પાસે આવેલી હોય છે.
 
    - આ જગ્યાને દવા વડે સાફ કર્યા બાદ દુખાવો ન થાય તે માટે ઈન્જેક્શન વડે બહેરું કરવામાં આવે છે.
 
    - ખાસ સોય (બાયોપ્સી નીડલ)ની મદદથી કિડનીમાંથી પાતળા દોરા જેવી ૨-૩ કટકી લઈ હિસ્ટોપેથોલોજીની તપાસ માટે પેથોલોજિસ્ટને મોકલવામાં આવે છે.
 
    - બાયોપ્સી બાદ દર્દીને પથારીમાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે અને મોટા ભાગે બીજા દિવસે રજા આપવામાં આવે છે.
 
    - બાયોપ્સી બાદ લોહી વહેતું અટકાવવા માટે બાયોપ્સીની જગ્યાએ હાથ વડે થોડો સમય દબાવી રાખવામાં આવે છે.
 
    - કિડની બાયોપ્સી બાદ ૨-૪ અઠવાડિયા સુધી શ્રમવાળું કામ ન કરવાની અને વજન ન ઊચકવાની સલાહ આપવામાં આવે છે.
 
કિડની બાયોપ્સી પાતળી સોય વડે બેભાન કર્યા વગર કરવામાં આવતી પીડારહિત તપાસ છે.
                         
                    
                       
                            
                            શું કિડની બાયોપ્સીમાં કોઈ જોખમ છે?
બીજી કોઈ પણ સર્જરીની જેમ કિડની બાયોપ્સી પછી અમુક દર્દીઓમાં જોખમ થઈ શકે છે.
    - બાયોપ્સીની જગ્યાએ દુખાવો થવો, બાયોપ્સી બાદ એક બે વખત લાલ પેશાબ આવવો તે સામાન્ય બાબત છે અને તેમાં આપમેળે સુધારો થઈ જાય છે.
 
    - કોઈક વખત લોહી નીકળવાનું લાંબા સમય સુધી ચાલુ રહે તો લોહી ચડાવવું પડે છે. અત્યંત વધુ લોહી નીકળવાને કારણે કિડની કાઢી નાખવી પડે તે ભાગ્યે જ જોવા મળતું પરંતુ અતિ ગંભીર જોખમ છે.
 
    - બાયોપ્સીમાં કિડનીમાંથી મળેલ ભાગ યોગ્ય માત્રા ન હોવાથી ફરીથી કિડની બાયોપ્સીની જરૂર કેટલીક વખત (સરેરાશ વીસ દર્દીમાં એક) પડે છે. આ સંજોગોમાં ફરીથી કિડની બાયોપ્સી કરવી પડે છે.
 
બાયોપ્સીની તપાસ ફક્ત કૅન્સરના નિદાન માટે જ કરવામાં આવે છે તે ખોટી માન્યતા છે.