કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રનલિકા મૂત્રમાર્ગ બનાવે છે, જેમાં બેક્ટેરિયા કે વિષાણુ દ્વારા લાગતા ચેપને મૂત્રમાર્ગનો ચેપ (એટલે કે Urinary Tract Infection અથવા UTI) કહે છે.
શરીરમાં થતા વિવિધ પ્રકારના ચેપમાં છાતીના ચેપ બાદ સૌથી વધુ જોવા મળતો ચેપ મૂત્રમાર્ગનો ચેપ છે. એટલે કે મૂત્રમાર્ગના ચેપની તકલીફ થાય તેવા દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટી છે.
મૂત્રમાર્ગના ચેપનાં ચિહ્નો કયા છે? 
મૂત્રમાર્ગના જુદા જુદા ભાગમાં ચેપની અસરનાં ચિહ્નો અલગ અલગ હોય છે.
આ ચિહ્નો ચેપની માત્રા મુજબ વધારે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
મોટા ભાગના દર્દીઓમાં જોવા મળતાં ચિહ્નો : 
    - પેશાબમાં બળતરા કે દુખાવો થાય.
 
    - વારંવાર પેશાબ કરવા જવું પડે. ટીપે ટીપે પેશાબ ઊતરવો.
 
    - તાવ આવે, નબળાઈ લાગે.
 
    - પેશાબમાં દુર્ગંધ આવે કે પેશાબ ડહોળો આવે.
 
મૂત્રાશયમાં ચેપ : 
    - પેશાબ વારંવાર કરવા જવું પડે. પેટના નીચેના ભાગમાં પેડુમાં દુખાવો થાય.
 
    - લાલ પેશાબ આવે.
 
    - પેશાબ કરતી વખતે દુખાવો થાય.
 
કિડનીનો ચેપ :  
    - ઠંડી સાથે વધુ તાવ આવે.
 
    - કમરમાં દુખાવો થાય, નબળાઈ લાગે.
 
    - સામાન્ય રીતે હાડમાં તાવ રહે અને પડખામાં દુખે, ઊલટી, ઉબકા, થાકઅને નબળાઈ લાગે.
 
    - યોગ્ય સારવાર કરવામાં ન આવે તો આ ચેપ જીવલેણ બની શકે છે.
 
પેશાબમાં બળતરા થાય અને વારંવાર પેશાબ કરવા જવું પડે તે મૂત્રમાર્ગના ચેપની નિશાની છે.
                         
                    
                       
                            
                            વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થવાનાં કારણો કયા છે? 
વારંવાર પેશાબનો ચેપ થવાનાં તથા યોગ્ય સારવાર છતાં ચેપ કાબૂમાં ન આવવાનાં કારણો નીચે મુજબ છે :
    - મૂત્રમાર્ગમાં અવરોધ :
    
જુદા જુદા કારણોને લીધે મૂત્રમાર્ગમાં અવરોધ થવો તે પેશાબમાં વારંવાર ચેપ લાગવાનું મહત્ત્વનું કારણ છે.
     
    - પુરુષ કરતાં સ્ત્રીઓમાં વધુ જોખમ :
    
સ્ત્રીઓમાં મૂત્રનલિકા નાની હોવાને કારણે મૂત્રાશયમાં ચેપ ઝડપથી લાગી શકે છે.
     
    - મૂત્રમાર્ગમાં પથરી :
    
કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં આવેલ પથરી પેશાબના માર્ગમાં અવરોધ કરી મૂત્રમાર્ગના ચેપનું  જોખમ વધારે છે.
     
    - જે દર્દીઓને લાંબા સમયથી પેશાબની નળી મૂકેલી હોય તેવા દર્દીઓમાં મૂત્રમાર્ગમાં ચેપ થવાનું જોખમ વધુ હોય છે.
 
    - જન્મજાત મૂત્રમાર્ગમાં ક્ષતિ કે જેમાં પેશાબ મૂત્રાશયમાંથી મૂત્રવાહિનીમાં ઊંધો જાય (Vesicoureteric Reflux), મૂત્રમાર્ગમાં ક્ષય (ટી.બી.)ની અસર વગેરે.
 
    - મોટી ઉંમરના પુરુષોમાં પ્રોસ્ટેટની ગાંઠને કારણે અને સ્ત્રીઓમાં મૂત્રનલિકા સંકોચાવાને કારણે પેશાબ ઉતરવામાં તકલીફ પડે અને પેશાબ મૂત્રાશયમાંથી સંપૂર્ણપણે ખાલી ન થાય.
 
    - ડાયાબિટીસમાં લોહી અને પેશાબમાં સાકરનું પ્રમાણ વધારે હોવાને કારણે.
 
    - ડાયાબિટીસ, એઈડ્સ(HIV) અને કૅન્સરના દર્દીઓમાં નબળી પડી ગયેલી રોગ પ્રતિકારક શક્તિને કારણે મૂત્રમાર્ગમાં ચેપ થવાની શક્યતાઓ વધી જાય છે.
 
    - અન્ય પ્રશ્નો : મૂત્રાશય સંકોચાવાની પ્રક્રિયામાં ખામી (Neurogenic Bladder).
 
મૂત્રમાર્ગમાં અડચણ એ વારંવાર પેશાબમાં ચેપ થવાનું મુખ્ય કારણ છે.
                         
                    
                       
                            
                            શું મૂત્રમાર્ગનો વારંવાર ચેપ કિડનીને નુકસાન કરી શકે છે? 
સામાન્ય રીતે પુખ્તવયે મૂત્રમાર્ગનો ચેપ વારંવાર થવા છતાં કિડનીને નુકસાન થતું નથી. જોકે વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થવા માટે કારણભૂત પ્રશ્નો જેમ કે પથરી, મૂત્રમાર્ગમાં અવરોધ કે ટી.બી.ની બીમારી વગેરે પ્રશ્નો કિડનીને નુકસાન કરી શકે છે.
પરંતુ બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની જો સમયસર, યોગ્ય સારવાર કરવામાં ન આવે તો કિડનીને કાયમ માટે નુકસાન થઈ શકે છે. આથી મૂત્રમાર્ગના ચેપનો પ્રશ્ન બાળકો કરતાં પુખ્તવયમાં ઓછો ગંભીર ગણાય.
સામાન્ય રીતે પુખ્તવયે મૂત્રમાત્રનો ચેપ વારંવાર થવા છતાં કિડનીને નુકસાન થતું નથી.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગના ચેપનું નિદાન : 
મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને તેની તીવ્રતા જાણવા માટે પેશાબની તપાસ કરાવવામાં આવે છે. જે દર્દીઓમાં ગંભીર અથવા વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થતો હોય તેવા દર્દીઓમાં વારંવાર થતા ચેપનું કારણ જાણવા અલગ અલગ તપાસ કરવામાં આવે છે.
પેશાબની સામાન્ય તપાસ : 
પેશાબની માઈક્રોસ્કોપ દ્વારા થતી તપાસમાં રસી (Plus Cells)ની હાજરી મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે.
યુરિન કલ્ચર અને સેન્સિટિવિટી ટેસ્ટ : 
મૂત્રમાર્ગના ચેપના નિદાન અને સારવારના માર્ગદર્શન માટે એન્ટિબાયોટિક સારવાર શરૂ કર્યા પહેલાં આ તપાસ કરવામાં આવે છે. પેશાબ કલ્ચરની તપાસ માટે પેશાબ ખાસ તકેદારી સાથે લેવો જરૂરી છે. પેશાબ કરવાના ભાગને સાફ કર્યા બાદ, દર્દીને પેશાબ કરવાનું કહેવામાં આવે, થોડો પેશાબ થઈ જાય ત્યારબાદ પેશાબ એકદમ ચોખ્ખી ટેસ્ટટ્યુબમાં લેવામાં આવે છે. આ રીતે પેશાબ કરવાની મધ્ય પ્રક્રિયા (Mid Stream Urine)માં લેવામાં આવેલ પેશાબમાં અન્ય ચેપ ભળવાનું જોખમ ઓછું રહે છે.
યુરિન કલ્ચરનો રિપોર્ટ આવતા ૪૮થી ૭૨ કલાક લાગે છે. ચેપ માટે કારણભૂત બેક્ટેરિયાના પ્રકાર, ચેપની તીવ્રતા અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે આ તપાસ સચોટ માહિતી આપે છે.
લોહીની તપાસ : મૂત્રમાર્ગના ચેપમાં સામાન્ય રીતે કમ્પલીટ બ્લડ કાઉન્ટ, સિરમ ક્રીએટીનીન, બ્લડ સુગર, સી.આર.પી. જેવી તપાસો જરૂર મુજબ કરવામાં આવે છે. લોહીમાં શ્વેતકણનું વધારે પ્રમાણ ચેપની ગંભીરતા સૂચવે છે.
મૂત્રમાર્ગનો ચેપ વારંવાર થવા માટેનાં કારણોનું નિદાન કઈ રીતે થાય? 
જે કારણસર વારંવાર પેશાબમાં રસી થાય કે તેની સારવાર અસરકારક ન નીવડે તે પ્રશ્નોનું નિદાન કરવા માટે નીચે મુજબની તપાસ કરવામાં આવે છે :
    - પેટનો એક્સ-રે અને સોનોગ્રાફી
 
    - ઈન્ટ્રાવીનસ પાઈલોગ્રાફી (IVP)
 
    - પેટનો CT Scan અને MRI
 
    - મિચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ (MUC)
 
    - પેશાબમાં ટી.બી.ના જંતુ માટે તપાસ (Urinary AFB)
 
    - યુરોલોજિસ્ટ દ્વારા ખાસ જાતના દૂરબીન (Cystoscope)થી મૂત્રાશયના અંદરના ભાગની તપાસ (Cystoscopy)
 
    - સ્ત્રીરોગ નિષ્ણાત (Gynecologist) દ્વારા તપાસ અને નિદાન
 
    - યુરોડાઈનામિક્સ
 
મૂત્રમાર્ગના ચેપની સફળ સારવાર માટે વારંવાર ચેપ થવાનું કારણ શોધવું જરૂરી છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગના ચેપને કઈ રીતે અટકાવી શકાય? 
    - રોજ પ્રવાહી (૩ લિટર) વધુ પીવું જેથી પેશાબ છૂટથી ઉતરે અને મૂત્રાશય અને મૂત્રમાર્ગમાંથી બેક્ટેરિયાનો નિકાલ થાય.
 
    - દર બે-ત્રણ કલાકે પેશાબ કરવો. કદી પણ પેશાબ રોકવો નહીં. વધુ સમય સુધી પેશાબ મૂત્રાશયમાં ભરી રાખવાથી બૅક્ટેરિયાને વધવા માટે તક મળે છે.
 
    - વિટામિન-સી યુક્ત ખોરાક વધુ લેવો અથવા કૅનબેરી જ્યુસ લેવો જેથી પેશાબ ઍસિડિક બને અને બૅક્ટેરિયાનો નાશ કરે.
 
    - કબજિયાત થતી અટકાવો અને તેની સારવાર કરાવો.
 
    - સ્ત્રીઓએ પેશાબની જગ્યા આગળથી પાછળની તરફ સાફ કરવી. (પાછળથી આગળ તરફ નહીં). આ આદતથી મળવિસર્જન કર્યા પછી બૅક્ટેરિયા યોનિઅને મૂત્રનલિકા સુધી ફેલાશે નહીં.
 
    - સંભોગ પહેલાં અને પછી મૂત્રમાર્ગ અને મળમાર્ગ સાફ કરી નાખવો અને પેશાબ કરી લેવો. સંભોગ પછી એક ગ્લાસ જેટલું પાણી જરૂર પીવું.
 
    - સ્ત્રીઓએ અંદરના કપડાં કોટનનાં પહેરવા. ખૂબ ફિટ કપડાં કે નાયલોનનાં કપડાં ન પહેરવાં.
 
    - માત્ર એન્ટિબાયોટિકનો એક ડોઝ લેવાથી સંભોગ પછી સ્ત્રીઓમાં વારંવાર થતો મૂત્રમાર્ગનો ચેપ સારી રીતે અટકાવી શકાય છે.
 
મૂત્રમાર્ગના ચેપમાં વધારે પ્રવાહી પીવું ખૂબ જ જરૂરી છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગના ચેપની સારવાર :
1. વધુ પ્રવાહી અને સામાન્ય સૂચનાઓ :
પેશાબના ચેપના દર્દીઓને વધુ પ્રવાહી લેવાની ખાસ સૂચના આપવામાં આવે છે. કિડનીના ચેપને કારણે ખૂબ ઊલટી થતી હોય તેવા થોડા દર્દીઓને બાટલા દ્વારા ઈન્ટ્રાવીનસ પ્રવાહી આપવાની જરૂર પડે છે.
તાવ અને દુખાવા માટે દવા લેવી. ગરમ કોથળીનો શેક કરવાથી દુખાવામાં રાહત થઈ શકે. કૉફી, દારૂ, સિગરેટ અને વધુ તેલ-મિર્ચવાળો ખોરાક ન લેવો.
2. મૂત્રાશયમાં ચેપ (Lower UTI, Cystitis)ની સારવાર 
નાની વયની તંદુરસ્ત સ્ત્રીઓમાં ટૂંકા ગાળા માટે (૩-૭ દિવસ) એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. પુખ્તવયના પુરુષમાં સામાન્ય રીતે ૭થી ૧૪ દિવસ માટે એન્ટિબાયોટિક્સ લેવી પડે છે.
મૂત્રાશયના ચેપની તકલીફવાળા દર્દીઓને સામાન્ય રીતે ક્લોટ્રાઈમેક્સેઝોલ, સિફેલોસ્પોરિન કે ક્વીનોલોન્સ ગ્રુપની દવા દ્વારા સારવાર કરવામાં આવે છે. આ ગોળીઓ સામાન્ય રીતે અઠવાડિયા માટે લેવામાં આવે છે.
3. કિડનીમાં ચેપની સારવાર : 
જે દર્દીઓમાં વધુ ગંભીર એવો કિડનીનો ચેપ (એક્યુટ પાયલોનેફ્રાઈટીસ) હોય તેવા દર્દીઓને શરૂઆતમાં ઈન્જેક્શન દ્વારા એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. સામાન્ય રીતે સિફેલોસ્પોરિન્સ, ક્વીનોલોન્સ, ઍમીનોગ્લાઈકોસાઈડ્સ ગ્રુપનાં ઈન્જેક્શનો આ સારવારમાં વપરાય છે. પેશાબના કલ્ચર રિપોર્ટની મદદથી વધુ અસરકારક એવી દવાઓ, ઈન્જેકશનો પસંદ કરવામાં આવે છે. જ્યારે દર્દીને તાવ અને ઊલટી બંધ થઈ જાય છે અને તબિયતમાં સુધારો થાય ત્યારબાદ ગોળી કે કેપ્સ્યુલ દ્વારા કુલ ૧૪ દિવસ માટે સારવાર આપવામાં આવે છે.
સારવાર શરૂ કર્યા બાદ કરવામાં આવતી પેશાબની તપાસ સારવારની અસરકારકતા વિશે માહિતી આપે છે. દવા પૂરી થયા બાદ પેશાબમાં રસી નાબૂદ થઈ જાય તે ચેપ પરનો કાબૂ દર્શાવે છે.
4. વારંવાર થતા પેશાબના ચેપની સારવાર : 
જરૂરી તપાસની મદદથી કિડનીના રોગ વારંવાર કેમ થાય છે કે સારવાર કેમ કારગત નીવડતી નથી, તેનું નિદાન કરવામાં આવે છે. આ નિદાનને ધ્યાનમાં લઈ દવામાં જરૂરી ફેરફાર, ઓપરેશન વગેરેનું આયોજન કરવામાં આવે છે.
મૂત્રમાર્ગના ચેપના નિદાન અને સારવાર માટે પેશાબના કલ્ચરની તપાસ ખૂબ જ અગત્યની છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગનો ક્ષય
ક્ષય શરીરનાં જુદાં જુદાં અંગો પર અસર કરે છે, જેમાં કિડની પરની અસર ૪%-૮% દર્દીઓમાં થાય છે. મૂત્રમાર્ગમાં વારંવાર ચેપ થવાનું એક અગત્યનું કારણ મૂત્રમાર્ગનો ક્ષય પણ છે.
મૂત્રમાર્ગના ક્ષયનાં ચિહ્નો : 
    - આ રોગ સામાન્ય રીતે ૨૫થી ૪૦ વર્ષની ઉંમર દરમિયાન, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે.
 
    - ૨૦%-૩૦% દર્દીઓમાં કોઈ ચિહ્નો હોતાં નથી, પરંતુ અન્ય તકલીફની તપાસ દરમિયાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે.
 
    - પેશાબમાં બળતરા થતી હોય, વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય.
 
    - પેશાબ લાલ આવે.
 
    - ફકત ૧૦%-૨૦% દર્દીઓને સાંજે તાવ આવે, થાક લાગે, વજન ઘટે, ભૂખ ન લાગે વગેરે ટી.બી.નાં ચિહ્નો જોવા મળે છે.
 
    - મૂત્રમાર્ગના ક્ષયની વધુ ગંભીર અસરને કારણે ભારે ચેપ થાય, પથરી થાય, લોહીનું દબાણ વધે કે મૂત્રમાર્ગના અવરોધને કારણે કિડની ફૂલીને બગડી જાય વગેરે પ્રશ્નો પણ થઈ શકે છે.
 
મૂત્રમાર્ગના ક્ષયનું નિદાન
૧. પેશાબની તપાસ : 
    - આ સૌથી વધુ અગત્યની તપાસ છે. પેશાબમાં રસી, રક્તકણ અથવા બંને જોવા મળે છે અને પેશાબ એસિડિક હોય છે.
 
    - ખાસ પ્રકારની ઝીણવટભરી તપાસમાં ટી.બી.ના જંતુ (Urinary AFB) જોવા મળે છે.
 
    - પેશાબ કલ્ચરની તપાસમાં કોઈ બેક્ટેરિયા જોવા મળતા નથી (Negative Urine Culture).
 
કિડનીનો ચેપ વધુ ગંભીર હોય તેવા દર્દીઓને ઈન્જેક્શન દ્વારા એન્ટીબાયોટીક્સ આપવામાં આવે છે.
                         
                    
                       
                            
                            ૨. સોનોગ્રાફી : 
શરૂઆતના તબક્કામાં આ તપાસમાં કોઈ માહિતી મળતી નથી. કેટલીક વખત વધુ અસર થાય ત્યારે કિડની ફૂલેલી કે સંકોચાયેલી જોવા મળે છે.
૩. આઈ.વી.પી. : 
ખૂબ જ ઉપયોગી એવી આ તપાસમાં ટી.બી.ને કારણે મૂત્રવાહિની (Ureter) સંકોચાઈ જવી, કિડનીના આકારમાં ફેરફાર થવો, (ફૂલી કે સંકોચાઈ જવી) કે મૂત્રાશય સંકોચાઈ જવું વગેરે તકલીફો જોવા મળે છે.
૪. અન્ય તપાસ : 
અમુક દર્દીઓ માટે દૂરબીન દ્વારા મૂત્રાશયની તપાસ (સિસ્ટોસ્કોપી) અને બાયોપ્સી ઘણી જ મદદરૂપ બને છે.
મૂત્રમાર્ગના ક્ષયની સારવાર
૧. દવાઓ : 
મૂત્રમાર્ગના ક્ષયમાં, છાતીમાં ક્ષયના રોગમાં વપરાતી દવાઓ જ વપરાય છે. સામાન્ય રીતે શરૂઆતના બે મહિના ચાર પ્રકારની દવાઓ અને ત્યાર બાદ ત્રણ પ્રકારની દવા આપવામાં આવે છે.
૨. અન્ય સારવાર : 
ક્ષયને કારણે જો મૂત્રમાર્ગમાં અવરોધ હોય તો તેની સારવાર દૂરબીન વડે કે ઓપરેશન દ્વારા કરવામાં આવે છે. અમુક દર્દીમાં કિડની સાવ બગડી ગઈ હોય, રસી થઈ ગઈ હોય તો તે કિડનીને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે છે.
મૂત્રમાર્ગનો ક્ષય પેશાબનો ચેપ વારંવાર થવાનું એક અગત્યનું કારણ છે.
                         
                    
                       
                            
                            મૂત્રમાર્ગના દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો જોઈએ? 
નીચે મુજબની તકલીફો થાય ત્યારે મૂત્રમાર્ગના ચેપના દર્દીએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો :
    - પેશાબ ખૂબ જ ઓછી માત્રામાં ઉતરે અથવા એકાએક બંધ થાય.
 
    - સતત ઠંડી સાથે તાવ, પીઠનો દુખાવો, પેશાબ ડહોળો અથવા લાલ ઉતરે.
 
    - ખૂબ જ ઊલટી, નબળાઈ અથવા લોહીના દબાણમાં ઘટાડો થાય.
 
    - બાળકોમાં મૂત્રમાર્ગનો ચેપ થાય.
 
    - જે દર્દીઓમાં એકજ કિડની હોય અથવા પથરી હોય.
 
    - ૨થી ૩ દિવસ એન્ટિબાયોટિકની સારવાર છતાં તબિયતમાં કોઈ જ સુધારો ન થવો.
 
પેશાબમાં ટી.બી.ના જંતુની તપાસ નિદાન માટે સૌથી વધુ મહત્ત્વની છે.