Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

નેફ્રોટિક સિન્ડ્રોમ

નેફ્રોટિક સિન્ડ્રોમ એ ઘણા બાળકોમાં જોવા મળતો કિડનીનો રોગ છે, જેમાં સોજા અને પેશાબમાં વધુ પ્રમાણમાં પ્રોટીન, લોહીમાં પ્રોટીનના પ્રમાણમાં ઘટાડો તથા કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો જોવા મળે છે.

કિડનીનો આ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ તે મુખ્યત્વે બાળકોમાં જોવામાં આવે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓમાં સોજા આવવા, દવાથી તેમાં સુધારો થવો, દવા ઘટાડવી અને બંધ કરવી અને ત્યારબાદ અમુક સમય પછી રોગ ઉથલો મારવાથી ફરી સોજા આવતા જોવા મળે છે. આ રીતે સોજા ચડવાથી દવા લેવી અને રોગના કાબૂ પછી બંધ કરવાની પ્રક્રિયા વારંવાર વર્ષો સુધી થાય તે આ રોગની લાક્ષણિકતા છે. જરૂરી સારવાર બાદ રોગ કાબૂમાં આવી ગયા પછી પણ વારંવાર વર્ષો સુધી આ રોગ ઊથલો મારતો હોવાથી દર્દી અને તેના કુટુંબીજનો માટે આ ચિંતાજનક રોગ છે.

નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડની પર શું અસર થાય છે?

સાદી ભાષામાં એમ કહી શકાય કે કિડની શરીરમાં ગળણી જેવું કામ કરે છે, જેના દ્વારા શરીરમાંના બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો અને વધારાનું પાણી પેશાબ વાટે નીકળી જાય છે. નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડનીના ગળણી જેવા કાણા મોટા થવાથી વધારાનાં પાણી અને ઉત્સર્ગ પદાર્થો સાથે શરીર માટે જરૂરી પ્રોટીન પણ પેશાબમાં જાય છે જેથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘટી જાય છે અને સોજા ચડે છે. પેશાબમાં જતા પ્રોટીનના પ્રમાણ અનુસાર દર્દીના સોજામાં વધઘટ થાય છે. નેફ્રોટિક સિન્ડ્રોમમાં મોટા ભાગે કિડનીની ઉત્સર્ગ પદાર્થો દૂર કરવાની કાર્યક્ષમતા યથાવત્ રહે છે એટલે કે કિડની બગડવાની શક્યતા ઘણી જ ઓછી રહે છે.

બાળકોમાં વારંવાર સોજા થાય તે માટેનું મુખ્ય કારણ નેફ્રોટિક સિન્ડ્રોમ છે.

નેફ્રોટિક સિન્ડ્રોમ કયા કારણસર થાય છે?

નેફ્રોટિક સિન્ડ્રોમ થવાનું કોઈ ચોક્કસ કારણ મળી શક્યું નથી. શ્વેતકણોમાંના લીમ્ફોસાઈટના કાર્યની કેટલીક ખામી (આટોઈમ્યુન ડિસીઝ)ને કારણે આ રોગ થતો હોવાનું માનવામાં આવે છે. ખોરાકમાં ફેરફાર કે દવાને આ માટે જવાબદાર ગણવામાં આવે છે તે માન્યતા ખોટી છે.

૯૦% દર્દીઓમાં નેફ્રોટિક સિન્ડ્રોમ થવાના મુખ્ય કારણો મિનિમલ ચેન્જ ડિસીઝ (Minimal Change Disease), ફોકલ સેગ્મેન્ટલ ગ્લોમેરૂલોસ્ક્લેરોસિસ (Focal Segmental Glomerulosclerosis), મેમ્બ્રેનસ નેફ્રોપેથી (Membranous Nephropathy) અને મેમ્બ્રેનો પ્રોલિફ્રેટિવ ગ્લોમેરૂલોનેફ્રાઈટિસ (Membrano Proliferative Glomerulonephritis) છે.

સામાન્ય રીતે ૧૦% દર્દીઓમાં અન્ય તકલીફ જેમ કે શરીરમાં ચેપ, દવાઓ, કૅન્સર, ડાયાબિટીસ, એસ.એલ.ઈ. (SLE-Systemic Lupus Erythematosus) અને અમાઈલોઈડોસિસ (Amyloidosis)ના કારણે નેફ્રોટિક સિન્ડ્રોમ થઈ શકે છે.

મિનીમલ ચેન્જ ડિસીઝ (MCD) :

બાળકોમાં નેફ્રોટિક સિન્ડ્રોમ થવાનું સૌથી મહત્ત્વનું કારણ મિનીમલ ચેન્જ ડિસીઝ છે. નેફ્રોટિક સિન્ડ્રોમમાં ૬ વર્ષથી નાની ઉંમરના ૯૦% બાળકોમાં મિનીમલ ચેન્જ ડિસીઝ રોગનું કારણ જોવા મળે છે. નેફ્રોટિક સિન્ડ્રોમમાં જો બ્લડપ્રેશર નોર્મલ હોય, પેશાબમાં રક્તકણ ન હોય, લોહીમાં ક્રીએટીનીનનું અને કોમ્પ્લીમેન્ટ સી-3 (Compliment-3-C3)નું પ્રમાણ નોર્મલ હોય ત્યારે રોગનું કારણ મિનીમલ ચેન્જ ડીસીઝ હોય તેવી શક્યતા વધારે હોય છે. નેફ્રોટીક સિન્ડોમ જ્યારે મિનીમલ ચેન્જ ડિસીઝને કારણે હોય ત્યારે સારવારની અસર વહેલી અને વધુ સારી જોવા મળે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમ સામાન્ય રીતે ૨થી ૮ વર્ષના બાળકોમાં જોવા મળતો રોગ છે.

ચિહનો

નેફ્રોટિક સિન્ડ્રોમના મુખ્ય ચિહ્નો :

નેફ્રોટિક સિન્ડ્રોમ કોઈ પણ ઉંમરે જોવા મળે છે. પરંતુ ૨-૮ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે છોકરીઓ કરતાં છોકરાઓમાં આ રોગ વધુ જોવા મળે છે.

  • રોગનાં શરૂઆતનાં મુખ્ય ચિહ્નોમાં આંખનાં પોપચાં નીચે, મોઢા પર સોજા જોવા મળે છે. આંખ પર સોજા હોવાને કારણે કેટલીક વાર દર્દી સૌપ્રથમ આંખના ડૉક્ટર પાસે જાય તેવું પણ બને છે.
  • આ સોજા દર્દી સવારે ઊઠે ત્યારે વધારે હોય તે આ રોગની લાક્ષણિકતા છે. આ સોજા દિવસ દરમિયાન ધીરેધીરે ઘટતા જાય છે અને સાંજે તે સૌથી ઓછા દેખાય છે.
  • રોગ વધારે હોય ત્યારે પેટ ફૂલી જાય, પેશાબ ઓછો થાય, આખા શરીરે સોજા ચડે, વજન વધી જાય વગેરે ફરિયાદ જોવા મળે છે.
  • ઘણા બાળકોમાં શરદી અને તાવ આવ્યા બાદ મોટા ભાગે સોજા જોવા મળે છે.
  • મોટા ભાગે દર્દીને સોજા ચડવા સિવાય કોઈ અન્ય તકલીફ આ રોગમાં હોતી નથી.
  • કેટલીક વખત પેશાબમાં ફીણ થવાથી પેશાબ કર્યો હોય તે જગ્યા પર ધોળા ડાઘ પડવાની ફરિયાદ પણ જોવા મળે છે.
  • આ રોગમાં લાલ પેશાબ આવવો, શ્વાસ ચડવો કે લોહીનું દબાણ વધવું વગેરે ચિહ્નો જોવા મળતાં નથી.

નેફ્રોટિક સિન્ડ્રોમમાં ક્યા ગંભીર પ્રશ્નો થઈ શકે છે?

સોજા સિવાયના ક્યારેક જોવા મળતા ગંભીર પ્રશ્નો પેટમાં ચેપ લાગવો (Peritonitis) અને મોટી શિરામાં (મુખ્યત્વે પગની) લોહી ગંઠાઈ જવું (Venous Thrombosis) વગેરેનો સમાવેશ થાય છે.

નેફ્રોટિક સિન્ડ્રોમનું સૌપ્રથમ લક્ષણ આંખનાં પોપચાં નીચે અને મોઢા પર સોજા આવવા તે છે.

નિદાન

નેફ્રોટિક સિન્ડ્રોમનું નિદાન :

લેબોરેટરી તપાસ :

કોઈ પણ દર્દીમાં સોજા જોવા મળે ત્યારે નેફ્રોટિક સિન્ડ્રોમના નિદાન માટે તપાસ કરાવવી જરૂરી છે. લેબોરેટરી તપાસમાં :

  1. પેશાબમાં વધુ પ્રમાણમાં પ્રોટીન જવું
  2. લોહીમાં પ્રોટીનનું ઓછું પ્રમાણ અને
  3. લોહીમાં કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ નેફ્રોટિક સિન્ડ્રોમનું નિદાન સૂચવે છે.

૧. પેશાબની તપાસ :

  • નેફ્રોટિક સિન્ડ્રોમના નિદાન માટે સૌપ્રથમ પેશાબની તપાસ કરવામાં આવે છે.
  • પેશાબમાં વધુ પ્રોટીન જાય તે નેફ્રોટિક સિન્ડ્રોમના નિદાન માટે સૌથી અગત્યની લાક્ષણિકતા છે.
  • નેફ્રોટિક સિન્ડ્રોમની સારવાર ચાલુ કર્યા બાદ યોગ્ય સમય અંતરે પેશાબની તપાસ કરાવવાથી સારવારની સફળતા વિશે જાણકારી મળે છે. પેશાબમાં જતું પ્રોટીન બંધ થઈ જાય તે સારવારની સફળતા સૂચવે છે.
  • ૨૪ કલાક દરમિયાન પેશાબમાં જતા પ્રોટીનનું કુલ પ્રમાણ ૩ ગ્રામ કરતાં વધારે હોય છે.
  • ૨૪ કલાકના એકઠા કરેલા પેશાબની તપાસ અથવા સ્પોટ યુરિન પ્રોટીન-ક્રીએટીનીન રેશિયો (Protein-Creatinine Ratio)ની તપાસ દ્વારા ખબર પડે છે કે ૨૪ કલાકમાં પેશાબમાં કેટલું પ્રોટીન જાય છે. આ તપાસ દ્વારા પેશાબમાં જતું પ્રોટીનનું પ્રમાણ ઓછું, મધ્યમ કે વધુ હોય તેની સચોટ માહિતી મળે છે. આ તપાસ રોગનું નિદાન ઉપરાંત રોગની યોગ્ય સારવારના નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે.
  • આ ઉપરાંત પેશાબમાં શ્વેતકણ, રક્તકણ અને લોહી ન હોય તે નિદાન યોગ્ય છે તેવું સૂચવે છે.

૨. લોહીની તપાસ :

(એ) મુખ્ય તપાસ : લોહીની તપાસમાં પ્રોટીન (આલ્બ્યુમીન) ઘટી જવું, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું અને ક્રીએટીનીનની માત્રા સામાન્ય હોવી તે નેફ્રોટિક સિન્ડ્રોમનું નિદાન સૂચવે છે.

પેશાબની તપાસ રોગના નિદાન અને તેની સારવારના નિયમન માટે અત્યંત મહત્ત્વની છે.

(બી) લોહીની અન્ય તપાસ : મોટા ભાગના નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓમાં જરૂરત મુજબ કરવામાં આવતી વિવિધ તપાસ નીચે મુજબ છે :

  • લોહીમાં હીમોગ્લોબીન, શ્વેતકણનું પ્રમાણ, ખાંડનું પ્રમાણ, ક્ષારનું પ્રમાણ, કૅલ્શિયમ અને ફોસ્ફરસ.
  • એચ.આઈ.વી., હેપીટાઈટિસ બી. અને સી, વી.ડી.આર.એલ.(VDRL)ની તપાસ.
  • કોમ્પ્લિમેન્ટ, એ.એસ.ઓ. ટાઈટર
  • એ.એન.એ., એન્ટિડી.એન.એ. વગેરે

૩. રેડિયોલોજિકલ તપાસ :

પેટની સોનોગ્રાફીથી કિડનીનું કાર્ય, આકાર, પથરી કે ગાંઠ અથવા અન્ય રોગની હાજરી કે કોઈ ખામી હોય તેની માહિતી મળે છે. સામાન્ય રીતે નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓમાં સોનોગ્રાફીનો રિપોર્ટ સામાન્ય હોય છે.

૪. કિડની બાયોપ્સી :

નેફ્રોટિક સિન્ડ્રોમની તકલીફ કયા પ્રકારના કિડની અને સોજાને કારણે થયેલ છે તેના ચોક્કસ નિદાન માટે કિડની બાયોપ્સી અતિ આવશ્યક છે. આ તપાસ માટે કિડનીમાંથી દોરા જેવી પાતળી કટકી લઈ તપાસ માટે મોકલવામાં આવે છે. (વધુ માહિતી માટે જુઓ ચેપ્ટર નં. ૪).

પેશાબમાં પ્રોટીન જવું, લોહીમાં પ્રોટીન ઘટી જવું અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું એ આ રોગની લાક્ષણિકતા છે.

સારવાર

નેફ્રોટિક સિન્ડ્રોમની સારવાર :

નેફ્રોટિક સિન્ડ્રોમનીની સારવારનો હેતુ રોગના ચિહ્નોમાં રાહત, પેશાબમાં જતા પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું, રોગથી થતા ગંભીર પ્રશ્નો અટકાવવા તથા કિડનીની કાર્યક્ષમતા જાળવવી તે છે. સામાન્ય રીતે આ રોગની સારવાર લાંબા સમય (વર્ષો સુધી) સુધી ચાલે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમની સારવારમાં ખોરાકની પરેજી અને જરૂરી દવા અત્યંત અગત્યનાં છે.

૧. ખોરાકમાં પરેજી :

સોજા હોય ત્યારે અને સોજા મટી જાય ત્યારબાદ ખોરાકમાં કાળજીની સલાહ અલગ અલગ હોય છે.

સોજા હોય તે દર્દીઓમાં ખોરાકની પરેજી :

ખોરાકમાં નમક ઘટાડવાથી સોજા ઘટવામાં મદદ મળે છે. સોજા વધારે હોય ત્યારે ખોરાકમાં જરૂરત મુજબ પ્રવાહી લેવું અને વધુ પ્રવાહી લેવાનું ટાળવું.

સોજા ન હોય તોપણ વધુ માત્રામાં લાંબા સમય માટે સ્ટીરોઈડ લેવા જરૂરી હોય તેવા દર્દીઓએ ખોરાકમાં નમક ઓછું લેવું જોઈએ જેથી આગળ જતા લાંબા ગાળે લોહીનું દબાણ વધવાની શક્યતામાં ઘટાડો થાય.

સોજા હોય ત્યારે ખોરાકમાં સામાન્ય માત્રામાં પ્રોટીન અને પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન તથા કૅલ્શિયમ લેવા જોઈએ.

સોજા મટી ગયા બાદ ખોરાકમાં પરેજી :

જ્યારે સોજા ન હોય ત્યારે સામાન્ય ખોરાક લઈ શકાય. આ તબક્કે સામાન્ય રીતે પ્રવાહી અને નમક ઓછું લેવાની જરૂર હોતી નથી. પ્રોટીન પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. ફળો અને લીલા શાકભાજી વધુ લેવા અને ચરબીવાળો ખોરાક ઓછો લેવો જોઈએ.

૨. દવા દ્વારા સારવાર :

(એ) સ્ટીરોઈડ થેરાપી

નેફ્રોટીક સિન્ડ્રોમની સારવાર માટે બધા જ દર્દીઓમાં વપરાતી આ સૌથી મહત્ત્વની દવા છે અને તે લાંબા સમય સુધી લેવી પડે છે.

મોટા ભાગના બાળકોમાં આ દવા અસરકારક હોય છે. આ દવા પેશાબમાં જતું પ્રોટીન અટકાવે છે. આ દવાથી મોટા ભાગના દર્દીઓમાં ૧થી ૪ સપ્તાહમાં સોજા ઉતરી જાય છે અને પેશાબમાં જતું પ્રોટીન બંધ થઈ જાય છે. સ્ટીરોઇડ થેરેપીમાં સૌથી વધુ વપરાતી દવા પ્રેડનીસોલોન છે.

નેફ્રોટિક સિન્ડ્રોમમાં લોહીની તપાસમાં ક્રીએટીનીનની માત્રા સામાન્ય હોય છે.

(બી) વૈકલ્પિક ખાસ દવાઓ :

આ દવાનો ઉપયોગ થોડા દર્દીઓમાં જ જરૂર પડે છે. અમુક દર્દીઓમાં સ્ટીરોઈડ સારવારથી ખાસ કોઈ સુધારો જોવા મળતો નથી અને આવા દર્દીઓમાં કિડની બાયોપ્સી દ્વારા ચોક્કસ નિદાન કરી અન્ય ખાસ પ્રકારની દવાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ પ્રકારે વપરાતી ખાસ દવાઓ લેવામીસોલ (Levamisole), સાઈકલોફોસ્ફેમાઈડ (Cyclophosphamide), સાઈકલોસ્પોરિન (Cyclosporine), ટેક્રોલીમસ (Tacrolimus) અને માઈકોફિનોલેટ મોફેટિલ (Mycophenolate Mofetil-MMF) છે. આ પ્રકારની દવાઓનો ઉપયોગ સ્ટીરોઈડની સાથે કરવામાં આવે છે.

(સી) અન્ય મદદરૂપ દવાઓ :

  • સોજા ઝડપી ઉતરે તે માટે પેશાબ વધે તેવી દવાઓ (ડાઈયુરેટિક્સ) જરૂર મુજબ આપવામાં આવે છે.
  • કેટલાક દર્દીઓમાં લોહીના ઊંચા દબાણને કાબૂમાં રાખવા અને પેશાબમાં જતા પ્રોટીનને ઘટાડવા માટે એ.સી.ઈ. ઈન્હીબીટર્સ (A.C.E. Inhibitors) અને એ.આર.બી. (Angiotensin Receptors Blockers) તરીકે ઓળખાતી દવાઓ આપવામાં આવે છે.
  • જે દર્દીઓને ચેપ લાગેલ હોય (ફેફસાં, પેટ વગેરે) તેવા દર્દીઓને ચેપના કાબૂ માટે યોગ્ય એન્ટિબાયોટિક આપવામાં આવે છે.
  • ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી હોય ત્યારે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા માટે ઉપયોગ થતી દવાઓ (સ્ટેટીન) આપવાથી હૃદય અને લોહીની નળીઓમાં થતા ગંભીર રોગો અટકાવી શકાય.
  • યોગ્ય માત્રામાં કૅલ્શિયમ, વિટામિન-ડી અને ઝિંક ધરાવતી દવાઓ આપવામાં આવે છે.
નેફ્રોટિક સિન્ડ્રોમની સારવારમાં પ્રેડનીસોલોન સૌથી વધુ ઉપયોગી અને અસરકારક દવા છે.

૩. રોગના કારણોની સારવાર :

કેટલાક દર્દીઓમાં નેફ્રોટિક સિન્ડ્રોમ થવાનાં કારણો જેમ કે ડાયાબિટીક કિડની ડિસીઝ, લ્યુપસ નેફ્રાઇટીસ, એમાઈલોઈડોસીસ વગેરેની ઘનિષ્ઠ તથા યોગ્ય સારવાર નેફ્રોટિક સિન્ડ્રોમને કાબૂમાં રાખવા માટે મદદ કરે છે.

૪. સામાન્ય સૂચનો :

  • નેફ્રોટિક સિન્ડ્રોમ એ એવો રોગ છે જે લાંબા સમય (વર્ષો) સુધી ચાલે છે.
  • નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓના પરિવારજનોને રોગ વિશે યોગ્ય માહિતી અને તેના માટે વપરાતી દવાઓના ફાયદાઓ, ગેરફાયદાઓ તથા તેની આડઅસરો અંગે યોગ્ય માહિતી આપવી જરૂરી હોય છે.
  • રોગ ઉથલો મારે ત્યારે અને સોજા ચડે ત્યારે ખાસ કાળજી જરૂરી હોય છે, પરંતુ રોગ કાબૂમાં હોય ત્યારે આ બાળકોની જીવનશૈલી અન્ય બાળકો જેવી જ સામાન્ય હોય છે.
  • નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓમાં સ્ટીરોઈડ દ્વારા સારવાર પહેલા ચેપનો કાબૂ અગત્યનો છે.
  • આ રોગ વારંવાર ઊથલો મારવાનું કારણ ચેપ હોઈ, બાળકને ચેપ ન લાગે તે માટેની કાળજી મહત્ત્વની છે. ચેપ થતો અટકાવવા માટેના સૂચનો અને તેની વહેલી યોગ્ય સારવારના ફાયદા અંગે કુટુંબીજનોને યોગ્ય જાણકારી આપવી જરૂરી છે.
  • ચેપથી બચવા માટે બાળકે શુદ્ધ પાણી પીવું, જમતાં પહેલાં વ્યવસ્થિત રીતે હાથ ધોવા, ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું અને અન્ય ચેપવાળા બાળકોથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. સ્ટીરોઈડની સારવાર પૂરી થયા બાદ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત રસીકરણ કરાવવું સલાહભર્યું છે.
પ્રેડનીસોલોન (સ્ટીરોઈડ)ની આડઅસર ડૉક્ટરની દેખરેખ નીચે યોગ્ય રીતે સારવાર લેવાથી ઘટાડી શકાય છે.

૫. દેખરેખ અને નિયમિત તપાસ :

  • નેફ્રોટિક સિન્ડ્રોમ રોગ લાંબા સમય (વર્ષો) સુધી ચાલતો હોવાથી આ રોગના દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત તબિયત બતાવવી અગત્યની છે. ડૉક્ટર પેશાબમાં જતું પ્રોટીનનું પ્રમાણ, વજન, બ્લડપ્રેશર, ઊંચાઈ, દવાની આડઅસર (હોય તો) કે અન્ય કોઈ ગંભીર પ્રશ્નો હોય તો તેની નોંધ લઈ જરૂર મુજબ સારવારમાં યોગ્ય ફેરફાર કરે છે.
  • સોજા હોય તેવા દર્દીઓએ દરરોજ વજન માપી નોંધ રાખવી જેની મદદથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું છે તેની જાણ થઈ શકે.
  • દર્દીઓના પરિવારજનોને પણ ઘરે પેશાબમાં કેટલું પ્રોટીન જાય છે તે માપવાનું શીખવવામાં આવે છે અને તેની નોંધ રાખી ડૉક્ટરની સલાહ મુજબ દવાના ડોઝમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે.
  • ઘરે નિયમિત રીતે કરવામાં આવતી પેશાબમાં પ્રોટીનની તપાસ દ્વારા નેફ્રોટિક સિન્ડ્રોમ ઉથલો મારે ત્યારે તેનું નિદાન અને સારવાર વહેલાસર થઈ શકે છે.

પ્રેડનીસોલોન શું કામ કરે છે અને તે કઈ રીતે આપવામાં આવે છે?

  • પ્રેડનીસોલોન પેશાબમાં જતું પ્રોટીન અટકાવવા માટે અકસીર દવા છે. આ દવાથી મોટા ભાગના દર્દીઓમાં ૧થી ૪ અઠવાડિયામાં પેશાબમાં પ્રોટીન જતું બંધ થઈ જાય છે.
  • આ દવા કેટલી આપવી તે બાળકનાં વજન અને રોગની માત્રાને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.
  • સામાન્ય રીતે પ્રથમ વખત રોગનું નિદાન થાય ત્યારે સારવાર ૪-૫ મહિના ચાલે છે. શરૂઆતના ૪-૬ અઠવાડિયા દવા દરરોજ આપવામાં આવે છે. ત્યારબાદ દવા એકાંતરે આપવામાં આવે છે અને તેના ડોઝમાં ધીરે-ધીરે ઘટાડો કરવામાં આવે છે. સામાન્ય રીતે ૫ મહિના પછી લેવાનું બંધ થઈ જાય છે. નેફ્રોટિક સિન્ડ્રોમ રોગ જ્યારે ઉથલો મારે ત્યારે તેની સારવાર અલગ પ્રકારની હોય છે.
આ રોગ વારંવાર ઊથલો મારવાનું કારણ ચેપ હોઈ બાળકને ચેપ ન લાગે તે માટેની કાળજી મહત્વની છે.

  • આ રોગ વારંવાર ઉથલો ન મારે તે માટે ડૉક્ટરની સલાહ મુજબ દવાનો યોગ્ય કોર્સ પૂરો કરવો જરૂરી છે.
  • આ દવા કેટલા સમય માટે કઈ રીતે લેવી તે નિષ્ણાત ડૉક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે.

પ્રેડનીસોલોનની આડઅસર શું છે?

પ્રેડનીસોલોન નેફ્રોટિક સિન્ડ્રોમમાં ખૂબ અસરકારક દવા છે. પરંતુ આ દવાની આડઅસર થઈ શકે તેમ હોવાથી, આ દવા ડૉક્ટરની સલાહ મુજબ અને દેખરેખ નીચે જ લેવી હિતાવહ છે.

ટૂંક સમયમાં જોવા મળતી આડઅસરો :

વધુ ભૂખ લાગવી, વજન વધવું, ઍસિડિટી થવી, ચીડિયો સ્વભાવ થવો, ચેપ લાગવાની શક્યતા વધવી, લોહીનું દબાણ વધે, શરીર પર રૂંવાટી થવી વગેરે.

લાંબા સમય બાદ જોવા મળતી આડઅસરો :

વજન વધવું, બાળકોનો વિકાસ ઓછો થવો (ઊંચાઈ ઓછી વધવી), હાડકાં નબળાં થવાં, ચામડી ખેંચાવાને કારણે સાથળ અને પેટની નીચેના ભાગે ગુલાબી આંક પડવા, મોતિયો (Cataract) થવાનો ભય વગેરે.

આટલી બધી આડઅસર ધરાવતી પ્રેડનીસોલોન દવા લેવી શું બાળક માટે હિતાવહ છે?

હા, મોટા ભાગે આ દવા વધુ ડોઝમાં લાંબા સમય માટે લેવામાં આવે ત્યારે ગંભીર આડઅસર થવાનો ભય વધુ રહે છે. યોગ્ય માત્રા, પદ્ધતિસર અને સમયસર આપવામાં આવેલી દવાની આડઅસર મોટા ભાગે પ્રમાણમાં ઓછી અને ટૂંકા સમય પૂરતી જ હોય છે. જ્યારે આ દવા ડૉક્ટરની દેખરેખ નીચે લેવામાં આવે ત્યારે ગંભીર આડઅસરનું નિદાન શરૂઆતના તબક્કામાં જ થઈ જવાની, સમયસરના યોગ્ય ફેરફાર દ્વારા તે અટકાવી શકાય છે.

નેફ્રોટિક સિન્ડ્રોમના યોગ્ય કાબૂ અને આડઅસર ઘટાડવા સ્ટીરોઈડનો યોગ્ય ડોઝ મહત્ત્વનો છે.

વળી, રોગને કારણે થતી સંભવિત તકલીફ અને જોખમોની સરખામણીમાં દવાની આડઅસર ઘણી જ ઓછી જોખમી છે. તેથી વધુ ફાયદો મેળવવા માટે, થોડી આડઅસર સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

મોટા ભાગના બાળકોમાં સારવારના ત્રીજા-ચોથા અઠવાડિયે પેશાબમાં પ્રોટીન જતું ન હોવા છતાં, સોજા જેવી તકલીફ લાગે છે. શા માટે?

પ્રેડનીસોલોન લેવાથી ભૂખ વધે છે. વધુ ખોરાક લેવાથી શરીરમાં ચરબી જમા થાય છે જેના કારણે સોજા ફરી થયા હોય તેવું લાગે છે.

રોગના સોજા અને ચરબી જમા થવાથી સોજા જેવું લાગે, તે વચ્ચે કઈ રીતે તફાવત જાણી શકાય?

નેફ્રોટિક સિન્ડ્રોમ રોગને કારણે જોવા મળતાં સોજા મુખ્યત્વે આંખ નીચે, મોં પર જોવા મળે છે. જે સવારે વધારે, પણ સાંજે ઓછા હોય છે. આ સાથે પગ પર પણ સોજા જોવા મળે છે.

દવાને કારણે ચરબી મુખ્યત્વે મોં પર, ખભા પર અને પેટ પર જમા થતી હોય ત્યાં સોજા જેવું લાગે છે. આ સોજા જેવી અસર આખા દિવસ દરમિયાન સમાન માત્રામાં જોવા મળે છે, તેમાં કોઈ વધઘટ થતી નથી. આંખ પર તથા પગ પર સોજા ન હોવા અને સવારે વધુ, સાંજે ઓછા તેવી વધઘટ ન થવી તે આ સોજા નેફ્રોટિક સિન્ડ્રોમ રોગને કારણે નથી તેવું સૂચવે છે.

અમુક દર્દીઓમાં સોજા રોગને કારણે છે કે દવાને કારણે તેનો તફાવત જાણવા લોહીની તપાસ કરવામાં આવે છે. લોહીમાં પ્રોટીનની માત્રામાં ઘટાડો રોગને કારણે સોજા સૂચવે છે, જ્યારે લોહીમાં પ્રોટીનનું સામાન્ય પ્રમાણ દવાને કારણે સોજા હોય તે સૂચવે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમને કારણે થતા સોજા અને દવાની અસરને લીધે ચરબી જમા થવાથી સોજા લાગવા તે વચ્ચે તફાવત જાણવો શા માટે જરૂરી છે?

  • બાળક માટે કઈ સારવાર યોગ્ય રહેશે તે નક્કી કરવા ખરેખર સોજા હોવા અને સોજા જેવું લાગવું તે વચ્ચે તફાવત જાણવો જરૂરી છે.
યોગ્ય સારવાર માટે રોગના સોજા અને દવાને કારણે સોજા જેવું લાગવું વચ્ચે તફાવત જાણવો જરૂરી છે.

  • નેફ્રોટિક સિન્ડ્રોમને કારણે સોજા હોય તો દવાની માત્રામાં વધારો કે ફેરફાર અને સાથે પેશાબ વધારવાની દવાની જરૂર પડી શકે છે.
  • ચરબી જમા થવાને કારણે સોજા જેવું લાગવું તે પ્રેડનીસોલોન દવા દ્વારા નિયમિત સારવારની અસર સૂચવે છે. તેથી રોગ કાબૂમાં નથી, રોગ ઊથલો માર્યો છે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સમય સાથે પ્રેડનીસોલોન દવાનો ડોઝ ઘટતાં આ સોજા જેવી અસર પણ ધીરેધીરે ઘટી, સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે. સોજા જેવી અસરને તરત ઘટાડવા કોઈ પણ દવા લેવી તે બાળકને માટે હાનિકારક છે.

નેફ્રોટિક સિન્ડ્રોમ ઉથલો મારે તેવી શક્યતા કેટલી હોય છે અને આ રોગ કેટલી વાર ઉથલો મારે છે?

મોટા ભાગના બાળકોમાં અચાનક ઉથલો મારવો તે આ રોગની તાસીર છે, પરંતુ કેટલી વખત અને કેટલા સમયાંતરે રોગ ઉથલો મારશે તે દરેક દર્દીમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે વધુ બાળકોમાં વર્ષમાં બેથી ત્રણ વખત આ રોગ ઉથલો મારતો જોવા મળે છે.

પ્રેડનીસોલોનની સારવાર અસરકારક ન નીવડે ત્યારે વપરાતી અન્ય દવા કઈ-કઈ છે?

નેફ્રોટિક સિન્ડ્રોમના બાળકોમાં અન્ય દવાઓમાં લીવામિઝોલ મિથાઈલ પ્રેડનીસોલોન, સાઈકલોફોસ્ફેમાઈડ, સાઈકલોસ્પોરીન, એમ.એમ.એફ. વગેરે દવાઓનો સમાવેશ થાય છે.

નેફ્રોટિક સિન્ડ્રોમના બાળકોમાં ક્યારે કિડની બાયોપ્સી કરવામાં આવે છે?

મોટા ભાગના નેફ્રોટિક સિન્ડ્રોમના બાળકોમાં નિદાન બાદ સ્ટીરોઈડ (પ્રેડનીસોલોન) સારવાર આપવામાં આવે છે અને કિડની બાયોપ્સીતો જરૂર મુજબ થોડા જ બાળકોમાં કરવી જરૂરી બને છે.

પ્રેડનીસોલોન વધુ પ્રમાણમાં લાંબો સમય લેવી પડે કે અસર ન કરે ત્યારે નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડની બાયોપ્સીની જરૂર પડે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડની બાયોપ્સીની જરૂરિયાત નીચે મુજબના સંજોગોમાં પડે છે :

  1. રોગના કાબૂ માટે પ્રેડનીસોલોન વધુ પ્રમાણમાં અને લાંબો સમય લેવી પડે તેમ હોય.
  2. પ્રેડનીસોલોન લેવા છતાં રોગ કાબૂમાં ન આવતો હોય.
  3. મોટા ભાગનાં બાળકોમાં નેફ્રોટિક સિન્ડ્રોમ થવા માટે જવાબદાર રોગ ‘મિનીમલ ચેન્જ ડિસીઝ’ હોય છે. જે બાળકોમાં આ રોગ મિનીમલ ચેન્જ ડિસીઝને કારણે ન હોય તેવી શંકા પડે (જેમ કે લોહીનું દબાણ વધારે હોય, પેશાબમાં રક્તકણો હોય, લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે હોય અને કૉમ્પ્લિમેન્ટ (C3)નું પ્રમાણ ઓછું હોય), ત્યારે કિડની બાયોપ્સી જરૂરી બને છે.
  4. પુખ્યવયના નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓમાં સામાન્ય રીતે કિડની બાયોપ્સી કરી સચોટ નિદાન બાદ જરૂરી સારવાર કરવામાં આવે છે.

નેફ્રોલોજિસ્ટ નેફ્રોટિક સિન્ડ્રોમની સારવારનું નિયમન કઈ રીતે કરે છે?

રોગની સારવારના યોગ્ય નિયમન માટે સૂચના મુજબ નિષ્ણાત ડૉક્ટર દ્વારા નિયમિત તપાસ અત્યંત જરૂરી છે. આ તપાસમાં ચેપની અસર, લોહીનું દબાણ, વજન, પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ અને જરૂર મુજબ લોહીની તપાસ કરવામાં આવે છે. આ માહિતીને આધારે દવામાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમ ક્યારે સંપૂર્ણ મટે?

યોગ્ય સારવારથી મોટા ભાગનાં બાળકોમાં પેશાબમાં આલ્બ્યુમિન જતું બંધ થઈ જાય છે અને આ રોગ થોડા સમયમાં જ કાબૂમાં આવી જાય છે. પરંતુ ટૂંકા કે લાંબા સમય બાદ મોટા ભાગના બાળકોમાં આ રોગ ફરી ઊથલો મારે છે અને તે માટે ફરી સારવારની જરૂર પડે છે. જેમ ઉંમર વધે તેમ ઊથલો મારવાની પ્રક્રિયા વચ્ચેનો સમય ધીમેધીમે વધતો જાય છે. ૧૧થી ૧૪ વર્ષની ઉંમર બાદ મોટા ભાગના બાળકોમાં આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે.

લાંબા સમય (વર્ષો) સુધી ચાલતો આ રોગ મોટાભાગના બાળકોમાં ૧૧થી ૧૪ વર્ષની ઉંમરે સંપૂર્ણ રીતે મટી જાય છે.

નેફ્રોટિક સિન્ડ્રોમના દર્દીઓએ ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક ક્યારે કરવો જોઈએ?

નેફ્રોટિક સિન્ડ્રોમવાળા દર્દીઓ અથવા બાળકના પરિવારજનોએ નીચે મુજબના સંજોગમાં ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો :

  • પેટમાં દુખાવો થાય, તાવ આવે કે ઊલટી થાય.
  • સોજા ચડે, વજન અચાનક વધવા લાગે કે પેશાબ ઓછો આવે.
  • ચેપ કે બીમારીના આડકતરા ચિહ્નોની હાજરી જેમ કે બાળક રમવાનું છોડી દે અને સુસ્ત રહે.
  • લાંબા સમય માટે વધુ ઉધરસ રહેવી અને તાવ સાથે માથું દુખવું.
  • અછબડા અથવા ઓરી થાય.
બાળકોમાં થતા આ રોગમાં કિડની બગડવાની શક્યતા નહીંવત્ છે.